Sep 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-297

 
અધ્યાય-૬-વિદુરનું ફરીથી હસ્તિનાપુર જવું 

II वैशंपायन उवाच II गते तु विदुरं राजन्नाश्रमं पम्दवान्प्रति I धृतराष्ट्रो महाप्राज्ञः पर्यतप्तत भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,વિદુર પાંડવોના આશ્રમ તરફ ગયા,ત્યારે મહાપ્રાજ્ઞ ધૃતરાષ્ટ્ર મનમાં અત્યંત સંતાપ કરવા લાગ્યો,વિદુરનો નીતિપ્રભાવ અને પાંડવોની ભવિષ્યમાં થનારી પરમ ઉન્નતિ વિચારીને તે સભામાં આવ્યો,

પણ અત્યંત દુઃખિત એવો તે,ત્યાં બેઠેલા રાજાઓની સમક્ષ જ બેભાન થઈને ઢળી પડ્યો,ફરીથી તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પાસે ઉભેલા સંજયને કહેવા લાગ્યો કે-'મારા ભાઈ,મારા મિત્ર ને સાક્ષાત બીજા ધર્મ જેવા વિદુરના સ્મરણથી મારું હૃદય આજે ફાટી જતું હોય તેમ લાગે છે,સ્વધર્મને જાણનારા મારા તે ભાઈને તત્કાળ લઇ આવ.

હે સંજય,તું જા અને મેં પાપીએ રોષ કરીને જેને હડસેલી મુક્યો છે,તેને લઇ આવ નહિતો હું મારો જીવ કાઢીશ'

રાજાનું એ વચન સાંભળીને સંજયે તેને અનુમોદન આપ્યું ને 'સારું' કહીને,તેને વેગથી કામ્યક વન તરફ પ્રયાણ કરીને ત્યાં પહોંચ્યો,ત્યારે તેણે રુરુમૃગના ચર્મ પહેરેલા યુધિષ્ઠિરને,વિદુર,બ્રાહ્મણો ને ભાઈઓ આદિથી ઘેરાયેલા બેઠેલા જોયા.સંજયે ત્યાં જઈને યુધિષ્ઠિરનું પૂજન કર્યું ને સર્વને યથાઘટિત સત્કાર આપ્યો,ને પછી,

સુખપૂર્વક બેસીને તેણે પોતાના આવવાનો હેતુ જણાવતાં કહ્યું કે-''હે વિદુર,ધૃતરાષ્ટ્ર તમને સંભારે છે,માટે તમે તેમને તરત જ મળો ને તેમના જીવમાં જીવ લાવો.તમે પાંડવોની અનુમતિ લઈને અને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી ત્યાં જઈ પહોંચો એ જ યોગ્ય છે' સંજયે આમ કહ્યું એટલે વિદુર પાંડવોની રજા લઈને હસ્તિનાપુર પાછા આવ્યા.


ત્યારે ધૃતરાષ્ટ્રે,વિદુરને કહ્યું કે'મારુ સદભાગ્ય છે કે તું આવી પહોંચ્યો,તારી ચિંતામાં મેં દિવસરાત જાગરણ કર્યું છે ને તેથી મારા દેહને વિચિત્ર સ્થિતિમાં થયેલો હું જોઉં છું,મેં તને જે કહ્યું હતું તે માટે તું મને ક્ષમા આપ'

વિદુર બોલ્યા-હે મહારાજ મેં ક્ષમા આપી જ છે,તમે મારા પરમ ગુરુજન છો,તેથી તો તમારા દર્શનમાં હું પરાયણ રહેનારો,હું તત્કાળ અહીં આવ્યો છું,હે રાજન,આમાં વિચાર કરવાનો હોતો નથી,મારે તો જેવા પાંડુના પુત્રો  છે તેવા જ તમારા પુત્રો છે,પણ પાંડવો આજે દીન થઇ ગયા છે એ જાણીને મારુ મન તેમના તરફ ઢળ્યું છે'

આમ,બે ભાઈઓ એકબીજાને સાંત્વના આપીને આનંદ પામ્યા (25)

અધ્યાય- ૬-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE