Aug 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-286

અધ્યાય-૭૯-કુંતીનો વિલાપ 

II वैशंपायन उवाच II तस्मिन् संप्रस्थिते कृष्णा पृथां प्राप्य यशस्विनीं I अप्रच्छदमृशदुखार्ता यास्चान्यास्तत्रयोपितः II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ટિરે ત્યાંથી ચાલવા માંડ્યું,એટલે કૃષ્ણા,યશસ્વિની કુંતી પાસે ગઈ.અત્યંત દુખાર્ત થયેલી તેણે,પોતાની સાસુની અને બીજી સ્ત્રીઓને યથાયોગ્ય વંદન કરી રજા માગી.દ્રૌપદીને જતી જોઈ કુંતી અત્યંત સંતાપ પામી અને શૉકથી વિહવળ થયેલી વાણીમાં બોલી-'હે દ્રૌપદી,આ મહાસંકટમાં આવ્યાથી તારે શોક કરવો નહિ.તું સ્ત્રીઓના ધર્મને જાણે છે,તું શીલ અને આચારવાળી છે.તારા સ્વામીઓ સંબંધમાં હું તને શો ઉપદેશ આપી શકું? તું ગુણવતી છે ને પિયર અને સાસરું-એ બંને કુળોને તે શોભાવ્યા છે.આ કુરુઓનું ભાગ્ય છે કે તેં એમને બાળી મુક્યા નથી.તારો માર્ગ નિર્વિઘ્ન હો,તું મારો માતાનો વાત્સ્લય ગુણ ધરીને વનમાં જા.(6)

આ સાંભળીને આંસુ વહેતી આંખોવાળી,એકવસ્ત્રા દ્રૌપદી ત્યાંથી બહાર નીકળી.દ્રૌપદીની પાછળ પૃથાએ પણ દુઃખપૂર્વક ચાલવા માંડ્યું.ત્યાં તેણે વસ્ત્રભૂષણ વિનાના,રુરુમૃગચર્મ પહેરેલા પોતાના સર્વ પુત્રોને જોયા.

પુત્રોને આવી દશામાં જોઈને,અતિવાત્સ્લયભાવવાળી માતા તેમની પાસે જઈને ભેટીને કહેવા લાગી કે-


'સદ્ધર્મયુક્ત ચારિત્રવાળા,સદ્દવૃત્તિમાં રહેવાવાળા,સ્થિતિથી શોભનારા,દૃઢ ભક્તિવાળા,ને દેવપૂજનમાં સદા પરાયણ રહેનારા એવા તમને સર્વેને ક્યાંથી આવું સંકટ આવી પડ્યું? અરેરે,ભાગ્યનો આ પલટો કેવો છે?

આ મારા ભાગ્યનો જ દોષ હશે,કેમતમારામાં ઉત્તમ ગુણો હોવા છતાં,મેં તમને અત્યંત દુઃખ ને વિપત્તિ ભોગવવાને જન્મ આપ્યો છે.ધન સંપત્તિ વિના તમે દુર્ગમ વનમાં કેવી રીતે રહી શકશો? જો મને આ વનવાસ વિશે ખબર હોત તો હું શતશૃંગ પરથી તમારા પિતાના મૃત્યુ બાદ હસ્તિનાપુર આવી જ ના હોત.


હે પુત્રો,ભાગ્યથી મળેલા,પ્રિય અને સજ્જન એવા તમને હું નહિ છોડું,હું પણ વનમાં ચાલીશ.

પ્રાણીઓનાં જીવનનો અંતવાળાં છે,તો વિધાતાએ પ્રમાદ કરીને મારો અંત શા માટે નિર્મ્યો નહિ?

હે કૃષ્ણ,તમે ક્યાં છો?તમે મારું અને આ દુઃખી નરોત્તમોનુ કેમ રક્ષણ કરતા નથી? 'આદિ ને અંતરહિત 

એવા તમારું જે લોકો ધ્યાન કરે છે-તેમનું તમે રક્ષણ કરો છો'-એ તમારું વચન શું વ્યર્થ થયું છે? 

આ મારા પુત્રો આ સંકટ ભોગવવાને યોગ્ય નથી,માટે તમે એમના પર કૃપા કરો.(25)


ભીષ્મ,દ્રોણ,અને કૃપાચાર્ય આદિ નીતિના તત્વાર્થને જાણનારા કુલનાથો હોવા છતાં આ વિપત્તિ ક્યાંથી આવી?

અરે,ઓ સહદેવ,તું પાછો ફર,સાચે જ તું મને મારા શરીરથી પણ વધુ વહાલો છે,તું મને છોડીને જઈશ નહિ.

તારા આ ભાઈઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય તો તેઓ ભલે જાય,તું તો અહીં મારુ રક્ષણ કરવાના ધર્મને સિદ્ધ કર.


વૈશંપાયન બોલ્યા-આમ વિલાપ કરી રહેલી કુંતીને,પાંડવોએ પગે લાગીને પ્રણામ કર્યા ને વન તરફ ચાલવા લાગ્યા.

વિદુરે,દુઃખી કુંતીને વિવિધ વચનો કહીને આશ્વાસન આપ્યું ને તેને પોતાને ઘેર લઇ ગયા.

બીજી બાજુ,'દ્યુત મંડળીમાં કૃષ્ણાના કેશ ને વસ્ત્ર ખેંચાયાં,ને તેણે પતિઓ સાથે વનગમન કર્યું છે' એવી પુરી હકીકત સાંભળીને ધૃતરાષ્ટ્ર પુત્રોની સર્વ સ્ત્રીઓ મોટા સ્વરથી રોવા માંડી અને કુરુઓની ભારે નિંદા કરવા  લાગી,

ક્યાંય સુધી તેઓ પોતાના મુખ પર હાથ ટેકવીને વિચારમાં પડી ગઈ.

તે વખતે ધૃતરાષ્ટ્ર પણ,પોતાના પુત્રોએ કરેલા અન્યાયને વિચારીને હૃદયમાં ઉદ્વેગ પામ્યા.ને પછી તેમણે 

દૂત મારફત વિદુરને બોલાવ્યા.એટલે વિદુર ધૃતરાષ્ટ્રના ભવને ગયા ત્યારે ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા કે-(36)

અધ્યાય-79-સમાપ્ત