Aug 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-284

અધ્યાય-૭૭-પાંડવોએ પ્રતિજ્ઞા લીધી 

II वैशंपायन उवाच II ततः पराजिताः पार्था वनवासाय दीक्षिताः I अजिनान्युत्तरियाणि जगहुश्च यथाक्रमम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,જુગારમાં હારેલા પૃથાપુત્રોએ વનવાસની દીક્ષા લીધી ને કાળાં મૃગચર્મો ને ઉત્તરીયો ધારણ કરવા લાગ્યા.તેમને જોઈએને દુઃશાસન કહેવા લાગ્યો કે-હવે દુર્યોધનનું શાસન ચક્ર પ્રવર્ત્યું છે,

પાણ્ડવો મહાવિપત્તિને પામ્યા છે.આજે સર્વ દેવો અમારી તરફ પધાર્યા છે,ને દૈવ અમને અનુકૂળ થયું છે.કેમ કે વયમાં ને ગુણમાં શ્રેષ્ઠ એવા શત્રુઓ કરતાં અમે ચડિયાતા થયા છીએ.પાંડવો હવે વર્ષો સુધી વિનાશ પામ્યા છે.

જે પાંડવો ધ્યાનમાં છકી જઈને કૌરવોની હાંસી કરતા હતા તે હવે હાર પામી ને ધાનને ખોઈને વનમાં જાય છે.

જે પાંડવો,પોતાના માટે સદૈવ એમ માનતા હતા કે આ લોકમાં તેમના જેવા પુરુષો જ નથી,તેઓ આજે સમયનો પલટો થતાં,પોતાને ષંઢતલની જેમ અફળ જાણશે.યાજ્ઞસેને પોતાની પુત્રી પાંચાલીને પાંડવોને આપીને કશું સારું કર્યું નથી,કારણકે યાજ્ઞસેનીના પતિ પૃથાપુત્રો નપુંસક જ છે.હે યાજ્ઞસેની,આવાં હલકાં વસ્ત્રો પહેરનારા ને ધન વિનાના આ પાંડવોની સાથે અરણ્યમાં જવાથી શું લાભ?તું અહીં જ બીજા મનગમતા પતિને વરી લે.(11)


જો,અહીં,સર્વ કુરુઓ એકઠા થયા છે,તેઓ સારી ધનસંપત્તિવાળા છે,તેમાંથી એકને તું પસંદ કરી લે,એટલે 

આ સમયનો પલટો તને ક્લેશ નહિ આપે.જેમ ષંઢતલ અફળ છે,જેમ ચામડાનો મૃગ અફળ છે તેમ પાણ્ડવો પણ નિષ્ફળ છે.જેમ,ષંઢતલને ઉછેરવાનો શ્રમ ફોગટ જાય છે,તેમ તું આ પાંડવોની ઉપાસના કરી શું પામવાની છે?'

દુઃશાસને પાંડવોને આવાં કઠોર વચનો સંભળાવ્યાં,ત્યારે મહાક્રોધી ભીમસેને મોટો ઘાંટો પાડીને તેને તુચ્છકારી નાખ્યો ને,તેની પાસે પહોંચીને,પોતાના રોષને અંકુશમાં કરી (તેને માર્યા વગર) કહેવા લાગ્યો કે-(15)


'તું પાપી મનુષ્યના જેવું ક્રૂર ને મિથ્યા ભાષણ કરે છે.શકુનિની કપટવિદ્યાના આશ્રયથી વિજય મેળવીને તું અહીં 

રાજાઓની વચ્ચે બડાશ મારે છે.અત્યારે તું વાક્યબાણોથી અમારા મર્મભાગોને વીંધી રહ્યો છે,પણ યુદ્ધમાં તારાં મર્મસ્થાનોને વીંધીને તને આજની વાતનું સ્મરણ કરાવીશ.એટલી જ નહિ,પણ જેઓં લોભને વશ થઈને તને અનુસરે છે ને તારું રખવાળું કરે છે તે સૌને હું યમલોકમાં પહોંચાડીશ.મારી પ્રતિજ્ઞા મુજબ,જો જુ તારી છાતી

ચીરીને લોહી પીશ નહિ તો હું પુણ્યલોકને પ્રાપ્ત થઈશ નહિ,આ હું તને સાચું જ કહી રાખું છું કે-રણમાં સર્વ ધનુર્ધારીઓની સમક્ષ ધૃતરાષ્ટ્રપુત્રોને હણીને જ હું શાંતિને પામીશ (22)


વૈશંપાયન બોલ્યા-પછી,તે પાંડવો સભાની બહાર જવા લાગ્યા ત્યારે,દુર્યોધને રમતમાં ને હર્ષમાં,ભીમસેનની પાછળ 

તેના જેવી ચાલ ચાલીને તેના ચાળા પાડવા લાગ્યો ત્યારે ભીમે પાછળ જોઈને તેને કહ્યું કે-'અહીં,આટલાથી જ આ કાર્ય પૂરું થયું છે તેમ તું સમજીશ નહિ.ટૂંક સમયમાં હું તને સપરિવાર મારી નાખીશ ને તારા આ પરિહાસનો જવાબ આપીશ' અપમાનિત ભીમે પોતાના રોષને મનમાં જ દબાવ્યો ને જતાં જતાં સભાને કહેવા લાગ્યો કે-


'હું આ દુર્યોધનને હણીશ,ધનંજય કર્ણને હણશે,શકુનિને સહદેવ મારશે.આ સભાની મધ્યમાં હું ફરીથી 

આ મોટી વાત ઉચ્ચારુ છું કે-જયારે મારુ યુદ્ધ થશે ત્યારે દેવો આ વાતને સત્ય ઠરાવશે કે યુદ્ધમાં હું આ 

પાપી દુર્યોધનને ગદાથી મારી નાખીશ અને એના માથાને,મારા પગથી પૃથ્વીમાં મસળી નાખીશ.

ને બોલવામાં શૂરાતન અને દુષ્ટ મનવાળા આ ક્રૂર દુઃશાસનનું હું સિંહની જેમ લોહી પીશ'


અર્જુન બોલ્યો-હે ભીમસેન,સજ્જનોનો નિર્ણય આમ વાણીથી જણાતો નથી,ચૌદમે વર્ષે જે થશે તે બધા જોશે જ'

ભીમ બોલ્યો-'દુર્યોધન,કર્ણ,શકુનિ,ને દુઃશાસન-એ ચારેયના રુધિરનું પાન,આ ભૂમિ કરશે જ'

અર્જુન બોલ્યો-કર્ણને હું તમારી આજ્ઞાથી રણમાં મારીશ,એની હું તમારું પ્રિય કરવાની ઈચ્છાથી પ્રતિજ્ઞા કરું છું.

બીજા રાજાઓ,પણ જો બુદ્ધિભ્રમથી મારી સાથે યુદ્ધ કરશે તો હું તેમને યમરાજને મંદિરે પહોંચાડીશ.

આજથી ચૌદમે વર્ષે,સૂર્યોધન સત્કારપૂર્વક આપણું રાજ્ય પાછું નહિ આપે તો આમ જ થશે'


વૈશંપાયન બોલ્યા-ત્યાર પછી,સહદેવે પોતાનો વિશાળ હાથ ઉપાડીને શકુનિના વધની ઈચ્છાથી કહ્યું કે-

'ગાંધારોના યશને હણનારા,હે મૂર્ખ શકુનિ,તું જેને પાસાઓ માને છે તે પાસાઓ નથી,એ તો તેં યુદ્ધમાં વહોરી લીધેલ તી તીક્ષ્ણ બાણો છે,ભીમે કહ્યું તેમ હું તને તારા બાંધવોને યુદ્ધમાં હણી નાખીશ'

નકુલ બોલ્યો-'દ્રૌપદીને જે ધૃતરાષ્ટ્ર પુત્રોએ કઠોર વાણી સંભળાવી છે,તે સર્વને હું યમદ્વારે પહોંચાડીશ 

ને પલકવારમાં આ પૃથ્વીને ધાર્તરાષ્ટ્રો વિનાની કરી દઈશ એવી મારી પણ પ્રતિજ્ઞા છે;

આમ,તે સર્વ પુરુષસિંહોએ પ્રતિજ્ઞા લીધી ને પછી ધૃતરાષ્ટ્ર પાસે ગયા.(46)

અધ્યાય-77-સમાપ્ત