Sep 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-294

 વૈશંપાયન બોલ્યા-ધૌમ્યે જયારે આમ કહ્યું એટલે વિશુદ્ધ મનવાળા તે યુધિષ્ઠિરે,સ્નાન કરીને,સૂર્ય સમક્ષ 

ઉભા રહીને,સૂર્યને પુષ્પાદિક પૂજા ને બલિઓથી અર્ચન આપ્યું.માત્ર વાયુનું ભક્ષણ કરીને તે જિતેન્દ્રિય 

ધર્માત્મા યોગમાં વિરાજ્યા અને ગંગાજળનું આચમન કરીને પ્રાણાયામમાં પરાયણ થયા.

પછી વાણીને નિયમમાં રાખીને તેમણે પવિત્ર રહીને આ સ્તોત્રનો પ્રારંભ કર્યો (35)

યુધિષ્ઠિર બોલ્યા-હે ભાનુ,તમે જગતના નેત્રરૂપ છો,સર્વ દેહધારીના આત્મા છો,પ્રાણીમાત્રનું જન્મસ્થાન છો,

ક્રિયાવાનોના આચારરૂપ છો,જ્ઞાનનિષ્ઠોની ગતિરૂપ છો,યોગીઓના આશ્રય છો,મુમુક્ષુઓની ગતિ (મોક્ષદ્વાર) છો,

તમે જ લોકને ધારણ કરો છો ને લોકને પ્રકાશ આપો છો,તેને પવિત્ર કરો છે ને તેને પાળો છો,

હે ઋષિગણોથી પૂજા પામેલા,વેદપારંગત બ્રાહ્મણો,વેદે નિશ્ચિત કરેલા મંત્રો વડે,તમારી આગળ આવી યોગ્ય કાળે તમારું પૂજન કરે છે.વરદાનની ઈચ્છા રાખતા,સિદ્ધો,ચારણો,ગંધર્વો,યક્ષો,ગુહ્યકો,અને પન્નગો,તમારા ચાલ્યા જતા રથને અનુસરે છે.ઉપેન્દ્ર ને મહેન્દ્રની સાથે તેત્રીસ દેવો ને દેવસમૂહો તમને પૂજીને સિદ્ધિ પામ્યા છે (41)


શ્રેષ્ઠ વિદ્યાધરો,દિવ્ય મંદારમાળાઓથી તમને અર્ચન આપીને પોતાના મનોરથોની સિદ્ધિ મેળવે છે.

દિવ્ય અને માનુષ એવા જે સાત ગુહ્ય પિતૃગનો છે,તેઓ તમને પૂજીને તત્કાલ પ્રધાનતા પામે છે.

વસુઓ,મારુતો,રુદ્રો,સાધ્યો,મરીચિપો (કિરણ પીનારાઓ) અને વાલખિલ્યાદિ સિદ્ધો તમારી પૂજા કરીને જ પ્રાણીઓમાં શ્રેષ્ઠતા પામ્યા છે.સાતે ય લોકમાં હું એવું કશું જ અદભુત માનતો નથી કે જે તમારાથી વિશેષ ગૌરવવંતુ હોય.બીજા મહાન અને વીર્યવાન સત્વો છે પણ જેવી દીપ્તિ ને પ્રકાશ તમારામાં છે,તે તેમનામાં નથી.

સર્વ જ્યોતિઓ તમારામાં રહેલ છે,ને તમે જ જ્યોતિઓના સ્વામી છો.


સત્ય,સત્વ તથા સમસ્ત સાત્વિક ભાવ (ધર્મ,જ્ઞાન,વિરાગ ને ઐશ્વર્ય આદિ ભાવ) તમારામાં પ્રતિષ્ઠિત છે.

જે સુદર્શન ચક્રથી સારંગપાણિ ભગવાને દેવશત્રુઓના મદનો નાશ કર્યો હતો,તે ચક્ર,વિશ્વકર્માએ તમારા 

તેજમાંથી જ બનાવ્યું હતું,ઉનાળામાં તમારાં કિરણોથી,તમે સમસ્ત જગતના તેજને લો છો ને 

વર્ષાઋતુમાં તેની વૃષ્ટિ વરસાવો છો.વર્ષાઋતુમાં,તમારા કિરણોમાંના કેટલાક તાપ-દાહ આપે છે,

તો કેટલાક મેઘરૂપ થઇ ગર્જના કરે છે,વીજળીઓના ચમકારા કરે છે ને જલધારા વરસાવે છે.(50)


અગ્નિ,ઉત્તમ વસ્ત્રો ને કામળીઓ,ટાઢ ને પવનથી પીડાતા લોકને એવું સુખ આપતા નથી જેવું સુખ તમારાં કિરણો આપે છે.તેર દ્વીપ વાળી પૃથ્વીને તમારાં કિરણોથી પ્રકાશ આપો છે,તમે એક જ ત્રણે લોકના હિતમાં પ્રવર્તો છો.

તમે ઉદય ન પામો તો આ જગત અંધકારમય થઇ જાય અને બુદ્ધિમાનો ધર્મ,અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરી શકે નહિ.બ્રાહ્મણ,વૈશ્ય અને વૈશ્યોના ગણો તમારા પ્રસાદથી જ અગ્નિહોત્રો,પશુબંધયાગો,ઇષ્ટિઓ,મંત્રો,

યજ્ઞો,તપો,અને ક્રિયાઓ કરવા પામે છે.બ્રહ્માના સહસ્ત્રયુગ દિવસના આદિ ને અન્તરૂપ તમે છો,

તમે,મનુઓના,મનુઓના પુત્રોના,જગતના,અમાનવોનાં,મન્વંતરોના,ને સર્વ ઇશ્વરોના ઈશ્વર છો,(56)


પ્રલયકાળ આવતાં,તમારા ક્રોધથી બહાર નીકળેલો સંવર્તક અગ્નિ ત્રણે લોકને ખાખ કરી નાખે છે,અને 

તમારા કિરણોમાંથી ઉત્પન્ન થયેલા ઐરાવત આદિ અનેક વીજળીના મહામેઘો પ્રાણીમાત્રને ડુબાડી દે છે.

પછી,તમે પોતાના બાર રૂપો કરીને,બાર જાતના આદિત્ય ભાવોને પામો છો,અને એક સાગરરૂપ થયેલા 

સર્વ જગતને તમારા કિરણોથી ખેંચીને શોષી લો છો.તમે જ ઇન્દ્ર કહેવાઓ છો,તમે જ રુદ્ર છો,તમે વિષ્ણુ છો,

તમે પ્રજાપતિ છો,તમે અગ્નિ છો,તમે સૂક્ષ્મ મન છો,તમે પ્રભુ છો અને તમે જ સનાતન બ્રહ્મ છો.(60)


તમે હંસ (વિશ્વ સંહારક)છો,સવિતા છો,ભાનુ છો,અંશુમાલી છો,વૃષાકપિ (હર અથવા હરિ)છો,વિવસ્વાન છો,

મિહિર છો,પૂષા છો,મિત્ર છો,ધર્મ છો,સહસ્ત્રરશ્મિ છો,આદિત્ય છો,તપન છો,ગોપતિ છો,માર્તન્ડ છો,અર્ક છો,

રવિ છો,સૂર્ય છો,શરણ્ય છો,દિનકૃત છો,દિવાકર સપ્તાશ્ચ છો,ધામકેશી (તેજસ્વી કિરણ વાળા)છો,ને 

તમે જ વિરોચન,આશુગામી,તમોઘ્ન ને હરિતાશ્વ કહેવાઓ છો (63)


સાતમે કે છઠ્ઠે જે મનુષ્ય,અહંકારરહિત અને પૂજનપારાયણ રહીને તમારી ભક્તિપૂર્વક પૂજા કરે છે,તેને સાક્ષાત 

લક્ષ્મી સેવે છે,જેઓ અનન્ય ચિત્તે તમને અર્ચન-વંદન કરે છે,તેમને આપત્તિઓ,આધિ,વ્યાધિ આવતા નથી.

તમારામાં જ ભાવમય થયેલા ભક્તો સર્વ રોગોથી રહિત થાય છે,સર્વ પાપોમાંથી મુક્ત થાય છે,સુખી થાય છે 

ને લાંબી આવરદા ભોગવે છે.હે અન્નપતિ,હું મારી પાસે આવેલાઓને માટે કામના કરું છું અને સર્વ પ્રાણીઓને શ્રદ્ધાપૂર્વક અતિથિસત્કાર આપવા ઈચ્છું છું,તો તમે મને પુરી રીતે અન્ન આપવા યોગ્ય છો.આપના વજ્ર,દંડ આદિ અનુચરોને હું વંદન કરું છું,શુભા,મૈત્રી આદિ ભૂતમાતાઓને હું વંદન કરું છું,જે મને શરણાગતને રક્ષણ આપો (69)


વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરે સૂર્યની આમ જયારે સ્તુતિ કરી,ત્યારે સૂર્યભગવાન પ્રત્યક્ષ થઈને બોલ્યા કે-

'તમે જે કાંઈ અભિલાષા કરી છે તે સર્વ તમને પ્રાપ્ત થશે.હું તમને બાર વર્ષ સુધી અન્ન આપીશ.હે રાજન,તમને હું આ તાંબાનું પાત્ર (અક્ષયપાત્ર) આપું છું.પાંચાલી જ્યાં સુધી આ પાત્રથી બીજાંને અન્ન વહેંચ્યા કરશે,ત્યાં સુધી તમારા રસોડામાં જે કાંઈ રાંધ્યું હશે તે ખાદ્ય ભોજનો અખૂટ રહેશે.આજથી ચૌદમે વર્ષે તમે ફરીથી રાજ્ય પામશો'

આમ કહીને સૂર્યનારાયણ,ત્યાંથી અદશ્ય થયા.(74)


આ લોકમાં,વરદાનને ઈચ્છતો,બીજો કોઈ પણ મનુષ્ય,જો સ્વસ્થ મનથી પરાયણ થઇને આ સ્તોત્રનો પાઠ કરે છે,તો એ સૂર્ય તેને ઈચ્છેલું ફળ આપે છે.જે કોઈ,આ સ્તોત્રને નિત્ય હૃદયમાં રાખે છે અથવા સાંભળે છે,તે પુત્ર,ધન,વિદ્યા પામે છે.જે બે સંધ્યાકાળે આ સ્તોત્રનો પાઠ કરે છે,તે આપત્તિમાંથી,પાપોથી ને બંધનોમાંથી છૂટે છે,

આ સ્તોત્ર,પૂર્વે બ્રહ્માએ ઇંદ્રને આપ્યું હતું,ઇન્દ્રે તે નારદને આપ્યું હતું ને નારદ પાસેથી ધૌમ્યને પ્રાપ્ત થયું હતું.

યુધિષ્ઠિરે તે ધૌમ્ય પાસેથી મેળવીને સર્વ મનોરથો સિદ્ધ કર્યા હતા.(79)


આ વરદાન મેળવીને ધર્મજ્ઞ યુધિષ્ઠિર જળની બહાર આવ્યા ને ધૌમ્યનો ચરણસ્પર્શ કરી ભાઈઓને મળીને,

દ્રૌપદીને તે પાત્ર આપ્યું.ને રસોડામાં રસોઈ કરાવી,ને તે થોડું અન્ન અખૂટ રીતે વધવા લાગ્યું,જે અન્નથી 

યુધિષ્ઠિર બ્રાહ્મણોને જમાડ્યા.બાહ્મણોને ભાઈઓના જામી રહ્યા પછી શેષ રહેલું (વિઘસ) અન્ન યુધિષ્ઠિર જમતા,

યુધિષ્ઠિરને જમાડ્યા પછી દ્રૌપદી જમતી,ને તે પછી અન્ન પૂર્ણ પણે વપરાઈ જતું.(ખૂટી જતું) હતું.

આમ સૂર્ય પાસેથી અક્ષયપાત્ર મેળવીને યુધિષ્ઠિરે,બ્રાહ્મણોના મનોવાંછિત અભિલાષો પુરા કરીને,

વિધિ,મંત્રો સાથે યજ્ઞપ્રવૃત્તિઓ કરવા લાગ્યા.પછી,સ્વસ્તિવાચન કરાવીને,બ્રાહ્મણોથી ઘેરાયેલા 

તે પાંડવો ધૌમ્ય મુનિ સાથે કામ્યક વનમાં ગયા.(86)

અધ્યાય-3-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE