II दुर्योधन उवाच II ए हि क्षत्तद्रौपदीमानयस्य प्रियां भार्या संमतां पाण्डवानां I
समार्जतां वेश्म परैतु शीघ्रं तत्रास्तु दासीर्भिर पुण्यशीला II १ II
દુર્યોધન બોલ્યો-એ વિદુર,અહીં આવો.તે પાંડવોની પ્રિય અને માનીતી પત્ની દ્રૌપદીને
અહીં લઇ આવો.તિરસ્કારથી આણેલી તે દ્રૌપદી,ઝટ અમારા ઘરમાં દાસી તરીકે વાસીદું કરે
ને એ પાપિણી,જ્યાં દાસીઓ રહે છે ત્યાં એમની સાથે ભલે રહે.
વિદુર બોલ્યા-ઓ નીચ,તું મૂર્ખની જેમ આવું દુષ્ટ ભાષણ કરે છે,પણ,તું પોતે ફાંસમાં બંધાઈ પડ્યો છે તે તું જાણતો નથી.
તું સમજતો નથી કે તું જાતે જ ખીણમાં લટકી રહ્યો છે.ને તું મૃગસમાન હોવા છતાં સિંહસમાન પાંડવોને છંછેડી રહ્યો છે.
ઓ મંદબુદ્ધિ,તારે માથે ઝેરી દાઢવાળા અને પૂરા ક્રોધી એવા ભારે ઝેરીલા સર્પો બેઠા છે,
તું એમને ગુસ્સે કરીશ નહિ.ને યમસદને જઈશ નહિ !
કૃષ્ણા દાસીપણું પામવાને યોગ્ય નથી,કારણકે મારા મતથી સ્વામીપદ ખોયા પછી જ રાજા યુધિષ્ઠિરે તેને દાવમાં મૂકી છે.જેમ,વાંસ પોતાના વિનાશને માટે ફળને ધારણ કરે છે,તેમ,ધૃતરાષ્ટ્રનો આ પુત્ર પોતાના નાશ માટે જ આ વૃદ્ધિરૂપી
ફળને ધારણ કરે છે.અંતકાળે પણ એ ઉન્મત્ત સમજતો નથી કે આ જૂગટું,મહાભયંકર વેર લાવનારું છે.
પંડિતો કહે છે કે-કોઈનો મર્મચ્છેદ ન કરવો,કોઈને ક્રૂર વચનો કહેવાં નહિ,જુગાર જેવા હલકા કામથી શત્રુને વશ
ન કરવા,તેમ જ કોઈને ઉદ્વેગ કરાવે તેવી તીખી અને નરકલોકમાં લઇ જનારી વાણી કદી પણ ન કહેવી.
આ પૃથાનંદનો તો દુર્યોધન જેવી કોઈ તીખી વાણી બોલતા નથી.
ખરે ! કુતરા જેવા નીચ માણસો જ સર્વ કોઈને ભસભસ કર્યા કરે છે.આ ધૃતરાષ્ટ્ર પુત્ર સમજતો નથી કે
ઠગાઈ એ મહાઘોર નરકનું દ્વાર છે.આ જુગારબાજીમાં અનેક કુરુઓ તેના સાથીદાર છે.
કદાપિ તુમ્બડાં ડૂબી જાય,પથરાઓ તરવા લાગે તો પણ આ દુર્યોધન મારાં વચન સાંભળે તેમ નથી.
નક્કી,આ દુર્યોધન જ કુરુઓનો અંતકારી થશે,એ નિઃસંશય છે.જયારે મિત્રજનોના હિતકારક વચનો ને
પંડિતમાન્ય વચનોને સાંભળવામાં આવતાં નથી,અને માત્ર લોભનો જ વધારો થાય છે
ત્યારે અત્યંત ભયંકર અને સર્વનાશી એવો વિનાશ જ આવે છે (12)
અધ્યાય-66-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE