II व्यास उवाच II धृतराष्ट्र महाप्राज्ञ निबोध वचनं मम I वक्ष्यामि त्वां कौरवाणां सर्वेषां हितमुत्तमम् II १ II
વ્યાસ બોલ્યા-હે મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર,મારાં વચન સાંભળો,હું તમને ને સર્વ કૌરવો માટે હિતકારી કહીશ.
દુર્યોધન આદિઓએ કપટથી હરાવેલ પાંડવો વનમાં ગયા એ મને ગમ્યું નથી.પોતાને પડેલાં દુઃખોને સંભારી રાખીને તેઓ તેર વર્ષ પૂરાં થયે ક્રોધપૂર્વક કૌરવો પર વેર વરસાવશે.પણ,અત્યારે તમારો આ મંદબુદ્ધિ ને પાપી મનવાળો દુર્યોધન,હજુ એ નિત્ય ક્રોધમાં રહીને રાજ્યના કારણે પાંડવોને મારવાની ઈચ્છા કરે છે,
તે શું કહેવાય? તે તો પાંડવોના ક્રોધમાં,બળતામાં ઘી હોમવાનું કાર્ય કરી રહ્યો છે.(4)
તમારા એ મૂર્ખ પુત્રને તમે ઠીક રીતે વારો.વનમાં રહેલા તે પાંડુપુત્રોને હણવાની ઈચ્છાથી,તે પોતાના પ્રાણ
હમણાં જ ખોઈ બેસશે.જેમ,વિદુર,ભીષ્મ,કૃપાચાર્ય અને દ્રોણ ઉત્તમ બુધ્ધિનિષ્ઠ છે તેવા તમે પણ છો.
સ્વજનો સાથે વિગ્રહ કરવો,એ નિંદિત છે,અધર્મકારી છે ને યશઘાતી છે,તમે એ વહોરી લો નહિ.
હે ભારત,પાંડવો પ્રત્યે દુર્યોધનની જે વિચારબુદ્ધિ છે,તેની ઉપેક્ષા કરવામાં આવશે તો તે મોટો અન્યાય
કરી બેસશે.અથવા,દુર્યોધન એકલો જ વનમાં પાંડવોની પાસે જાય,ને ત્યાં તેમના સંસર્ગથી
જો તેને પાંડવો પ્રતિ સ્નેહ થાય તો તમે આજે જ કૃતાર્થ થઇ જશો,અથવા સંભળાય છે કે,
જન્મની સાથે જે સ્વભાવ બંધાય છે,તે મરતાં સુધી છૂટતો નથી.પણ તમે આ વિશે,શું માનો છો?
જે કરવા યોગ્ય છે તે પહેલેથી જ કરવું જોઈએ,ને તેનાથી જ તમારા પ્રયોજનની સિદ્ધિ થઇ શકે તેમ છે(12)
અધ્યાય-૮-સમાપ્ત
અધ્યાય-૯-વ્યાસે કહેલું સુરભીનું આખ્યાન
II धृतराष्ट्र उवाच II भगवन्नाहमप्येतद्रोचये ध्युतसंभवम् I मन्ये तद्विधिनाSकृष्यकारितो स्मीतिSवै मुने II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે ભગવન,મને પણ દ્યુતક્રીડા રુચતી નથી,હું માનું છું કે,પ્રારબ્ધના દોરવ્યા જ મેં તે જુગટું
રમાવા દીધું.એ ભીષ્મ,દ્રોણ,વિદુર કે ગાંધારીને પણ ગમ્યું નહોતું,પણ તે મોહમાં જ રમાઈ ગયું છે.
પુત્રસ્નેહથી,હું જાણ્યા છતાં પણ મૂર્ખ દુર્યોધનને ત્યજી શકતો નથી (3)
વ્યાસ બોલ્યા-તમે,યથાર્થ સત્ય જ કહ્યું છે,પુત્ર જ શ્રેષ્ઠ છે,પુત્રથી વિશેષ કાંઈ જ નથી.ગાયોની માતા એવી સુરભીએ આંસુ ઢાળીને ઇન્દ્રને બોધ આપ્યો હતો ત્યારથી તે ઇન્દ્ર,બીજી વસ્તુઓની સમૃદ્ધિ છતાં પુત્રને શ્રેષ્ઠ માને છે.
પૂર્વે,સુરભી એકવાર સ્વર્ગમાં જઈને રોવા લાગી ત્યારે ઇન્દ્રે તેને તેના રોવાનું કારણ પૂછ્યું.ત્યારે સુરભી બોલી-
'હું મારા પુત્રનો શોક કરું છું ને તેથી રડું છું.આ નીચ ખેડૂતને જુઓ,તે મારા દુર્બળ પુત્રને પરોણા વડે મારીને,
હાલમાં જોતરીને પીડા આપ્યા કરે છે.મારો પુત્ર વિશ્રાંતિ માટે બેસી પડે છે,તો તે ખેડૂત તેને મારે છે,
આથી મને દયા આવીને મારુ મન ઉદ્વેગ પામી રહ્યું છે.દુર્બળ પુત્રને પરોણાનો માર ને આરની અણીઓ
વારંવાર ભોંક્યા છતાં,તે ભાર વહી શકતો નથી,તેથી દયાથી દુઃખિત થઇ હું આંસુઓ પાડી રહી છું (14)
ઇન્દ્ર બોલ્યો-તારા હજારો પુત્રો છે,તો આમ એકને માર પડતાં તું શા માટે તેના પર દયા લાવે છે?
સુરભી બોલી-હજારો પુત્રો મારે મન સમાન જ છે,પણ આ ગરીબ દુર્બળ પુત્ર પર મને વધારે દયા ભાવ છે.
વ્યાસ બોલ્યા-સુરભીના આ વચનથી ઇન્દ્ર વિસ્મિત થયો,તે પણ પુત્રને પ્રાણથી અધિક માનવા લાગ્યો,
પછી,ઇન્દ્રે,ખેડૂતના કામમાં વિઘ્ન કરવા ભયંકર જલધારા વરસાવી,એટલે ખેડૂતે તે બળદને છૂટો કર્યો.
હે રાજન,સુરભીએ કહ્યું તેમ,તમારે પણ સર્વ પુત્રો સમાન છે,છતાં પણ તમારે જે દીનહીન હોય તેના પર કૃપા રાખવી જોઈએ.પણ,મારે મન તો તારા સો ને પાંડુના માત્ર પાંચ પુત્રો સમાન જ છે,પણ પાંડવો અત્યારે હીન ને દુખિયારા છે,તેથી તેમના વિશે મારા મનમાં ચિંતા રહ્યા કરે છે.તેમે કૌરવો જીવતા રહે તેમ ઇચ્છતા હો તો,
દુર્યોધન તે વધુ શક્તિશાળી પાંડવો સાથે સુલેહ કરે તે જ યોગ્ય છે.(23)
અધ્યાય-૯-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE