Sep 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-300

અધ્યાય-૧૦-મૈત્રેયનો શાપ 

II धृतराष्ट्र उवाच II एतमेवतन्महाप्राज्ञ यथा वदसि नो मुने I अहं चैव विजानामि सर्वे चेमे नराधिपाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાપ્રાજ્ઞ,તમે અમને કહો છો તેમ જ છે,હું અને આ સર્વ રાજાઓ તેને જાણે છે,તમે કુરુઓના હિત માટે જે વિચારણા રાખો છો તે મને વિદુરે,ભીષ્મએ ને દ્રોણે કહી હતી,હું જો તમારી કૃપાને લાયક હોઉં અને 

કૌરવો પ્રત્યાએ તમને દયા હોય,તો મારા દુષ્ટ પુત્ર દુર્યોધનને તમે ઉપદેશ આપો (3)

વ્યાસ બોલ્યા-'હે રાજન,મૈત્રેય,ઋષિ,પાંડવોને મળીને આપણને મળવાની ઇચ્છાએ અહીં આવી રહ્યા છે,

તે જ તમારા પુત્રને યથાવિધિ ઉપદેશ આપશે,તે જે કહે તે નિઃશંક રીતે કરવું,ને તેમ જો નહિ કરવામાં આવે તો,

તેઓ રોષ લાવીને તમારા પુત્રને શાપ આપશે' આમ કહીને વ્યાસ ત્યાંથી ચાલ્યા ગયા,તે પછી મૈત્રેયમુનિ પધાર્યા.

ધૃતરાષ્ટ્રે,પોતાના પુત્રો સાથે તે મુનિનું યથાવિધિ પૂજન કરી સર્વનું કુશળ પૂછ્યું.


મૈત્રેય બોલ્યા-તીર્થયાત્રા કરતો કરતો હું કુરુજાંગલ દેશોમાં આવ્યો છું,દૈવઇચ્છાએ મને ધર્મરાજનાં દર્શન થયાં.

જટા ને મૃગચર્મ ધારણ કરેલા તેમને જોવા માટે મુનિઓનાં મંડળો આવેલાં હતાં.હે મહારાજ,ત્યાં તમારા પુત્રોને થયેલી બુદ્ધિની ઘેલછા,તેમણે કરેલો જુગારરૂપી અન્યાય ને તેથી ઉભો થયેલો મહાન ભય-એ સઘળું મેં સાંભળ્યું.

પછી,હું તમને મળવા આવ્યો છું.હે મહારાજ,તમે અને ભીષ્મ જીવિત છો ને તમારા પુત્રો પરસ્પર વિરોધ કરે એ કોઈ રીતે યોગ્ય નથી.તમે પોતે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ હોઈ,સર્વ પુત્રોના આધારરૂપ છો,તો પછી 

આ ઘોર અન્યાયને તમે કેમ ચલાવ્યો છે? તમારી સભામાં એક લૂંટારાઓના જેવું વર્તન ચલાવવામાં આવ્યું છે,

તેથી હે રાજન તમે તપસ્વીઓના સંગમાં શોભતા નથી.(17)


વૈશંપાયન બોલ્યા-પછી,મૈત્રેય,દુર્યોધન તરફ ફર્યા અને મધુરવાણીમાં તેને કહેવા લાગ્યા કે-'હે દુર્યોધન,હું તારા હિતમાં જે વચન કહું છું તે તું સાંભળતું પાંડવોનો દ્રોહ કરીશ નહિ,તું પ્રથમ તારું પોતાનું,પાંડવોનું ને સર્વલોકનું પ્રિય કર.તે સર્વ નરશાર્દૂલ પાંડવો શૂરવીર છે,પરાક્રમી યોદ્ધાઓ છે,દશ હજાર હાથીઓન જેવા બળવાળા છે અને 

લોખંડી કાયવાળા છે,તેઓ સત્યવ્રતને ધારણ કરનારા છે,પુરુષાર્થનું ગૌરવ રાખવાવાળા છે,દેવોના શત્રુઓ,

હિડિમ્બ,બક અને કિર્મીર આદિ રાક્ષસોને હણનારા છે.યુદ્ધમાં દશ હજાર હાથીનું બળ ધરાવનાર જરાસંઘને ભીમે કેવી રીતે પાડી નાખ્યો હતો તેનો વિચાર કર,વળી,જેમના સંબધી વાસુદેવ છે ને દ્રુપદપુત્રો જેમના સાળા છે,તેમની સામે કયો મનુષ્ય યુદ્ધમાં ઉભો રહી શકે તેમ છે? માટે પાંડવો સાથે તારો સુલેહ સંપ રહો.

હે દુર્યોધન,તું મારા વચન પ્રમાણે કર અને ક્રોધને વશ થા નહિ.


મૈત્રેય મુનિ આ પ્રમાણે કહેતા હતા,ત્યારે એ દુર્યોધને હસીને પોતાની સાથળને હાથથી થાબડી ને પગથી જમીન ખોતરવા લાગ્યો ને નીચું મુખ રાખીને ઉભો રહ્યો.દુર્યોધનને આમ આંખ આડા કાન કરતો જોઈને મૈત્રેય મુનિને ક્રોધ ચડ્યો.ને તેમણે જળસ્પર્શ કરીને તે દુષ્ટાત્મા દુર્યોધનને શાપ આપ્યો કે-'તું મારો અનાદર કરીને મારી આ વાતને માનવા ઈચ્છતો નથી,તેથી તારા અભિમાનનું ફળ તને મળશે,તારા આ દ્રોહને લીધે મહાયુદ્ધ ઉભું થશે અંતે તેમાં બળવાન ભીમ ગદાપ્રહારથી તારી આ સાથળ ભાગી નાખશે' ઋષિએ આમ શાપ આપ્યો એટલે ધૃતરાષ્ટ્રે-'આમ ન થાય તેમ કરો' એમ કહીને તેમને પ્રસન્ન કરવા માંડ્યા.


મૈત્રેય બોલ્યા-'તમારો પુત્ર જો શાંત થશે,તો આ શાપ નહિ લાગે,પણ જો તેનાથી ઉલ્ટું થશે તો શાપ લાગશે જ.'

પછી,ધૃતરાષ્ટ્રે ભીમના બળને લક્ષ્યમાં રાખીને પૂછ્યું 'ભીમે કિર્મીરનો વધ કેવી રીતે કર્યો હતો?'

મૈત્રેય બોલ્યા-હવે હું કઈ નહિ કહું,કેમ કે તમારો પુત્ર મારુ કહેલું કાને ધારતો નથી,પણ મારા ગયા પછી વિદુર તમને આ વિશે કહેશે' આમ કહી તે ચાલ્યા ગયા,ને દુર્યોધન પણ ત્યાંથી બહાર ચાલ્યો ગયો (40)

અધ્યાય-૧૦-સમાપ્ત 

અરણ્ય પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE