Aug 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-278

 
અધ્યાય-૭૧-દ્રૌપદીને વરદાન 

II कर्ण उवाच II त्रयः किलेमे ह्यधना भवन्ति दासांपुत्रश्चास्वतंत्रा च नारी I 

दासस्य पत्नी त्वधनस्य भद्रे हीनेश्वरा दासधनं च सर्वम् II १ II

કર્ણ બોલ્યો-દાસ,પુત્ર ને પરાધીન સ્ત્રી,એ ત્રણ નિર્ધન જ ગણાય છે.આથી હે ભદ્રા,નિર્ધન એવા દાસની,

હીન પતિવાળી સ્ત્રી અને દાસનું ધન એ બધું દાસના સ્વામીનું જ છે એવો નિયમ છે,તો તું અંદર જઈ રાજપરિવારની સેવા કર.એવો અહીં આદેશ આપવામાં આવે છે.હવેથી સર્વ ધૃતરાષ્ટ્રપુત્રો જ તારા સ્વામીઓ ગણાશે.નહિ કે પૃથાપુત્રો ! હે ભામિની,તું જો તત્કાલ બીજા પતિને વરી લે તો જુગટા વડે આવેલું દાસીપણું તને આવશે નહિ.સૌ પાંડવો હાર્યા છે

ને તું પણ પરાજય પામી છે,માટે તે હારેલા પાંડવો તારા પતિ રહ્યા નથી.

દ્રુપદની પુત્રીને સભાની વચ્ચે દાવમાં મુકી રમનાર યુધિષ્ઠિર પોતાનું આ પરાક્રમ કેમ ન માને? માને જ.(5)

વૈશંપાયન બોલ્યા-કર્ણનાં આવા વચન સાંભળી,ક્રોધમાં આવી અત્યંત દુઃખ પામ્યો ને નિસાસા નાખવા લાગ્યો.

ને યુધિષ્ઠિરને કહેવા લાગ્યો-'હે રાજન,સૂતપુત્ર પર હું ક્રોશ કરી શકતો નથી કારણકે દાસનો આ જ ધર્મ સત્ય છે.

પણ આ દ્રૌપદીને દાવમાં મૂકી રમ્યા ન હોત તો શું શત્રુઓ આમ કહી શક્ત ખરા કે?'

હવે,દુર્યોધન,શાંત અને જડ જેવા બેઠેલા યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-'ભીમ,અર્જુન,નકુલ ને સહદેવ તમારી 

આણમાં રહ્યા છે,એટલે તમે જો કૃષ્ણાને ન જીતાયેલી માનતા હો તો તેનો જવાબ આપો'


આમ કહીને ઐશ્વર્યના મદમાં ફાટી ગયેલા દુર્યોધને,કર્ણને,ભીમનું વધારે અપમાન કરવાનું કહ્યું.ને ત્યાર બાદ,

તેણે,ભીમનો તિરસ્કાર કરીને,પોતાની ડાબી જાંઘનું વસ્ત્ર હટાવીને,દ્રૌપદીના સામે હસીને જોયું,

અને કેળના ખમ્ભા જેવી,હાથીની સૂંઢના જેવી પોતાની ડાબી જાંઘ દ્રૌપદીંની દર્ષ્ટિ સામે બતાવી.

જે જોતાંની સાથે જ ભીમે પોતાની ગુસ્સાથી લાલ થયેલી આંખોને નો પહોળી કરી,સભાને સંભળાવતો હોય 

તેમ મોટેથી દુર્યોધનને કહેવા લાગ્યો કે-'મહાયુદ્ધમાં જો હું ગદા વડે તારી આ સાથળને ભાંગી નાખું નહિ તો હું વૃકોદર,પિતૃઓ સાથે પિતૃલોકને પ્રાપ્ત થઈશ નહિ' આમ કહેતા તે ભીમના રુંવેરુંવામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી જણાવા લાગી જાણે કે,બળતા વૃક્ષની બખોલોમાંથી આગ ભભૂકી ઉઠી હોય ! (15)


વિદુર બોલ્યા-હે પ્રતીપવંશી રાજાઓ,જુઓ,ભીમસેન તરફના આ મહાભયને ! તમે એ જાણી લો કે,નક્કી,દૈવથી જ પ્રેરાયેલ આ મહાન અન્યાય,અહીં ઉત્પન્ન થયો છે.તમે દ્યુતની મર્યાદાને લોપીને આ જુગટું રમ્યા છે વળી, તમે સભામાં સ્ત્રી સાથે આવો પ્રલાપ કરો છો.તમારાં યોગક્ષેમ પરવારવા માંડયા છે.તમે પાપી વિચારોમાં પ્રવૃત્ત થયા છો.હે કુરુઓ,તમે આ ધર્મને શીઘ્ર જાણી લો કે ધર્મની જડ નીકળી જાય છે ત્યારે આખી સભાને દુષણ લાગે છે.


જો યુધિષ્ઠિરે પોતે હાર્યા પહેલા જ દ્રૌપદીનો દાવ નાખ્યો હોત,તો તે સમયે તે તેમ કરવા સમર્થ હતા,

પણ પોતાને હાર્યા પછી,જે સ્વામીની સત્તા નથી,તે જો આ રીતે દાવ ખેલે તો એ સ્વપ્નમાં જીતાયેલા ધન જેવું છે.

એમ હું માનું છું.હે કુરુઓ,શકુનિના ચડાવ્યાથી તમે આ શુદ્ધ ધર્મથી રાખે દૂર જતા (19)


દુર્યોધન બોલ્યો-હું ભીમ,અર્જુન,નકુલ ને સહદેવના વચન પર આધાર રાખું છું,તેઓ જો એમ કહે કે 

યુધિષ્ઠિરને દ્રૌપદીને દાવમાં મુકવાની સત્તા ન હતી,તો હે યાજ્ઞસેની,તું દાસીપણામાંથી મુક્ત થશે.

અર્જુન બોલ્યો-કુંતીનંદન ધર્મરાજ,દ્યુતમાં,પહેલાં તો અમારા સ્વામી હતા જ,

પણ પોતે હારી ગયા પછી,તે કોના સ્વામી થઇ શકે? તે સર્વ કુરુઓ લક્ષ્યમાં લે  (21)


વૈશંપાયન બોલ્યા-તે વખતે ધૃતરાષ્ટ્રના રાજ્યભવનમાં અગ્નિહોત્રશાળામાં એક શિયાળ મોટેથી ભૂંકયું,

અને ગધેડાઓએ તેની સામે વળતું ભૂંકવા માંડ્યું.પછી,પક્ષીઓ પણ ચારે બાજુ ચિત્કાર કરવા લાગ્યા.

ગાંધારીએ,ભીષ્મે,દ્રોણે,અને કૃપાચાર્યે આ સાંભળીને 'સ્વસ્તિ-સ્વસ્તિ' ઉચ્ચાર કર્યો.ઘોર ઉત્પાતને લક્ષમાં 

રાખીને ગાંધારી તેમ જ વિદુરે દુઃખપૂર્વક ધૃતરાષ્ટ્રને નિવેદન કયું,એટલે ધૃતરાષ્ટ્ર બોલ્યા-


'હે મંદબુદ્ધિ દુર્યોધન,તારું મોત આવ્યું છે.કારણકે કુરુશ્રેષ્ઠોની આ સભામાં સ્ત્રી અને તેમાંયે ખાસ કરીને ધર્મવધૂ દ્રૌપદીને તું આવાં વચનો બોલી રહ્યો છે' આમ કહીને,બાંધવોને સંકટમાંથી ઉગારી,તેમનું હિત કરવા ઇચ્છતા,

તે ધૃતરાષ્ટ્રે બુદ્ધિપૂર્વક વિચારણા કરીને કૃષ્ણાને સાંત્વના આપી તેને કહેવા લાગ્યા કે-

'હે પાંચાલી,સાચેજ તું ધર્મપરાયણ સતી છે ને મારી પુત્રવધૂઓમાં શ્રેષ્ઠ છે તું ઇચ્છામાં આવે તે વરદાન માગી લે'


દ્રૌપદી બોલી-હે રાજન,તમે વરદાન આપો છો તો હું માગું છું કે ધર્મને અનુસરનાર,યુધિષ્ઠિર દાસ મટી જાઓ 

અને મારા પુત્ર પ્રતિવિન્દ્યને કોઈ અજાણતાં પણ એમ ન કહે કે એ દાસપુત્ર છે.'

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે કલ્યાણી,તું કહે છે તેમ જ થાઓ,હું તને બીજું વરદાન આપું છું,તે પણ તું માગી લે'

દ્રૌપદી બોલી-'હે મહારાજ,ભીમસેન,અર્જુન,નકુલ અને સહદેવ-એ સૌ રથ અને ધનુષ્યબાણ 

સાથે દાસ મટી જાઓ.ને સ્વાધીન થાઓ,એટલું જ હું માંગુ છું.'


ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે મહાભાગ્યવતી,તું ઈચ્છે છે તેમ જ હો.તું મારી પાસેથી ત્રીજું વરદાન માગ,

બે વરદાનોથી તારો પૂરો સત્કાર થયો નથી,કેમ કે તું ધર્મચારીણી,મારી સર્વ પુત્રવધૂઓમાં શ્રેષ્ઠ છે'


દ્રૌપદી બોલી-હે રાજન,લોભ એ ધર્મનાશનું મૂળ છે,આથી મને એનો ઉત્સાહ નથી.હું ત્રીજું વરદાન માગવા માટે અયોગ્ય છું.કેમ કે વૈશ્યને એકવાર,ક્ષત્રાણીઓને બે વાર,રાજાઓને ત્રણ વાર અને બ્રાહ્મણોને સો વાર વરદાન માંગવાનો અધિકાર કહ્યો છે.પાપી દાસત્વને પામેલા આ મારા પતિઓ,હવે તેમાંથી તરી ઉતર્યા છે,

એટલે પોતાના પુણ્યકર્મો વડે તે ફરીથી મંગલપ્રાપ્તિને પામશે. (37)

અધ્યાય-71-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE