Aug 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-282

 
અધ્યાય-૭૫-ગાંધારીનાં વચન 

II वैशंपायन उवाच II अथाब्रवीन्महाराज धृतराष्ट्रं जनेश्वरम् I पुत्रहार्दाद्धर्मयुक्ता गान्धारी शोककर्शिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુત્રસ્નેહથી શોક વિહવળ થયેલી ને ધર્મમાં પરાયણ એવી ગાંધારીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-

'દુર્યોધનનો જન્મ થયો હતો ત્યારે વિદુરે કહ્યું હતું કે આ કુલકલંકને પરલોકમાં પહોંચાડી દો તો સારું.જન્મતાં જ તે શિયાળની જેમ ભૂંક્યો હતો.કુરુઓ,આ સમજી લે કે-તે કુળનો ખરેખર ઉચ્છેદક છે.હે ભારત,તમે જાતના દોષ વડે મહાજલમાં ડૂબો નહિ,ને અસભ્ય મૂર્ખ લોકોની વાતને ટેકો આપો નહિ.તમે કુળના નાશના કારણરૂપ ન થાઓ.

બાંધેલા પુલને કોઈ ભાંગે ખરું કે?ઠરેલા અંગારાને કોઈ ફૂંકે ખરું કે? આ શાંત રહેલા પૃથાનંદનોને કેમ કોપાવો છો?

અજમીઢવંશમાં ઉત્પન્ન થયેલા તમને આનું સ્મરણ હશે,તો પણ તમને ફરી સ્મરણ કરાવું છું 

હે મહારાજ,દુર્બુદ્ધિવાળા મનુષ્યને શાસ્ત્ર,કલ્યાણ કે અકલ્યાણ માટે ઉપદેશ આપે નહિ અને વૃદ્ધ માણસ ક્યારે પણ બાળકબુદ્ધિનો ન થાય.તમારા પુત્રો તમારી દોરવણીમાં રહો ને અવળા જઈને નાશ પામો નહિ.


આથી મારા વચન વડે તમે એ કુલાંગારને તજી દો.પુત્રસ્નેહના લીધે તમે જો આમ કરશો નહિ તો કુળનો અંત લાવનારું ફળ આવી પહોંચ્યું જ છે એમ તમે જાણો.તમારી બુદ્ધિ,જે શાંતિ,ધર્મ ને નીતિથી યુક્ત છે તેવી જ રહો.

તમે પ્રમાદ કરશો નહિ.ક્રૂર કર્મોથી મળેલી લક્ષ્મી નાશ લાવનારી છે.પણ કોમળતા ને પ્રૌઢતાથી આવેલી લક્ષ્મી જ પુત્ર ને પૌત્રો સુધી પહોંચે છે.(10)


ધૃતરાષ્ટ્ર બોલ્યા-ભલે કુળનો અંત આવે,પણ હું તેને વારી શકું તેમ નથી,પુત્રો ઈચ્છે છે તેમ જ થાઓ,

પાંડવો પાછા આવીને ભલે મારા પુત્ર સાથે ફરીથી જુગટુ રમે (12)

અધ્યાય-75-સમાપ્ત