Sep 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-287

 
અધ્યાય-૮૦-વિદુર,ધૃતરાષ્ટ્ર ને દ્રોણનાં વચન 

II वैशंपायन उवाच II तमागतमथोराजा विदुरं दीर्घदर्शनम् I साशंक इव पप्रच्छ धृतराष्ट्रोSम्बिकासुत II १ II

વૈશંપાયન બોલ્યા-હવે,આવી પહોંચેલા,તે દીર્ઘદર્શી વિદુરેને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રે શંકાશીલ થઇ પૂછ્યું કે-

'હે વિદુર,પાંચે પાંડવ ભાઈઓ,દ્રૌપદી ને ધૌમ્ય ઋષિ,એ બધાં કેવી રીતે વનમાં જઈ રહ્યાં છે? 

તે હું સાંભળવા ઈચ્છું છું,તમે તેમની તમામ ચેષ્ટાઓ મને કહો.(3)

વિદુર બોલ્યા-યુધિષ્ઠિર,વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકીને જાય છે,ભીમ વારંવાર પોતાના બે વિશાળ હાથોને જોતો જોતો જાય છે,અર્જુન પગથી રેતી ઉડાવતો ઉડાવતો યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,સહદેવ મુખને લપેટા 

લગાવીને ચાલે છે ને નકુલ સર્વાંગે ધૂળ ચોળીને વિહ્વળ ચિત્તે યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,કૃષ્ણા,પોતાના 

મુખને વાળોથી  ઢાંકીને રોતી રોતી રાજાની પાછળ ચાલે છે.ને ધૌમ્ય મુનિ હાથમાં દર્ભ લઈને 

યમદેવતાના ભયંકર સામમંત્રો ગાતા ગાતા માર્ગ પર ચાલ્યા જાય છે (8)

હે ધૃતરાષ્ટ્ર,તમારા પુત્રોએ,યુધિષ્ઠિરને છેતરાયા છેને તેમને ધન ને રાજયથી ભ્રષ્ટ કર્યા છે,તો પણ તે ધર્મરાજની બુદ્ધિ ધર્મમાંથી ડગતી નથી.ને તે તમારા પુત્રો તરફ સદૈવ દયાવાન છે,ને ક્રોધ કરીને પોતાની આંખો ખોલતા નથી.

'ઘોર આંખો ખોલીને હું કોઈને પણ ન જ મારું' એમ વિચારીને તે પોતાનું મોં ઢાંકીને ચાલે છે.

ભીમસેન 'મારા સમાન બાહુબલમાં કોઈ જ નથી' એમ વિચારતો તે પોતાના બાહુઓને જોતો ચાલે છે.

ભુજબળના મદથી ભરેલો ને શત્રુઓ પ્રત્યે પોતાની બહુ શક્તિને અનુરૂપ કર્મ કરવાની ઈચ્છા રાખતો,

તે પોતાના શક્તિશાળી હાથોને જોયા કરે છે.અર્જુન,;યુદ્ધમાં પોતાની બાણધારા કેવી પડશે?'

તે વિશેવિચારતો,ને તે બનાવતો હોય તેમ રેતીના કણો પગથી ઉડાડીને યુધિષ્ઠિરની પાછળ જઈ રહ્યો છે.

જેમ અત્યારે રેતીના કણેકણ છુટા ઉડી રહ્યા છે,તેમ તે શત્રુઓ પર અસંખ્ય બાણોની વૃષ્ટિ કરશે.(16)


હે ભારત,સહદેવ 'આજે મને કોઈ ઓળખી ન જાય' એમ વિચારીને પોતાના મુખને લપેટા લગાવીને ચાલી 

રહ્યો છે,તો નકુલ,'હું રસ્તે રખેને સ્ત્રીઓના મનને આકર્ષી લઉં' એ વિચારે શરીરે ધૂળ ચોપડીને ચાલે છે.

વિખરાયેલા વાળોવાળી,એકવસ્ત્રા દ્રૌપદી બોલી હતી કે-'જેમના કારણે હું આ દશામાં આવી હતી,તેમની 

સ્ત્રીઓ આજથી ચૌદમે વર્ષે રંડાપો પામશે.તેમના પુત્રો,બંધુજનો ને પ્રિયજનો એ સર્વ મરણ પામશે.

તે સ્ત્રીઓ રોતી રોતી પોતાના પતિઓને દાહાંજલિ આપીને આ હસ્તિનાપુરમાં પ્રવેશ કરશે'


હે રાજન,ધીર ધૌમ્ય પુરોહિત,'રણસંગ્રામમાં ભરતવંશીઓ માર્યા જશે ત્યારે કુરુઓના ગુરુઓ આમ સામ 

મંત્રો ગાશે' એમ વિચારીને નૈઋત્ય તરફ દર્ભ રાખીને,યમદૈવત્ય સામમંત્રો ગાતા ગાતા આગળ ચાલી રહયા છે.

વળી,દુઃખથી અત્યંત પીડાયેલા નગરજનો,પણ વારંવાર આવું કલ્પાંત કરે છે કે-'કુરૂકૂળના વૃદ્ધજનોના મૂર્ખના જેવા કાર્યને ધિક્કાર હો.લોભિયા ને દુરાચારી કૌરવો પ્રત્યે આપણને હવે ક્યાંથી પ્રીતિ રહેશે'


આમ,તે નરશ્રેષ્ઠો હસ્તિનાપુરથી બહાર નીકળ્યા,ત્યારે વાદળ વિના વીજળીઓ ચમકવા લાગી,ને પૃથ્વી 

કંપવા લાગી.વિના યોગે રાહુએ સૂર્યને ગ્રસી લીધો અને નગરની ડાબી બાજુએ ઉલ્કાઓ પાડવા લાગી.

ગીધ,કાગડા,આદિ માંસાહારી પક્ષીઓ,દેવસ્થાનો,કોટકિલ્લા ને અટારીઓ પર બોલવા લાગ્યા 

આમ,ભરતવંશીઓના અનિવાર્ય વિનાશને દેખાડતા આવા મહાન ઉત્પાતો પ્રગટ થયા (31)

વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્ર ને વિદુર વચ્ચે આ વાત ચાલતી હતી ત્યારે નારદમુનિ ત્યાં આવીને ઉભા ને બોલ્યા-

'દુર્યોધનના અપરાધને લીધે ને ભીમ અર્જુનના બળ વડે આજથી ચૌદમા વર્ષે અહીં કૌરવો વિનાશ પામશે'

આમ કહીને નારદમુનિ આકાશમાં ચડીને તરત જ અંતર્ધાન થયા.(35)


પછી,દુર્યોધન,કર્ણ ને શકુનિએ દ્રોણાચાર્યને પોતાના પરમાશ્રય માન્ય ને તેમને સમગ્ર રાજ્ય અર્પણ કર્યું.

ત્યારે દ્રોણે તેમને કહ્યું કે-'બ્રાહ્મણો,દેવપુત્ર પાંડવોને અવધ્ય કહે છે છતાં,રાજસમૂહ સહીત મારે શરણે આવેલા,

તમને હું,યથાશક્તિ,સર્વાત્મભાવે,ભક્તિભાવે અનુસરીશ,ને તમને છોડી દેવાની હામ કરીશ નહિ કેમ કે દૈવ જ બળવાન છે.હારેલા,પાંડુપુત્રો બાર વર્ષ સુધી વનમાં વસી બ્રહ્મચર્ય આચરશે પછી ક્રોધ ને રોશને વશ થઈને,

તેઓ આ વેરનો બદલો લેશે.આ વેર મહાન દુઃખદાયી થશે.હે રાજન,મિત્રયુદ્ધમાં મેં રાજા દ્રુપદને ભ્રષ્ટ કર્યો હતો,

તેણે વેર વાળવા,મારો વધ કરે તેવો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન યજ્ઞ કરીને મેળવ્યો છે.પાંડવોનો તે સાળો,સદૈવ પાંડવોના હિતમાં પરાયણ છે,હું પણ મરણધર્મને આધુન છું,આથી મને તેનો ભય છે.


હે કૌરવો,જે યુવાન અર્જુન,અતિરથીઓઅમાં મુખ્ય ગણાય છે,તેની સાથે મારે સંગ્રામમાં ભેટો થાય તેનાથી બીજું કયું પરમદુઃખ હોઈ શકે? ને 'ધૃષ્ટદ્યુમ્ન દ્રોણનો કાળ છે'એવું સુપ્રસિદ્ધ વચન છે.તો આ ભીષણ કાળ,તમારે લીધે જ આવીને ઉભો છે.તમે શીઘ્ર કલ્યાણનો પ્રયત્ન કરો,કેમ કે તે પાંડવોને વનમાં મોકલ્યા તેથી તમારું કલ્યાણ થઇ ગયું નથી.એ તો બે ઘડીનું સુખ છે,માણો કે હેમંતઋતુમાં તાડની છાયા છે.માટે તમે મોટા યજ્ઞોથી યજન કરો,ભોગો ભોગવો અને દાન આપો.આજથી ચૌદમે વર્ષે તમે મહાવિનાશમાં પડશો'

દ્રોણનું આવું વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર બોલ્યા-દ્રોણગુરુ બરાબર કહે છે,તમે તે પાંડવોને પાછા લઇ આવો,ને જો તે ના આવે તો તેમને શસ્ત્રો,રથો,પાયદળો આપીને,સર્વ ભોગ સામગ્રીઓ સાથે જાય તેવી ગોઠવણ કરો (51)

અધ્યાય-80-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE