Sep 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-291

'સ્નેહ' (પ્રેમ કે આસક્તિ) એ માનસિક દુઃખનું કારણ મનાય છે.એ સ્નેહથી જ મનુષ્ય આ સંસારમાં આસક્ત થાય છે અને દુઃખને પામે છે.શોક,હર્ષ,તથા ક્લેશની પ્રાપ્તિ આ આસક્તિને કારણે જ છે.આસક્તિથી વિષયોમાં ભાવ (ભાવ-રૂપી-સંકલ્પ) અને અનુરાગ (રાગ-રૂપી-પ્રીતિ) થાય છે.કે જે બંને અમંગલકારી છે.

ને એમાં પણ 'વિષયો પ્રત્યે ભાવ' (ભાવ-રૂપી-સંકલ્પ) મહા અનર્થકારી મનાય છે. (29)

જેમ,ઝાડની બખોલમાં રહેલો અગ્નિ આખાય ઝાડને બાળી નાખે છે,તેમ રાગરૂપી દોષ,થોડો હોય,તો પણ 

મનુષ્યનો વિનાશ લાવે છે.જો કોઈ,મનુષ્યને અનુકૂળ વિષયો(ભોગો) ન મળે અને તે તેને ન ભોગવે,તેથી 

તે સાચો ત્યાગી નથી,પણ વિષયોના સમાગમ છતાં,જે તેમાં દોષ જુએ છે,તે જ સાચો ત્યાગી છે.

તે જ વૈરાગ્યને સેવે છે,તે જ નિર્વેર થાય છે અને તે જ પરિગ્રહમુક્ત બને છે (31)


તેથી,મનુષ્યે સ્વપક્ષના સંબંધીઓ,મિત્રો અને ધનસંચય પ્રતિ સ્નેહ રાખવો નહિ,તેણે તો પોતાના શરીરને 

લીધે ઉત્પન્ન થયેલા એ 'સ્નેહ'ને 'જ્ઞાન'થી ટાળવો જોઈએ.જેમ,કમળપત્ર પર જળ ચોંટી રહેતું નથી,

તેમ,જેઓ,જ્ઞાનવાન,નિત્ય વસ્તુ (પરમ સત્ય)ની પ્રાપ્તિમાં તત્પર,શાસ્ત્રજ્ઞ ને સંસ્કારી ચિત્તવાળા છે,

તેમને આ 'સ્નેહ' ચોંટી રહેતો નથી.


પોતાને રમણીય લાગતી વસ્તુના દર્શનથી,મનુષ્યને તેમાં પ્રીતિ ઉપજે છે,ને તે પ્રીતિવશ મનુષ્ય,

તેની કામના કરી તે વસ્તુ મેળવવા દોરાય છે.ને તે મળતાં,એ ફરીફરી તે વસ્તુને મેળવવાની અભિલાષા કરે છે,

અને એમ અતૃપ્તિ થી તેની 'તૃષ્ણા' વધ્યે જ જાય છે.મનુષ્યને નિત્ય ઉદ્વેગ કરાવનારી,અધર્મથી ભરેલી,

પાપનો સંબંધ જોડી આપનારી આ તૃષ્ણા જ સર્વથી વિશેષ પાપકારિણી છે,(35)


દુર્બુદ્ધિવાળાઓ જેને કષ્ટથી પણ તજી શકતા નથી,મનુષ્ય વૃદ્ધ થવા છતાં જે જીર્ણ (વૃદ્ધ) થતી નથી,

ને જે પ્રાણહારી રોગરૂપ છે,તે તૃષ્ણાને જે તજે છે તે જ સુખને પામે છે.આદિ અને અંત વિનાની તે તૃષ્ણા પ્રાણીમાત્રના ના મનમાં વ્યાપીને તેમને નિર્મૂળ કરી નાખે છે.જેમ,લાકડું,પોતામાં પ્રગટેલા અગ્નિ વડે નાશ 

પામે છે,તેમ,જેનું મન વશમાં નથી,તેવો મનુષ્ય પોતાના,શરીરને લીધે ઉત્પન્ન થયેલ લોભથી વિનાશ પામે છે.(38)


જેમ,મનુષ્યોને નિત્ય મૃત્યુનો ભય હોય છે,તેમ ધનવાનોને રાજાનો,જળનો,અગ્નિનો,ચોરનો ને સ્વજનોનો નિત્ય ભય રહે છે.તે સર્વની દ્રષ્ટિ,ધનવાન મનુષ્યના ધન (અર્થ) પર જ હોય છે ને તેને ખાઈ જવા તત્પર હોય છે.

આમ તે અર્થ જ કેટલાક અર્થથી અનર્થના કારણરૂપ થાય છે.તે ધનની પ્રાપ્તિ થતાં,મનુષ્યો જ્યોતિષ્ટોમ-આદિ મંગલ કાર્યોમાં જ આસક્ત રહે છે ને પોતાની જાતનું કલ્યાણ હાંસલ કરતો નથી.તેથી અર્થપ્રાપ્તિ એ મનના મોહને વધારનારી છે,કાર્પણ્ય(ડરપોક),દર્પ(ઘમંડ),માન,ભય અને ઉદ્વેગ એ અર્થથી થતાં દુઃખો છે.એમ પંડિતો જાણે છે.


અર્થ (ધન)ઉપાર્જન કરવામાં (મેળવવામાં) દુઃખ પડે છે,તે મેળવ્યા પછી તે સાચવવામાં દુઃખ પડે છે,તે નાશ થવાથી કે ખર્ચાઈ જવાથી પણ દુઃખ થઇ પડે છે,ધનને કારણે મનુષ્યો અન્યનો જીવ પણ લઇ લે છે.આવા અર્થનો ત્યાગ કરવો દોહ્યલો છે.તે પાળેલા શત્રુ જેવો છે.માટે મનુષ્યે,પોતાના વિનાશરૂપ ધનનું ચિંતન મનમાં ન કરવું,

મુર્ખાઓ 'અસંતોષ'માં લાગ્યા રહે છે ને પંડિતો સંતોષ જ પામ્યા કરે છે.તૃષ્ણાનો છેડો નથી મારે સંતોષ જ પરમસુખ છે માટે પંડિતો સંતોષને જ શ્રેષ્ઠ માને છે.યૌવન,રૂપ,જીવન,રત્નસંગ્રહ,ઐશ્વર્ય ને પ્રિયજનોની નજીક વાસ,એ સર્વ અનિત્ય છે માટે વિદ્વાન મનુષ્ય તેની અભિલાષા ન કરે.મનુષ્યે તે અર્થોનો ત્યાગ કરવો ને તે ત્યાગથી આવતા ક્લેશોને સહન કરી લેવા,કેમકે જેણે ધન ભેગું કરેલ છે એવો કોઈ પણ મનુષ્ય ઉપદ્રવથી મુક્ત જણાતો નથી.એથી ધાર્મિક લોકો,સહેજે આવી મળેલા અર્થની જ પ્રશંસા કરે છે.(48)


મનુષ્ય,ધર્મ કરવા માટે ધન મેળવા પ્રવૃત્તિ કરે તેના કરતાં તે તેવી પ્રવૃત્તિ ન કરે,એ જ વધારે સારું છે,

કેમ કે શરીર પર કાદવ લગાવીને ધોવો તેના કરતા તે કાદવ ના લગાડવો તે જ વધારે સારું છે.

માટે હે યુધિષ્ઠિર,અર્થોને માટે સ્પૃહા (ઈચ્છા) કરવી યોગ્ય નથી,જો તમને ધર્મ સંપાદન કરવાની ઈચ્છા હોય 

તો તમે અર્થ(ધન) ની ઈચ્છાથી મુક્ત જ થઇ જાઓ (50)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE