અધ્યાય-૭૪-યુધિષ્ઠિરને જુગારનું ફરીથી આમંત્રણ
II जनमेजय उवाच II अनुज्ञातांस्तान् विदित्वां सरत्नधनसंचयान् I पांडवान् धार्तराष्ट्राणां कथ्मासी न्मनस्तदा II १ II
જન્મેજય બોલ્યા-આમ,પાંડવોને રત્ન ને ધન સહિત જવાની આજ્ઞા મળેલી સાંભળીને,
ધૃતરાષ્ટ્રના પુત્રોના મનમાં કેવું થયું હતું?
વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે,પાંડવોને ધનસાહિત વિદાય આપી છે તે સાંભળીને દુઃશાસન શીઘ્ર,મંત્રીઓ સાથે બેઠેલા પોતાના ભાઈ દુર્યોધન પાસે ગયો ને દુઃખથી આર્ત થઈને કહેવા લાગ્યો કે-'હે મહારથીઓ,મહાકષ્ટે મેળવેલા ધનને પેલા બુઢ્ઢા બાપે રોળી નાખ્યું છે અને તે સર્વ ધન શત્રુઓને સોંપી દીધું છે' આથી તરત જ,દુર્યોધન,કર્ણ અને શકુનિ,ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા અને ત્યાં દુર્યોધન કોમળ વચને,તેમને કહેવા લાગ્યો કે--(6)
'હે મહારાજ,દેવગુરુ બૃહસ્પતિએ નીતિઉપદેશ આપતાં જે કહ્યું હતું,તે તમે શું સાંભળ્યું નથી?
'શત્રુઓ,યુદ્ધથી કે બળથી તમારું અહિત કરે,તે પહેલાં જ તેમને સર્વ કોઈ ઉપાયે હણી નાખવા જોઈએ'
તો અમે જો પાંડવોના ધનથી જ સર્વ રાજાઓને સત્કાર આપીને તેમને પાંડવો સાથે લડાવીએ,તો એમાં આપણું
તે શું જવાનું? ઝેરી દાઢવાળા,ક્રોધે ભરાયેલા અને નાશ કરવા ઉભા થયેલા સર્પોને ગળામાં વીંટાળ્યા પછી,કોણ કોણ છૂટે તેમ છે?અમે સાંભળ્યું કે-સજ્જ થયેલો અર્જુન,તેનાં બે મહાન ભાથાંઓ ધારણ કરીને વારેવારે ગાંડીવને હાથમાં લે છે,ને તેને નિસાસાભેર જો જો કરે છે,ને ભીમ,પોતાનીમહાન ગદાને વેગપૂર્વક ઉગામીને,બહાર નીકળી ગયા છે.વળી,નકુલ,સહદેવ અને યુધિષ્ઠિર પણ એવો જ ચેષ્ઠાભાવ બતાવતા અહીંથી ગયા છે.(14)
અનેક શસ્ત્રોથી ઢંકાયેલા રથોમાં બેસીને,સેણા એકઠી કરવા જ તેઓ તત્પર થયા છે,તેઓ ક્ષમા આપે તેમ નથી,કેમ કે આપણે તેમને અપમાનિત તો કર્યા જ છે,વળી,દ્રૌપદીથી થયેલા ક્લેશને તો તેમનામાંનો કોણ સહન કરી શકે તેમ છે?.હે રાજન,તમારું મંગલ હો,અમે જો વનવાસની શરતે તેમની સાથે ફરી જુગાર ખેલીએ,તો અમે એમને વશ કરી શકીશું.જુગટામાં જે હારે તે મૃગચર્મ પહેરીને બાર વર્ષ સુધી વનમાં જાય અને તેરમા વર્ષે
કોઈ ઓળખે નહિ,એવી રીતે ગુપ્તવાસ કરે,અને જો પકડાઈ જાય તો બીજા બાર વર્ષનો વનવાસ કરે,(19)
હે રાજન,આવા ઠરાવથી અમને દ્યુત રમવા દો,આ શકુનિ,પાસાને રહસ્ય સહીત જાણે છે,એટલે વિના કોઈ યુધ્ધે,
તેમના દુર્ગમ એવા સૈન્યને લઈને આપણે ચિંતા વગર રાજ્ય કરી શકીશું.પછી,જો તેરમા વર્ષના વ્રતને પૂરું કરશે,
તો અમે તેમને જીતી લઈશું.હે પરંતપ તમે આ વાતને અનુમોદન આપો (23)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-પાંડવો કો કે ઘણા દૂર નીકળી ગયા હશે,તો પણ તેમને તરત જ પાછા બોલાવો.
તેઓ પાછા આવીને ભલે જુગટું રમે.
વૈશંપાયન બોલ્યા-ત્યારે,દ્રોણ,સોમદત્ત,બાહલીક,કૃપાચાર્ય,વિદુર,ભીષ્મ,અશ્વસ્થામા,યુયુત્સુ,ભૂરિશ્રવા,
ને વિકર્ણ બોલી ઉઠયા કે-'જુગટું રમવાનું બંધ રાખો,હવે,પુરી શાંતિ થાઓ'
આમ,સર્વની ઈચ્છા ન હતી,છતાં,પુત્રપ્રિય ધૃતરાષ્ટ્રે પાંડવોને ફરીથી જુગાર રમવા બોલાવ્યા (27)
અધ્યાય-74-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE