(૩) વનપર્વ
અરણ્યપર્વ
અધ્યાય-૧-પાંડવોનું વનગમન
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
પ્રસ્તાવના -મહાભારત-બુક-ભાગ-2
વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકનું (કાવ્ય-રૂપે) આખ્યાન લખ્યું તે 'જય' નામે પ્રસિદ્ધ થયું હતું.
પછી વૈશંપાયને તેને 'ભારત' નામે અને છેવટે સૂતજીએ તેનું નામ 'મહાભારત' કર્યું હતું
હાલમાં જેની જુદીજુદી આવૃત્તિઓમાં ચોર્યાસી હજારથી એક લાખ શ્લોકોનું મહાભારત જોવા મળે છે.
ભાગ-૧-માં આદિપર્વ ને સભાપર્વ કહ્યાં હવે અહીં,ભાગ-૨-માં વનપર્વ ને વિરાટપર્વ કહ્યું છે.
આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન
સભાપર્વ - મય દાનવ દ્વારા સભાનું નિર્માણ.રાજસૂય યજ્ઞ, દ્યૂતક્રીડા અને પાંડવોનો વનવાસ
વનપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષનું જીવન
વિરાટપર્વ - રાજા વિરાટના રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ
ઉદ્યોગપર્વ- યુદ્ધની તૈયારી
ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધનો પહેલો ભાગ, ભીષ્મ કૌરવોનાં સેનાપતિ (ભગવદ્દ ગીતા આ પર્વમાં છે)
દ્રોણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ દ્રોણ
કર્ણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ કર્ણ
શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ
સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવો દ્વારા રાતે સૂતેલી પાંડવ સેનાનો વધ
સ્ત્રીપર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રીઓ દ્વારા મૃત સ્વજનો માટે શોક
શાંતિપર્વ - યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને ભીષ્મનો દિશા-નિર્દેશ
અનુશાસનપર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ
અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન
આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર,ગાંધારી અને કુંતીનું વનમાં વાનપ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન
મૌસુલપર્વ - યાદવોની પરસ્પર લડાઈ
મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઈઓની સદ્ગતિનો પ્રથમ ભાગ
સ્વર્ગારોહણપર્વ - પાંડવોની સ્વર્ગ યાત્રા
એ પછી,પરિશિષ્ટ (વધારાના) ભાગમાં હરિવંશ-પર્વ અને ભવિષ્ય-પર્વ (12000-શ્લોકોમાં) કહેલા છે.
બુક-ભાગ-1--(1) આદિપર્વ (2) સભાપર્વ
બુક-ભાગ-2--(3) આરણ્યક પર્વ (4) વિરાટ પર્વ
બુક-ભાગ-3--(5) ઉદ્યોગ પર્વ (6) ભીષ્મ પર્વ (નોંધ-ભગવદગીતા આ પર્વમાં છે)
બુક-ભાગ-4--(7) દ્રોણ પર્વ
બુક-ભાગ-5--(8) કર્ણ પર્વ (9) શલ્ય પર્વ (10) સૌપ્તિક અને ઐષિક પર્વ (11) સ્ત્રી પર્વ
બુક-ભાગ-6--(12) શાંતિ પર્વ
બુક-ભાગ-7--(13) અનુશાસન પર્વ (14) આશ્વમેઘીક પર્વ (15) આશ્રમવાસિક પર્વ
(16) મૌસલ પર્વ (17) મહા પ્રસ્થાનિક પર્વ (18) સ્વર્ગારોહણ પર્વ
-------------------------------------------------------------------------------------------------------------------------
II जनमेजय उवाच II एवं ध्यूतजिताः पार्थाः कोपिताश्च दुरात्मनि I धार्तराष्ट्रे:सहामात्यैनिकृत्या द्विजयुत्तम II १ II
જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,મહાવેર ઉત્પન્ન કરનારા તે દુષ્ટચિત્ત ધૃતરાષ્ટ્રપુત્રોએ,પૃથાનંદાનોને આ રીતે દ્યુતમાં હરાવ્યા,તેમને કોપ કરાવ્યો અને તેમને કડવાં વચનો સંભળાવ્યા,પછી તે મારા પૂર્વપિતામહોએ શું કર્યું?
ઐશ્વર્યથી ભ્રષ્ટ થયેલા ને એકાએક દુઃખમાં આવી પડેલા તેઓએ વનમાં કેવી રીતે વિહાર કર્યો?
તેમની સાથે કોણકોણ ગયું હતું? વનમાં તેમના આહાર કેવા હતા? તેમને ક્યાં નિવાસ કર્યો?
તેમનાં બાર વર્ષ વનમાં કેવી રીતે પસાર થયાં? દુઃખને અયોગ્ય એવી દ્રૌપદીએ દારુણ વનવાસ કેવી રીતે
સહન કર્યો? આ બધું તમે મને વિસ્તારથી કહો,મને તે જાણવાનું ભારે કુતુહલ છે.(8)
વૈશંપાયન બોલ્યા-જુગારમાં કપટથી હારેલા,ને કૌરવોના કડવાં વચનોથી કોપે ભરાયેલા તે પૃથાનંદનો,
દ્રૌપદીની સાથે વર્ધમાન નામના દરવાજાથી,હસ્તિનાપુરથી બહાર આવી,ઉત્તર તરફ ચાલ્યા.તેમના ઇંદ્રસેન
આદિ પંદર સેવકો,સર્વ સ્ત્રીઓને લઈને શીઘ્ર ગતિવાળા રથોમાં બેસી તેમને અનુસરવા લાગ્યા.
નગરજનોએ આ જોયું એટલે તેઓ ભીષ્મ,વિદુર,દ્રોણ ને કૃપાચાર્યની નિંદા કરતાં તેઓ બોલ્યા કે-
'હવે આ આખાય કુળનું આવી બન્યું છે,આપણે સૌ પણ તેમાંથી બાકાત રહેવાના નથી,ને આપણાં ઘરબાર પણ ટકવાનાં નથી કેમ કે શકુનિ,કર્ણ,દુઃશાસન આદિથી રક્ષણ પામેલો પાપી દુર્યોધન આ રાજ્ય ચલાવવા ધારે છે.
જ્યાં,પાપીઓના સહાયથી ચલાવાતું રાજ્ય હોય,ત્યાં,કુળ,આચાર,ધર્મ અને અર્થ ન હોય,તો સુખ ક્યાંથી હોય?
વળી,જ્યાં,ગુરુદ્વેષી,ધર્મહીન,અસત્યપ્રિય,ધનલોભી,અભિમાની,નીચ ને ક્રૂર સ્વભાવનો રાજા દુર્યોધન હોય,
ત્યાં આખી આ આખી પૃથ્વીનો નાશ જ છે,માટે આપણે પાંડવો પાસે જઈએ
કેમકે તેઓ દયાળુ છે,ઉદાર મનવાળા છે,કીર્તિમાન છે ને ધર્માચરમાં તત્પર છે'.(18)
વૈશંપાયન બોલ્યા-આમ કહીને તે પ્રજાજનો પાંડવોની પાછળ ગયા અને પાંડવોને મળીને આદરપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા કે-'અમને દુઃખભાગીઓને ત્યજીને તમે કેમ જાઓ છો?અમે પણ તમારી પાછળ આવીશું.
તમારું મંગલ થાઓ.દયાહીન શત્રુઓએ અધર્મ આચરીને તમને હરાવ્યા છે,તે સાંભળી અમે અત્યંત ઉદ્વેગ પામ્યા છીએ.તમારા પ્રિય હિતમાં પારાયણ એવા અમને ત્યજી દેવાને તમે યોગ્ય નથી.ભૂંડા પાપી રાજાના રાજ્યમાં અમે વિનાશ ન પામીએ એમ તમારે કરવું જોઈએ.કેમ કે શુભ-અશુભના સહવાસ વડે સંસર્ગ ગુણદોષો ઉત્પન્ન કરે છે.
તે પાપીઓની સેવામાં રહ્યાથી અમને પાપ જ લાગશે,પણ અહીં પુણ્યશીલ સત્પુરુષોની સંગમાં રહી અમે પુણ્યને જ પામશું.ધર્મ,અર્થ,કામમાંથી ઉત્પન્ન થતા સદગુણો તમારામાં છે તેથી અમે તમારી સાથે રહેવા ઇચ્છીએ છીએ'
યુધિષ્ઠિર બોલ્યા-અમે ધન્ય છીએ,કેમ કે સ્નેહ અને કૃપાથી પ્રેરાઈને,જે ગુણો અમારામાં નથી તેવા ગુણો પણ અમારામાં છે,તેમ અમને કહીને જણાવો છો.પણ,હું હું તમને સૌને વિનંતી કરું છું કે-ભીષ્મપિતામહ,વિદુર,
કુંતીમા અને અમારા બીજા ઘણા સ્નેહી ને મિત્રજનો હસ્તિનાપુરમાં છે,ને તેઓ પણ શોકથી વિહ્વળ થયા છે,
તો અમારું ભલું કરવાની ઈચ્છાથી,તમે ત્યાં પાછા જઈ,તેમની સાથે રહી,તેમનું પાલન કરો.તમે ઘણે દૂર સુધી આવ્યા,પણ હવે અહીંથી તમે પાછા ફરો,ને એમ કરવાથી જ તમે અમને સંતોષ ને સત્કાર આપ્યો ગણાશે.(38)
વૈશંપાયન બોલ્યા-ધર્મરાજે જયારે પ્રજાજનોને આવી સલાહ આપી ત્યારે તેઓ દુઃખથી ચિત્કારી ઉઠયા,
અને ઈચ્છા ના હોવા છતાં,તેઓ પૃથાનંદનોના ગુણો સંભારતા પાછા ફર્યા.
પછી,તે પાંડવો રથમાં બેસીને,ગંગાતીરે,'પ્રમાણ' નામના મહાવટ આગળ આવ્યા.ત્યાં પહોંચી પવિત્ર
જળનું આચમન કરીને રાત્રિનિવાસ કર્યો.ને તે રાત્રિ માત્ર પાણી પીને જ કાઢી.હતી.
તેમના પ્રતિ સ્નેહને લીધે તેમની પાછળ કેટલાક બ્રાહ્મણો શિષ્યોના સમૂહો સહિત ત્યાં આવી પહોંચ્યા.
રમણીય,રૌદ્ર મુહૂર્તે,જ્યાં બ્રાહ્મણોએ અગ્નિહોત્રના અગ્નિઓ પ્રગટાવ્યા હતા,તેમનો તે સ્થળે,વેદોના ઘોષ
સાથે,શાસ્ત્રસંવાદ થવા લાગ્યો.હંસ જેવા મધુર સ્વરવાળા તે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને આશ્વાસન આપ્યું
ને આખી રાત્રિ વિનોદમાં પસાર કરાવી (46)
અધ્યાય-૧-સમાપ્ત