Aug 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-275

અધ્યાય-૬૮-દ્રૌપદીવસ્ત્રાહરણ 

II भीमउवाच II भवंति गेहे र्वधक्यः कितवानां युधिष्ठिर I न तामिरुत दीव्यन्ति दया चैवास्ति तास्वपि II १ II

ભીમ બોલ્યો-હે યુધિષ્ઠિર,જુગારીઓને ઘેર દાસીઓ તો હોય છે,પણ તેમને તેઓ દાવમાં મૂકીને ખેલતા નથી,

અને તે દાસીઓ પ્રત્યે તેમને દયા તો હોય જ છે.કાશીરાજ ને બીજા રાજાઓએ જે ઉત્તમ ભેટો,ધન,રત્નો,

વાહનો,કવચો,આયુધો આદિને, વળી,અમને અને તમે પોતાને પણ જુગારમાં હારી ગયા,તે માટે મને ગુસ્સો થયો નથી,કેમકે તમે અમ સર્વના સ્વામી છો,પણ,તમે જ્યારે દ્રૌપદીને હોડમાં મૂકી,ત્યારે હું માનું છું કે તમે મર્યાદા મૂકી છે.કેમ કે આ દ્રૌપદી તેને યોગ્ય તો નથી જ.પાંડવોને પતિ તરીકે પામીને,એ માત્ર તમારા જ કારણે,આ નીચ,ઘાતકી અને દુષ્ટ વિચારવાળા કૌરવોથી અત્યારે ક્લેશ પામી રહી છે,ને તેની આ દશા થઇ ગઈ છે.અને તે જ કારણે મારે આ કોપ તમારા પર કરવો પડે છે,તમારા બેઉ હાથોને હું બાળી મુકવા માગું છું,હે સહદેવ અગ્નિ લઇ આવ.(6)

આ સાંભળીને અર્જુન બોલ્યો-'ઓ ભીમસેન,તમે અગાઉ આવી વાણી કદી બોલ્યા નથી,સાચેજ તમારા ધર્મગૌરવને ક્રૂર શત્રુઓએ નાશ કર્યું છે,તમે શત્રુઓને સફળ મનોરથવાળા કરો નહિ,ને ઉત્તમ ધર્મનું આચરણ કરો.ધર્મનિષ્ઠ મોટાભાઈનું કોઈ ઉલ્લંઘન ન કરે,મોટાભાઈ,ક્ષાત્રધર્મનું સ્મરણ રાખીને પાર્કનીં ઈચ્છાથી જ જુગટું રમ્યા છે,

એતો આપણા માટે કીર્તિદાયી જ કહેવાય' ભીમસેન બોલ્યો-હે ધનંજય,આ વિષયમાં મને જો આવી સમજ હોત  નહિ,તો મેં ક્યારના એ એમના બે હાથ બાળી મુક્યા હોત.પણ દ્રૌપદીની આ દશા જોઈ શકાતી નથી.(10)


વૈશંપાયન બોલ્યા-પાંડવોને આવા દુઃખી થયેલા જોઈને અને દ્રૌપદીની દયાજનક સ્થિતિ જોઈને વિકર્ણ બોલ્યો-

'હે સભાજનો,યાજ્ઞસેનીએ જે પ્રશ્ન કર્યો છે તેનો તમે ઉત્તર આપો.કારણકે તેમ નહિ થાય તો આપણને તરત જ નર્ક મળશે.ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર કુરુઓમાં સહુથી વૃદ્ધ છે તેઓ ને વિદુર એકઠા મળીને કંઈ પણ બોલતા નથી.

દ્રોણ અને કૃપાચાર્ય એ બે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ ને બીજા રાજાઓએ પણ કોઈ ઉત્તર આપ્યો નથી.તેઓ સર્વ કામક્રોધ છોડીને તેનો ઉત્તર આપો' આ પ્રમાણે વિકર્ણે સર્વ સભાજનોને ઘણીવાર કહ્યું પણ કોઈએ ઉત્તર આપ્યો નહિ.


ત્યારે હાથમાં હાથ ઘસીને તે વિકર્ણ નિસાસાભેર બોલ્યો કે-'હે સભાજનો,તમે ભલે પ્રશ્નનો ઉત્તર ના આપો,પણ,મને જે ન્યાયયુક્ત લાગે છે તે હું અહીં કહીશ જ.રાજાઓ માટે,મૃગયા,મદ્યપાન,દ્યુત ને અત્યંત સંભોગાશક્તિ -એ ચાર સંકટરૂપ કહ્યાં છે.આ ચારેમાં ડૂબેલો માણસ ધર્મને વેગળો મૂકીને વર્તે છે,ને એ મનુષ્યે કરેલી અયોગ્ય ક્રિયાને લોકો માન્ય રાખતા નથી.એટલે પાંડુપુત્રે,જુગારની ઘેલછામાં પડીને તેમ જ જુગારીઓથી લલકારાઈને દ્રૌપદીને હોડમાં મુકવાનું જે આ કાર્ય કર્યું છે,તે મને માન્ય નથી.વળી,આ દ્રૌપદી,સર્વ પાંડવોની એકસમાન પત્ની છે ને તે 

ઉપરાંત,આ યુધિષ્ઠિરે પોતાની જાતને હારી ગયા પછી એને દાવમાં મૂકી છે.વધુમાં શકુનિએ આ કૃષ્ણાને હોડમાં માગી હતી,આ બધું વિચારીને હું દ્રૌપદીને જીતાયેલી માનતો નથી'


વિકર્ણની વાત સાંભળીને સભામાં મોટો શોર ગાજી ઉઠ્યો,ક્રોધથી મૂઢ બનેલો કર્ણ બોલી ઉઠ્યો કે-

'અહીં ખરેખર અનેક વિપરીત વાતો જ દેખાય છે.જેમ,અરણીમાં પ્રગટેલો અગ્નિ અરણીકાષ્ટને જ બાળી મૂકે છે,તેમ જે જેમાં જન્મ્યો છે તે તે મૂળનો જ વિનાશ લાવે છે.કૃષ્ણાએ વારંવાર પૂછવા છતાં,અહીં કોઈ પણ તેને જવાબ આપતા નથી,કેમ કે તેઓ પણ આ દ્રૌપદીને ધર્મપૂર્વક જીતાયેલી જ માને છે.હે વિકર્ણ,તું એક જ માત્ર મુરખાઇથી આડું વહેરે છે.અને બાળક જેવો તું વૃદ્ધની જેમ બોલે છે.


તું ધર્મને યથાવત જાણતો નથી,એટલે મંદબુદ્ધિવાળો તું ક્રુષ્ણાને,ન જીતાયેલી કહે છે.પણ,જો યુધિષ્ઠિરે,પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું હતું તો પછી કૃષ્ણા ક્યાંથી અણજીતાયેલી ગણાય?સર્વસ્વમાં દ્રૌપદી પણ આવી જ ગઈ હતી.વળી,યુધિષ્ઠિરે,આ દ્રૌપદીને વચનપૂર્વક દાવમાં મૂકી હતી,ને પાંડવોની એમાં સંમતિ હતી,તો પછી,

તું એને કેવી રીતે અણજીતાયેલી માને છે? વળી,'એને એકવસ્ત્રે અહીં સભામાં અધર્મથી લાવવામાં આવી છે'

એવું જો તું માનતો હોય તો,એ સંબંધમાં મારુ એક ઉત્તમ વચન સાંભળ.


હે કુરુનંદન,દેવોએ,સ્ત્રીને માટે એક જ પતિ નિશ્ચિત કર્યો છે,એટલે અનેક પતિને વશ રહેનારી આ તો નક્કી વેશ્યા  તે અને એને સભામાં લાવવી,એનું એકવસ્ત્ર હોવું,કે નવસ્ત્રી હોવું એ મારે મતથી કશું જ વિચિત્ર નથી.

એ પાંડવો પાસે જે સંપત્તિ હતી તે ને તેમની પોતાની જાત તથા દ્રૌપદીને શકુનિએ ધર્મપૂર્વક જીતી લીધી છે.

ઓ દુઃશાસન,આ વિકર્ણ મૂર્ખનો સરદાર છે,તું તો આ દ્રૌપદીનાં વસ્ત્રો ઉતારી જ લે'

ને પછી,તે દુઃશાસને,ભરીસભામાં દ્રૌપદીનાં ચીર,બળજોરીથી પકડીને ખેંચવા માંડ્યાં.(40)


વૈશંપાયન બોલ્યા-આમ,જયારે,દ્રૌપદીનાં ચીર ખેંચાવા માંડ્યાં,ત્યારે તે શ્રીહરિનું ચિંતન કરવા લાગી,

'હે ગોવિંદ,હે દ્વારકાવાસી,હે કૃષ્ણ,હે ગોપીઓને વહાલા,હે કેશવ,મને કૌરવોથી પરાભવ પામી રહેલીને તમે કેમ ઓળખાતા નથી?હે નાથ ! અરે,રમાના નાથ ઓ વ્રજના નાથ,ઓ દુઃખવિદારક,હે જનાર્દન,મારો,આ કૌરવોરૂપી સાગરમાં ડૂબેલીનો તમે ઉદ્ધાર કરો.હે કૃષ્ણ,હે મહાયોગી,હે વિશ્વાત્મા,હે વિશ્વભાવન,હે ગોવિંદ,કૌરવોની વચ્ચે પીડાઈ રહેલી અને તમારે શરણે આવેલી એવી મારું તમે રક્ષણ કરો'


હે રાજન,આમ ત્રિભુવનના સ્વામી શ્રી હરિ શ્રીકૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને તે દુઃખિયારી,દ્રૌપદી,આક્રંદ કરવા લાગી ત્યારે,તેનાં વચન સાંભળીને શ્રીકૃષ્ણ કરુણાથી વિહ્વળ થઇ ગયા અને શય્યાસન છોડીને તે કૃપાળુ દોડી આવ્યા.અને તેમણે તેને અદશ્ય જ રહીને દ્રૌપદીને અનેક સુંદર વસ્ત્રોથી છાઈ દીધી.


આમ,જ્યારે દ્રૌપદીનાં વસ્ત્રો જયારે ખેંચવા લાગ્યા ત્યારે એકની નીચે બીજું-એમ અનેક વસ્ત્રો ઉપર આવવા લાગ્યા.

ત્યારે ત્યાં ભયંકર લાગે તેવો હાહાકાર થઇ રહ્યો.આ મહાન આશ્ચર્ય જોઈને મહીપાલો,દ્રૌપદીની પ્રશંસા કરવા લાગ્યા,ને દુઃશાસનની નિંદા કરવા લાગ્યા.તે વખતે ક્રોધપૂર્વક હોઠોને ફફડાવી રહેલા ભીમસેને હાથમાં હાથ મસળીને ઘોર નાદ કર્યો અને સર્વ રાજાઓની વચ્ચે તેણે પ્રતિજ્ઞા કરી.


ભીમસેન બોલ્યો-'હે મૃત્યુલોકના ક્ષત્રિયો,તમે મારુ આ વચન સાંભળો,ભૂતકાળમાં કોઈ માણસો આવું બોલ્યા 

નથી અને ભવિષ્યમાં આવું કોઈ બોલનાર નથી,તમે જોજો,ભરતવંશમાં,અંગાર જેવા અને દુષ્ટ બુદ્ધિવાળા 

આ પાપી દુઃશાસનની છાતીને,યુદ્ધમાં બળપૂર્વક ચીરીને હું તેનું લોહી પીશ,એવી હું પ્રતિજ્ઞા કરું છું,

અને જો હું તેમ ન કરું તો મને મારા પૂર્વ પિતામહોની ગતિ ન મળો'


વૈશંપાયન બોલ્યા-તે રાજાઓએ,રુવાંડાં ખડાં કરી દે તેવું તે ભયંકર વચન સાંભળીને ભીમને પુષ્કળ માન આપ્યું અને દુઃશાસન પર ફિટકાર વરસાવવા લાગ્યા.હવે સભા વચ્ચે,દ્રૌપદીનાં ચિરનો ઢગલો થઇ ગયોઃ ને દુઃશાસન પણ થાકીને બેસી ગયો,ત્યારે,અનેક સભાજનો,ધૃતરાષ્ટ્રની નિંદા કરીને મોટેથી બોલવા લાગ્યા કે-'કૌરવોએ દ્રૌપદીના એ પ્રશ્નનો ઉત્તર આપ્યો જ નથી' ત્યારે તેમને બોલતા રોકી,બંને હાથ ઊંચા કરીને વિદુરજી કહેવા લાગ્યા કે-


'આ દ્રૌપદી,પ્રશ્ન પૂછી,અનાથની જેમ રડે છે,ને તેના પર અત્યાચાર થાય છે,ત્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર આપતા નથી,

લાગે છે કે આ સભામાં ધર્મ પીડાઈ રહ્યો છે.જયારે કોઈ દુઃખી મનુષ્ય,બળતા અગ્નિની જેમ સભામાં આવે છે,ત્યારે સભાસદો તેને સત્ય ધર્મ વડે જ શાંતિ આપે છે.હે સભાસદો,માત્ર વિકર્ણે જ પ્રશ્નનો યથામતિ ઉત્તર આપ્યો છે,

તો તમે પણ તે પ્રશ્નનો યથામતિ ઉત્તર આપો.ન્યાયસભામાં બેઠેલો ધર્મદર્શી સભાસદ 

જો પ્રશ્નનો ઉત્તર આપતો નથી તો તે જુઠ્ઠાણાથી જે ફળ મળે છે,તેનો અર્ધો ભાગ સભાપતિ  ભોગવે છે.અને 

જો તે ધર્મદર્શી સભાસદ અસત્ય બોલે તો તે ચોક્કસ જુઠ્ઠાણાંનું આખું ફળ ભોગવે છે.


અહીં,પંડિતોએ કહેલા પ્રહલાદ અને સુધન્વામુનિની વચ્ચે થયેલા સંવાદનું હું ઉઅદહરણ કહું છું,તે સાંભળો.

પ્રહલાદ નામનો એક દૈત્યેન્દ્ર હતો,જેને વિરોચન નામે પુત્ર હતો.એક કન્યા નિમિત્તે તે વિરોચન સુધન્વા સાથે વિવાદે ચડ્યો હતો.કન્યાને પરણાવાની ઈચ્છાથી બંને 'હું મોટો' એવો વિવાદ કરવા લાગ્યા.પછી,તે બંનેએ પ્રહલાદને પૂછ્યું કે 'મારા બંનેમાંથી કોણ મોટો?' એ પ્રશ્નનો ઉત્તર આપો.કોપયુક્ત સુધન્વાએ કહ્યું કે-તું જો જુઠ્ઠું કહીશ તો 

ઇન્દ્ર વજ્રથી તારા માથાના સેંકડો ચુરા કરી નાખશે' પ્રહલાદ ગભરાણો ને કશ્યપને પૂછવા ગયો.ને પૂછ્યું કે-


'હે કશ્યપ મુનિ,હું ધર્મસંકટમાં આવ્યો છું.હું તમને પૂછું છું કે-જે મનુષ્ય પ્રશ્નનો ઉત્તર ના આપે અથવા મિથ્યા ઉત્તર આપે તો તેને મૃત્યુ પછી કયો લોક મળે? તે મને કહો' ત્યારે કશ્યપ બોલ્યા-'જે મનુષ્ય પોતે જાણતાં છતાં,કામ,ક્રોધ અને ભય વડે પ્રશ્નનો ઉત્તર આપતો નથી,તે એક હજાર વરુણપાશોથી પોતાને બાંધી લે છે.વળી,જે સાક્ષી થયો હોય અને જૂઠી સાક્ષી આપે તે મનુષ્ય સહસ્રપાશોથી બંધાય છે.એક એક વર્ષે તેનો એક એક પાશ છૂટે છે.

માટે સત્યને યથાર્થ જાણનારાએ સત્ય જ કહેવું ઘટે છે.જો ન્યાયસભામાં,ધર્મ અધર્મથી વીંધાઈ ગયો હોય,

ને જો સભાસદો તે અધર્મને ઉખેડી નાખે નહિ તો તે સભાસદો પણ અધર્મથી વીંધાઈ જાય છે.


જો,સભાસદો,નિંદવા યોગ્ય હોય તેની નિંદા કરતા નથી,તો અધર્મનો અર્ધો ભાગ સભાપતિને લાગે છે,

ચોથો ભાગ અધર્મ કરનારને ને બાકીનો ચોથો ભાગ સભાસદોને લાગે છે.હે પ્રહલાદ,પૂછનારને જેઓ અધર્મયુક્ત  જૂઠો જવાબ આપે છે,તેઓ પોતાના કરેલા ઇષ્ટકર્મોને ને પોતાની સાત પેઢીઓને હણી નાખે છે.

જે જૂઠું બોલે છે,તે સર્વ દુઃખોને પામે છે.નજરોનજર જોવાથી,કાનોકાન સાંભળવાથી અને તેને ધારણ કરી રાખવાથી માણસ સાક્ષી કહેવાય છે તેથી સત્ય કહેનારો સાક્ષી ધર્મ ને અર્થથી વંચિત થતો નથી'

કશ્યપનાં આ વચન સાંભળી,પ્રહલાદે પોતાના પુત્રને કહ્યું કે -'સુધન્વા તારાથી મોટા છે.

હે સભાસદો,આ પ્રમાણે પ્રેમધર્મને સાંભળ્યા પછી દ્રૌપદીના પ્રશ્ન વિષે તમે શો ઉત્તર યોગ્ય માનો છો?


વૈશંપાયન બોલ્યા-વિદુરનાં આવાં વચન સાંભળીને પણ રાજાઓ કશું બોલ્યા નહિ,પણ કર્ણે,દુઃશાસનને કહ્યું કે-

'આ દાસી કૃષ્ણાને ઘરમાં લઇ જા' એટલે થરથરી રહેલી,લજ્જા પામેલી ને પાંડવોને કાકલૂદી કરી રહેલી,

તે દ્રૌપદીને,દુઃશાસને ભરી સભામાં ઘસડવા માંડી (91)

અધ્યાય-68-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE