II कर्ण उवाच II या न श्रुता मनुप्येषु स्त्रियो रूपेण संमता: I तासामेताद्रशं कर्म न कस्याश्चन शुश्रुम II १ II
કર્ણ બોલ્યો-આપણે મનુષ્યોમાં જે સ્વરૂપવતી સ્ત્રી વિશે સાંભળ્યું છે,તેમાં કોઈ પણ સ્ત્રીનું આ દ્રૌપદી જેવું કર્મ સાંભળવામાં આવ્યું નથી.જયારે પૃથાપુત્રો પર ધૃતરાષ્ટ્રપુત્રો અત્યંત ક્રોધયુક્ત થયા,ત્યારે દ્રુપદપુત્રી કૃષ્ણા અહીં,પાંડુપુત્રો માટે શાંતિરૂપ થઇ,જળમાં પડી ડૂબકાં ખાઈ રહેલા પાંડવો માટે પર લઇ જનાર નૌકારૂપ થઇ છે.
વૈશંપાયન બોલ્યા-'પાંડુપુત્રોને તેમની સ્ત્રીએ તાર્યા' કૌરવો વચ્ચે કર્ણનું આવું વચન સાંભળીને અત્યંત અસહનશીલ ભીમસેન મનમાં અત્યંત દુઃખી થઈને મનમાં બોલ્યો કે-'હાય,પાંડવોને ઉગારનાર એક સ્ત્રી થઇ !'
ભીમ અર્જુનને કહેવા લાગ્યો કે-હે ધનંજય,દેવલ મુનિએ કહ્યું છે કે-પુરુષમાં ત્રણ જ્યોતિઓ છે-પુત્ર,કર્મ અને વિદ્યા.આ ત્રણમાંથી પ્રજાની સૃષ્ટિ થઇ છે.જયારે,આ શરીર મરણ પામે છે ને જે વખતે સમસ્ત સગાવહાલાંઓ
તેને ત્યાગી દે છે,ત્યારે આ ત્રણ જ્યોતિઓ જ તે પરલોકગત પુરુષના ઉપયોગમાં આવે છે.
હે ધનંજય,દ્રૌપદીના શરીરને બળપૂર્વક પુરુષ સ્પર્શ થયો છે એટલે આપણી તે પુત્રરુપી જ્યોતિ ઠરી ગઈ છે.
પરાયા પુરુષથી સ્પર્શ પામેલી સ્ત્રીથી ઉત્પન્ન થયેલ સંતાન શું કામનું? (7)
અર્જુન બોલ્યો-હે ભાઈ,હીન માણસો કઠોર વાણી બોલ્યા હોય કે ન બોલ્યા હોય,તો પણ ઉત્તમ પુરુષો સામો
બોલ આપતા નથી.વળી,બદલો લઇ શકતા હોય તો પણ તે સત્પુરુષ સામાનાં સત્કૃત્યોને જ સંભારે છે.
ને તેમને કરેલા વેરોનું તો તે સ્મરણ પણ કરતા નથી.
ભીમ બોલ્યો-'હે ભારત,અહીં જે શત્રુઓ ભેગા થયા છે,તેમને હું બહાર નીકળી સમુળગા હણી નાખું છું,
મારે તેમની સાથે વિવાદ કે જીભાજોડી કરવી નથી,શત્રુના મર્યા પછી તમે પૃથ્વી પર રાજ્ય કરો'
અર્જુન,ભીમને શાંત કરવા લાગ્યો પણ,ભીમસેન અંતરમાં લાગેલી આગને કારણે વિશેષ ક્રોધી બન્યો,
ને તેની સમસ્ત ઈન્દ્રિયોમાંથી જાને અગ્નિ ભભૂકવા લાગ્યો,તેની સામે જોઈ પણ શકાય તેમ નહોતું.
જાણે,પ્રલયકાળ આવતાં,મૂર્તિમાન યમરાજના જેવું તેનું મુખ લાગતું હતું.
પછી,યુધિષ્ઠિરે,તે ભીમસેનનો હાથ પકડીને તેને રોક્યો અને કહ્યું કે-'આમ બોલીશ નહિ,શાંત થા'
આમ કોપથી લાલ આંખવાળા થયેલા તે મહાબાહુ ભીમને શાંત કરીને
યુધિષ્ઠિર પ્રણામપૂર્વક ધૃતરાષ્ટ્ર પિતા પાસે જઈને ઉભા (17)
અધ્યાય-72-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE