II युधिष्ठिर उवाच II राजन किं करवामस्ते प्रशाप्यस्मांस्त्वमिश्वरः I नित्यं हि स्यातुमिच्छामस्तव भारत शासने II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે મહારાજ,અમે તમારું શું કામ કરીએ?તમે અમારા ઈશ્વર છો,
અમે નિત્ય તમારી આજ્ઞામાં રહેવા ઇચ્છીએ છીએ.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હા અજાતશત્રુ,તારું મંગલ થાઓ.તમે સૌ નિર્વિઘ્ને કલ્યાણપુર્વક જાઓ.ને મારી આજ્ઞાથી ધનસમેત તમારા રાજ્યનું શાસન કરો.મારી વૃદ્ધની એ શિખામણ સ્મરણમાં રાખવી કે,મારુ કહેલું સઘળું હિતકારી ને પરમકલ્યાણમય છે.તું તો ધર્મોની સૂક્ષ્મ ગતિ જાણે છે,તું વિનીત છે,ને વૃદ્ધોનો ઉપાસક છે.હે ભારત,જ્યાં બુદ્ધિ છે ત્યાં શાંતિ છે,તમે શાંત થઈને જાઓ.તે જ ઉત્તમ પુરુષો છે કે જેઓ વેરને ઓળખતા નથી.જેઓ માત્ર ગુણોને જ જુએ છે,અવગુણો સામે નજર નાખતા નથી અને કોઈની સાથે વિરોધ કરતા નથી.(6)
સત્પુરુષો,સામાના સત્કૃત્યોને જ સંભારી રાખે છે,ને તેમનાં વેરોને યાદ કરતા નથી.પરકલ્યાણનાં કરનારા તેઓ બદલાની આશા રાખતા નથી.હે યુધિષ્ઠિરે,સંવાદ વખતે,અધમ માણસો સામાં કઠોર વચનો કહે છે,માધ્યમ માણસો કઠોર વચન ન કહેતાં સીધો ઉત્તર જ આપે છે અને ઉત્તમ માણસો,અમે બોલ કાઢતા નથી,ભલેને સામેના માણસે કડવી ને હિતકારી વાણી બોલી હોય.સાધુજનો,આર્યમર્યાદાને તોડતા નથી,અને તેં પણ આ સભામાં
એક આર્ય બની આર્યમર્યાદાનું પાલન કર્યું છે,હે બેટા,ગાંધારી ને મારી તરફ ગુણદૃષ્ટિ રાખીને,તું દુર્યોધને કરેલી કઠોરતાને મનમાં રાખીશ નહિ.તું તારા વૃદ્ધ ને આંધળા પિતાને જો,ને ક્ષમાદૃષ્ટિ રાખ.(12)
આ દ્યુતમાં મેં જાણીજોઈને બેદરકારી બતાવી હતી,મને તો મિત્રોને તથા પુત્રનાં બલાબલને જોવાની ઈચ્છા હતી,
(એટલે કે આવું કપટ થશે એવી મને ખબર નહોતી) હે રાજન,જેમનો.સર્વ શાસ્ત્રોમાં પંડિત એવો
વિદુર મંત્રી છે,તે કુરુઓ વિષે ચિંતા કરવા જેવું નથી. તારામાં ધર્મ છે,અર્જુનમાં ધૈર્ય છે,ભીમમાં પરાક્રમ છે
અને નકુલ-સહદેવમાં શુદ્ધ ગુરુસેવા છે.હે અજાતશત્રુ,તારું કલ્યાણ થાઓ,તું ઇન્દ્રપ્રસ્થ જા,
ભાઈઓ સાથે તારો ભાઈચારો રહે અને તારું મન સદા ય ધર્મમાં પરાયણ રહો.(16)
વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે કહ્યું એટલે યુધિષ્ઠિરે 'આપે કહ્યું તેમ કરીશું' એવી આર્યપ્રતિજ્ઞા કરીને
ભાઈઓ ને દ્રૌપદી સાથે,તે રથોમાં બેસીને ઇન્દ્રપ્રસ્થ જવા વિદાય થયા.(18)
અધ્યાય-73-સમાપ્ત
દ્યુતપર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE