Sep 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-296

 

અધ્યાય-૫-પાંડવો પાસે વિદુરજી 
II वैशंपायन उवाच II पाण्डवास्तु वने वासमुद्दिश्य भरतर्पभा I ग्रययुर्जाह्नविकुलात्कुरुक्षेत्रं सहानुगा:II १ II

વૈશંપાયન બોલ્યા-ભરતોત્તમ પાંડવો,પોતાના અનુચરો સાથે,હવે વનમાં વસવાના ઉદ્દેશથી ગંગાતીરે ચાલી કુરુક્ષેત્રમાં આવ્યા.યમુના આદિ નદીઓને સેવીને તેઓ એકધારા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા,પછી,તેમણે સરસ્વતીને કાંઠે આવેલું મુનિજનોને પ્રિય એવું કામ્યક વન જોયું,પશુપક્ષીઓથી ભરેલા તે વનમાં તેઓએ 

નિવાસ કર્યો.ત્યાં મુનિઓ તેમની પાસે બેસવા આવતા ને તેમને સાંત્વન આપતા હતા.(4)

આ તરફ પાંડુપુત્રોનાં દર્શનની લાલસા રાખનારા વિદુરજી એક રથમાં બેસી કામ્યક વન તરફ આવ્યા તો ત્યાં તેમણે બ્રાહ્મણો,ભાઈઓ ને દ્રૌપદી સાથે એકાંતમાં બેઠેલા યુધિષ્ઠિરને જોયા.યુધિષ્ઠિરે પણ દૂરથી આવતા વિદુરને જોઈને ભીમને કહ્યું-'વિદુરજી શું સંદેશો લાવ્યા હશે?શકુનિના વચનથી એ આપણને ફરી જુગટુ રમવાને માટે 

તેડવા તો નહિ આવતા હોયને?હવે તે નીચ શકુનીની કપટી નજર આપણા આયુધો પર તો નહિ હોયને?

હે ભીમ,મને આહવાન આપીને બોલાવે તો હું તેને પાછો કાઢવા શક્તિમાન નથી,

ને હવે જો ગાંડીવ હોડમાં જશે તો રાજ્ય પાછું મેળવાયુ સંશયભર્યું થશે.(18)


વૈશંપાયન બોલ્યા-'હે રાજન,પછી સર્વ પાંડુનંદનોએ ઉભા થઈને વિદુરજીને સત્કાર્યા.ને પછી,તેમના આગમનનું કારણ પૂછ્યું,એટલે વિદુરજીએ ધૃતરાષ્ટ્રનુ સર્વ વૃતાંત યથાર્થ રીતે વિસ્તારથી કહી સંભળાવ્યું'


વિદુર બોલ્યા-ધૃતરાષ્ટ્રને મેં તમને રાજ્ય પાછું આપવાની,ને દુર્યોધનને કેદ કરવાની સલાહ આપી,તે તેમને ગમી નહિ,અને તેમણે મારો ત્યાગ કર્યો છે.એટલે હું તમને ઉપદેશ દેવા આવ્યો છું.સભામાં મેં જે તમને કહ્યું હતું,

ને જે આજે હું ફરીથી કહું છું,તે તમે હૃદયમાં ધારણ કરી રાખજો.શત્રુઓએ તીવ્ર કલેશો આપ્યા છતાં,ક્ષમા કરીને જે સમયની રાહ જુએ છે,ને સહાયસંપત્તિથી પોતાના નાના સરખા અગ્નિને સંવૃદ્ધ કરે છે,તેવો આત્મનિષ્ઠ પુરુષ જ આ પૃથ્વીને ભોગવે છે.જેના ધનનો સર્વ સહાયકો સમાન ઉપભોગ કરે છે,તેના સહાયકો તેના દુઃખના પણ ભાગીદાર થાય છે.સહાયકો મેળવવાનો આ ઉપાય છે ને સહાયકોની પ્રાપ્તિથી પૃથ્વીની પ્રાપ્તિ થાય છે.

હે પાંડવો,સહાયકો સાથે સત્ય ને શ્રેષ્ઠ વાર્તાલાપ કરવો,તેમની સાથે તેમના જેવું જ અન્ન જમવું,

ને તેમની આગળ પોતાની જાતની બડાઈ ન ચલાવવી--જે એવું વર્તન રાખે છે તે વૃદ્ધિ પામે છે.(21)


યુધિષ્ઠિર બોલ્યા-તમારાથી મને પરમ બુદ્ધિ પ્રાપ્ત થઇ છે,હું સાવધાન રહીને તમે જેમ કહો છો તેમ જ કરીશ,

આ ઉપરાંત દેશકાળને માટે જે કાંઈ બીજું યોગ્ય હોય તે મને કહો,હું તે પ્રમાણે જ કરીશ (22)

અધ્યાય-૫-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE