અધ્યાય-૭૮-પાંડવોનું વનપ્રસ્થાન
II युधिष्ठिर उवाच II आमन्त्रयामि भरतांस्तथा वृध्धं पितामहम् I राजानं सोमदत्तं च महाराजं च बाल्ह्कम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-ભરતવંશીઓને,વૃદ્ધ પિતામહને,સોમદત્તને,બાહલીકને,દ્રોણાચાર્યને,કૃપાચાર્યને,વિદુરને,સર્વ ધૃતરાષ્ટ્ર પુત્રોને,યુયુત્સુને,સંજયને અને અન્ય સર્વ સભાસદોને હું પ્રણામ કરું છું ને સર્વની રાજા લઈને હું જાઉં છું,
હવે,પાછો આવીને જ હું તમારાં સર્વનાં દર્શન પામીશ' સર્વ સભાસદો શરમને લીધે કશું બોલ્યા નહિ,
માત્ર મનથી જ નીચી નજરે તેમણે યુધિષ્ઠિરનું કલ્યાણ ચિંતવ્યું.(4)
વિદુર બોલ્યા-'હે પૃથાનંદનો,રાજપુત્રી પૃથા (કુંતી) શરીરે કોમળ ને વયમાં વૃદ્ધ છે,એને અરણ્યમાં જવું
ઘટે નહિ.એ કલ્યાણી,મારા ઘરમાં આદરપૂર્વક રહેશે.એમ તમે જાણો,તમારું પૂર્ણ કલ્યાણ હો'
પાંડવો બોલ્યા-'હે નિષ્પાપ,તમે કહો છે તેમ જ થાઓ,તમે અમારા કાકા છો ને પિતાતુલ્ય છો અમે તમારે શરણે છીએ.તમે આજ્ઞા આપશો તેમ અમે કરીશું,બીજું કંઈ આમારે કરવા યોગ્ય હોય તે અમને કહો'(8)
વિદુર બોલ્યા-હે યુધિષ્ઠિર,જે મનુષ્ય,અધર્મથી જીતાયેલો હોય તેને પોતાના પરાજય વિશે વ્યથા હોય નહિ.
તું ધર્મને જાને છે,અર્જુન રણમાં જીતનારો છે,ભીમસેન શત્રુસંહારક છે,નકુલ ધનસંગ્રહી છે,સહદેવ સંયમી છે,
ધૌમ્ય બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છે ને દ્રૌપદી ધર્મ ને અર્થમાં કુશળ છે.તમે સૌ એકબીજાને પ્રિય છો,સંતુષ્ટ છો અને તમારામાં કોઈ શત્રુઓ ફૂટ પડાવી શકે તેમ નથી,એટલે આ સંસારમાં તમારી સ્પૃહા કોણ ન રાખે?
હે ભારત,તું આ જે મનની સમાનતા ને સ્થિરતા રાખે છે,તે સર્વ કલ્યાણરૂપ છે,શત્રુ ભલે ઇન્દ્ર સમાન હોય
તો પણ તમારી સામે ટક્કર લઇ શઈ કે તેમ નથી.
પૂર્વે હિમાલયમાં સાવર્ણિએ,વારણાવતમાં વ્યાસે,ભૃગુતુંગમાં પરશુરામે અને દશદવતીમાં શંભુએ તને ઉપદેશ આપ્યા છે,ને અંજન પર્વત પર મહર્ષિ અસિતનો ધર્મબોધ તેં સાંભળ્યો છે,ભ્રુગુનું તું શિષ્યત્વ પામ્યો છે,
નારદમુનિનાં દર્શન કર્યા છે ને આ ધૌમ્ય તારા પુરોહિત છે.ઋષિઓથી સત્કારેલી તે બુદ્ધિનો તું પરલોકમાં પણ ત્યાગ કરીશ નહિ,બુદ્ધિથી તું પુરુરવાને જિત્યો છે,શક્તિથી અન્ય રાજાઓને જીત્યો છેને ધર્મથી તું ઋષિઓને જીત્યો છે.મનની દ્રઢતાથી તું ઇન્દ્રને જીતી લે,ક્રોધમાં તું યમરાજથી આગળ જા,દાનમાં કુબેરને પાછો પાડી દે,ને સંયમમાં તું વરુણની ઉપર જા ને જળની જેમ સૌમ્યતા ને સર્વને જીવન દેવાના ગુણો તને પ્રાપ્ત થાઓ.
તને પૃથ્વીથી ક્ષમા,સૂર્યથી તેજ,વાયુથી બળ,અને પ્રાણીઓથી આત્મસંપત્તિ મળો.તું નિરોગી રહે,તારું મંગલ થાઓ,હું તમને ફરી પાછા આવેલા જોઇશ.હે યુધિષ્ઠિર,આપત્તિના સમયે,તેમ જ ધર્મને અર્થની ભીડના સમયે,
અથવા સર્વ કાર્યો વખતે તું યથાયોગ્ય ને યથાકાળ હોય તે કરજે.હું તને વિદાય આપું છું.તારું કલ્યાણ થાઓ,
ને તને કૃતાર્થ થઈને પાછો આવેલો જોઇશું કારણકે તેં પૂર્વે પણ તેં કોઈ પાપ કર્યું નથી (23)
વૈશંપાયન બોલ્યા-ત્યારે યુધિષ્ઠિરે કહ્યું 'ભલે તેમ જ હો' પછી,ભીષ્મ પિતામહ અને દ્રોણગુરુને પ્રણામ કરીને યુધિષ્ઠિરે ભાઈઓ ને દ્રૌપદી સહિત વનપ્રસ્થાન આદર્યું (24)
અધ્યાય-78-સમાપ્ત