Sep 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-292

યુધિષ્ઠિર બોલ્યા-હે બ્રહ્મન,મારી આ આ અર્થની લાલચ,વિષયભોગની ઇચ્છાએ નથી,તે તો વિપ્રોના ભરણપોષણ માટે જ છે.અમારા જેવા ગૃહસ્થાશ્રમમાં રહેવાવાળાએ,એમની પાછળ આવનારાનું શું  ભરણપોષણ ન કરવું જોઈએ? સર્વ ભૂતોનો અન્નમાં સમભાગ જોવામાં આવે છે,એટલે જેઓ રસોઈ પકવતા નથી,તેમને ગૃહસ્થાશ્રમીઓએ અન્ન આપવું જ જોઈએ.તૃણનાં આસનો,ભૂમિ,જળ અને મીઠી વાણી-એ સત્પુરુષોના 

ઘરમાંથી ક્યારેય નાશ પામતાં નથી.અતિથિની બાબતમાં આ સનાતન ધર્મ છે કે-

પીડિતને પથારી આપવી,તરસ્યાને પાણી આપવું,ભુખ્યાને ભોજન આપવું,અતિથિને પ્રેમથી જોવો,તેની મનપૂર્વક સંભાળ રાખવી,તેની સાથે મીઠી વાતો કરવી,તે આવે ત્યારે ઉઠીને તેને આસન આપી આદરપૂજા આપવી.

અગ્નિહોત્ર,,જ્ઞાતિજનો,અતિથિઓ,બાંધવો,પુત્રો,પત્નીઓ અને સેવકો-જો માનસત્કાર ન પામે તો ગૃહસ્થાશ્રમીઓને બાળી મૂકે છે.ગુહસ્થે માત્ર પોતાની જ ખાતર અન્ન રાંધવુ.નહિ,યજ્ઞાદિ નિમિત્ત વિના 

પશુઓની હિંસા કરવી નહિ અને દેવ-આદિને અર્ચ્યાં વિનાનું વિધિરહિત અન્ન ખાવું નહિ.(58)


કુતરા,ચાંડાલ ને કાગડા માટે ભોંય પર અન્ન મૂકવું (જેને વૈશ્વદેવ કર્મ કહે છે ને તે સવાર સાંજ બે વાર કરાય છે.

વિશ્વનાં જે સર્વ જાતના પ્રાણીઓ છે તે પણ દેવરૂપે છે-એટલે તેમને વૈશ્વદેવ કહે છે) ગૃહસ્થે,અતિથિ આદિ જમી રહ્યા પછી શેષ રહેલું અન્ન (વિઘસ) જમવું ને મહાયજ્ઞો કાર્ય પછી શેષ રહેલું અન્ન (અમૃત) જમવું,

અતિથિ તરફ મન દઈને ધ્યાન આપવું,તેની સામે પ્રીતિપૂર્વક જોવું,તેની સાથે મધુરી વાણી બોલવી,તેની પાછળ જવું,અને તેની ઉપાસના (પૂજા) કરવી એ 'પંચદક્ષિણ' યજ્ઞ છે.રસ્તે ચાલતા,થાકેલા ને પૂર્વે કદી નહિ જોયેલા અતિથિને જરા પણ ક્લેશ કર્યા વિના જે અન્ન આપે તેને મહાન પુણ્યફળ મળે છે.આમ ગૃહસ્થાશ્રમમાં રહેનારો 

જે મનુષ્ય આ પ્રમાણે વર્તન રાખે તે પરમધર્મ છે,હે વિપ્ર,તમે આ વિષે શું માનો છો? (63)


શૌનક બોલ્યા-અહો,બહુ દુઃખની વાત એ છે કે આ જગતમાં વિપરીત વાતો જોવામાં આવે છે,સજ્જનો જે કર્મથી લજવાય છે,તે કર્મથી અસજ્જનો સંતોષ પામે છે.અજ્ઞાની મનુષ્ય,ઉદર ને જનનેન્દ્રિયની તૃપ્તિ મારે,મોહ અને રાગને વશીભૂત થઈને વિષયોને અનુસરીને,વિવિધ વિષયભોગની વસ્તુઓનો ઉપભોગ કરે છે.અરે,જ્ઞાની મનુષ્ય પણ,મનને હરનારી ઇન્દ્રિયો દ્વારા વિષયો તરફ ખેંચાઈ જાય છે,તે વખતે તેની વિચારશક્તિ મોહિત થઇ જાય છે.

જેમ,ઘોડા વશમાં ન હોય તો તે સારથીને કુમાર્ગ પર ઘસડીને લઇ જાય છે,તેમ,અજિતેન્દ્રિયની દશા એવી થાય છે.


જયારે મન અને પાંચ ઇન્દ્રિયો,પોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે,ત્યારે તે મનુષ્યની પૂર્વ વાસના અનુસાર,

ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાની ઈચ્છા(કામના) કરે છે ને પરિણામે તે વિષયભોગમાં પ્રવૃત્ત થાય છે. 

વાસના,કામના ને વિષયભોગરૂપી બાણોથી વીંધાયેલ તે મનુષ્ય,પછી લોભરૂપી અગ્નિમાં પડે છે.

ને મહામોહમાં મુખમાં ડૂબેલ તે પોતાના આત્માને ઓળખતો નથી ને વારંવાર આ સંસારમાં જન્મ પામીને 

ભ્રમણ કર્યા કરે છે.પણ જેઓ મોક્ષની પ્રીતિવાળા છે,તે પંડિતોની ગતિ હવે સાંભળો.(73)


(હું કર્મ કરું છું એવું) કર્મનું અભિમાન ન રાખીને અને કર્મફળને ત્યાગીને શુદ્ધ સન્યાસીઓ કૃતાર્થ થાય છે,

પણ,મધ્યમ સ્થિતિવાળાએ શાસ્ત્રોક્ત સર્વ ધર્મનું આચરણ કરવું ને અભિમાન રાખવું નહિ.


વેદની બે આજ્ઞાઓ પળાય છે.યજ્ઞ,અધ્યયન,દાન,તપ,સત્ય,ક્ષમા,જિતેંદ્રિયતા અને નિર્લોભીપણું,

એ ધર્મનો અષ્ટવિધ માર્ગ કહેવાયો છે.આમ,પહેલા ચારનો વર્ગ,પિતૃલોકના માર્ગે ગતિ કરનારો છે 

(કે જે પુનર્જન્મ આપનારો ધૂમમાર્ગ પણ કહેવાય છે,તો પણ અગ્નિહોત્ર-આદિ જે કાયો કર્તવ્યરુપ છે 

તે તો અનાસક્ત રહીને જ કરવા જોઈએ) પાછળના બીજા ચારનો વર્ગ દેવગતિ અપાવનારો ને 

પુનર્જન્મ ન અપાવનારો 'અર્ચિમાર્ગ' છે.સત્પુરુષો સદા તેનું જ સેવન કરે છે.(76)


સંકલ્પ-વિકલ્પનો સમ્યક નિરોધ,ઇન્દ્રિયોનો સમ્યક નિગ્રહ,સમ્યક વ્રતો,ગુરુની સમ્યક સેવા,સમ્યક આહાર,

સમ્યક વેદ-અધ્યયન,કર્મોનો સમ્યક ત્યાગ ને ચિત્તનો સમ્યક નિરોધ-એ આઠ અંગોથી યુક્ત માર્ગ દ્વારા પોતાના અંતકરણને શુદ્ધ કરીને,કર્તવ્ય કર્મોના કર્તૃત્વના અભિમાન રહિત થઇ.મનુષ્યે તેનું પાલન કરવું જોઈએ.

સંસારને જીતવાની ઈચ્છા રાખનારાઓ રાગદ્વેષથી મુક્ત થઈને આ પ્રમાણે (નિયમોથી) કર્મો કરે છે.

ને આ નિયમોનું પાલન કરીને જ દેવતાઓ ઐશ્વર્યને પ્રાપ્ત થયા છે (80)


રુદ્ર,સાધ્ય,આદિત્ય,વસુ,અને અશ્વિનીકુમારો,યોગના ઐશ્વર્યથી આ પ્રજાઓને ધારણ કરી રહયા છે.ને તેમનું પોષણ પણ કરી રહ્યા છે.હે રાજન,આ પ્રમાણે તમે પણ,મન અને ઇન્દ્રિયોને સારી રીતે વશ કરીને,તપસ્યા દ્વારા 

યોગ સિદ્ધિ ને ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરો.જો કે,યજ્ઞ અને યુદ્ધ-આદિ કર્મ દ્વારા પ્રાપ્ત થનારી સિદ્ધિ,

કે જે પિતૃ-માતૃમયી (આ લોક અને પરલોકમાં ફળ આપનારી) છે,તેને તો તમે પ્રાપ્ત કરી ચુક્યા છો,પણ,

હવે દ્વિજોના ભરણપોષણ માટેની યોગસિદ્ધિને તમે તપસ્યાપૂર્વક પામવાની ચેષ્ટા કરો.

સિદ્ધ પુરુષો,જે જે ઈચ્છે છે તે તપથી પ્રાપ્ત કરે છે તેથી તમે પણ તપસ્યા કરી મનોરથ સિદ્ધ કરો (84)

અધ્યાય-૨-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE