Sep 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-295

અધ્યાય-૪-વિદુર અને ધૃતરાષ્ટ્રનો સંવાદ 
II वैशंपायन उवाच II 

वनं प्रविष्टेश्वथ पांडवेषु प्रज्ञाचक्षुस्ताप्यमानोSविकेय:I धर्मात्मानं विदुरमगाधबुद्धिसुखासीनो वाक्यमुवाच राजा II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનમાં ગયા ત્યારે પ્રજ્ઞાચક્ષુ એવા અંબિકાપુત્ર સંતાપ કરવા લાગ્યા અને સુખાસન પર બેઠેલા તે અગાધ બુદ્ધિવાળા ધર્માત્મા વિદુરને કહેવા લાગ્યા કે-;તમારી બુદ્ધિ શુક્રભાર્ગવના જેવી શુદ્ધ છે તમે પરમ સૂક્ષ્મ ધર્મને જાણો છો,ને કૌરવો ને પાંડવોમાં સમદ્રષ્ટિ રાખો છો,તો મારુ હિત થાય એવું તમે કહો.

હે વિદુર,આ સ્થિતિમાં હવે અમારે શું કરવું જોઈએ? આ નગરજનો પાછા અમને કેવી રીતે ભજી શકે? ને શું કર્યે એ પાંડવો અમને સમુળગા ઉખેડી ન નાખે? હું ઈચ્છતો નથી કે વિનાશ થાય.માટે તમે મને કહો (3)

વિદુર બોલ્યા-હે રાજન,પંડિતો કહે છે કે ધર્મ,અર્થ ને કામનું મૂળ ધર્મ છે,એટલે તે ધર્મમાં જ રહીને તમારી શક્તિપૂર્વક તમારા તેમ જ કુન્તીપુત્રોનું પાલન કરો.શકુનિ આદિ દુરાત્માઓએ,તે સભામાં ધર્મને ઠગ્યો છે,

યુધિષ્ઠિરને કપટથી હરાવ્યા છે,ને દુષ્ટ રીતે અપમાન કર્યું છે.આ પાપમાંથી મુક્ત થવાનો ને લોકમાં સારી પ્રતિષ્ઠા પામવાનો ઉપાય એ છે કે પાંડુપુત્રોને તમે જે રાજ્ય આપ્યું હતું તે તેમને પાછું મળે તેમ કરો.


રાજાએ પોતાની રાજ્યલક્ષ્મીથી સંતોષ રાખવો અને પારકી રાજ્યલક્ષ્મી તરફ નજર ન બગાડવી એ પરમ ધર્મ છે,

એટલે તમે આમ કરશો,તો જ્ઞાતિજનોમાં ભેદ પડશે નહિ,ધર્મ સચવાઈ રહેશે,માટે તમારા માટે આ કાર્ય જ સર્વ કાર્યોમાં મુખ્ય છે કે જેથી પાંડવોને સંતોષ થશે અને શકુનિનું અપમાન થશે.હે રાજન તમારા પુત્રોનું ભાગ્ય હજુ વધુ ન ફૂટે તે માટે તમે આ તત્કાલ કરો નહિ તો કુરુઓનો ચોક્કસ વિનાશ થશે.કેમ કે ક્રોધ પામેલા એવા ભીમસેન અને અર્જુન તમારી સેનામાંથી એકને પણ બચવા દેશે નહિ.જેમની પાસે અસ્ત્રકુશળ,ગાંડીવધારી,

સવ્યસાચી (બેઉ હાથે બાણ છોડનાર) એવો અર્જુન યોદ્ધો છે ને બાહુબળસંપન્ન ભીમ છે,તે વિજયી જ છે.


પૂર્વે તમારો પુત્ર દુર્યોધન જન્મ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે-'કુળને અહિતકારી એવા આ પુત્રનો ત્યાગ કરો' પણ ત્યારે તમે તેમ કર્યું નહિ,ને હવે પણ ફરી એ હિતવચન કહું છું,ને તમે એ પ્રમાણે નહિ કરો તો તમને પસ્તાવો થશે.

તમારો પુત્ર પ્રસન્નતાપૂર્વક એકરાજ્ય કરવાની જો અનુમતિ આપે નહિ,તો સર્વના સુખ માટે તમે તેને કેદમાં નાખો,

ને યુધિષ્ઠિરને રાજ્યાધિપતિ કરો કેમ કે તે અજાતશત્રુ,રાગદ્વેષથી વિમુક્ત છે.એ ધર્મપૂર્વક રાજ્ય કરશે તો સર્વ રાજાઓ તરત જ આપણા ચરણમાં રહેશે.વળી,શકુનિ,કર્ણ આદિ પ્રીતિપૂર્વક પાંડવોની સેવા કરે તેમ કરો ને દુઃશાસન ભરી સભામાં ક્ષમા માગે તેમ કરો.આ તમે પૂછ્યું એટલે મેં આ કહ્યું,બીજું વધુ હું શું બોલું? (17)


ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,તેં પાંડવો ને મારા વિશે જે વચનો કહ્યાં,તે પાંડવોને જ હિતકારી ને મારા પુત્રો માટે તો તે અહિતકારી જ છે.આ બધું મારા મનને રુચતું નથી,હું માનું છું કે તું મારા હિતમાં નથી.પાંડવોના માટે હું મારા પુત્રોને કેમ ત્યજી શકું? હા,પાંડવો પણ મારા પુત્રો છે પણ દુર્યોધન તો મારા અંગમાંથી અવતર્યો છે.સમદ્રષ્ટિ જોનારો કોણ કહી શકે કે પારકાને કારણે પેટના પુત્રનો હું ત્યાગ કરું? તું આ બધું કપટભર્યું બોલે છે,


જો કે,હું તારું માન રાખું છું,પણ,હવે તારી ઇચ્છામાં આવે તેમ કર.તું અહીંથી ચાલ્યો જા કે અહીં રહે.

દુષ્ટ સ્ત્રી તો ઘણુંયે સમજાવ્યા છતાં પતિનો ત્યાગ જ કરી જાય છે.(21)


વૈશંપાયન બોલ્યા-હે અર્જન,આમ કહીને ધૃતરાષ્ટ્ર,ત્યાંથી એકાએક ઉઠીને રાણીવાસમાં ચાલ્યો ગયો.

ને ત્યારે વિદુરજી પણ 'હવે આ કુળનું આવી બન્યું છે'એમ બોલતા,જ્યાં,પૃથાનંદનો હતા ત્યાં જવા નીકળ્યા (22)

અધ્યાય-૪-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE