Aug 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-272

 
અધ્યાય-૬૫-યુધિષ્ઠિર દ્રૌપદી હાર્યા 

II शकुनिरुवाच II बहु वित्तं पराजैपिः पांडवानां युधिष्ठिर I आचक्ष्व वित्तं कौन्तेय यदि तेSस्तस्यपराजितम् II १ II

શકુનિ બોલ્યો-હે યુધિષ્ઠિર,તમે પાંડવોનું ઘણું ધન હારી ચુક્યા છો,

જો હજુ તમારી પાસે ન હાર્યું એવું કોઈ ધન હોય તો બોલો.

યુધિષ્ઠિર બોલ્યા-હે સુબલપુત્ર,મારી પાસે જે અસંખ્ય ધન છે તે હું જાણું છું,તું મને ધન વિષે શા માટે પૂછે છે?

ચાલ હવે,દશલાખ શંકુ,પદ્મ,અર્બુદ,ખર્વ,શંખ,નિખર્વ,મહાપદ્મ,કોટિઓ,મધ્ય ને પરાર્ધ-આદિ ધનનો દાવ નાખ.

આ સાંભળીને છળનો આશ્રય કરનારા શકુનિએ પાસા નાખ્યા ને બોલ્યો-'એ બધું મેં જીતી લીધું' (5)

યુધિષ્ઠિર બોલ્યા-પર્ણાશા નદીની બાજુમાં,સિંધુ નદીની પૂર્વમાં,જે કોઈ અસંખ્ય ગાયો,ઘોડાઓ,બળદો આદિ 

જે છે તે સર્વ મારું ધન છે,ને એ ધન હું દાવમાં મુકું છું' ત્યારે શકુનિએ પાસા નાખીને તે જીતી લીધું.

ત્યાર બાદ,યુધિષ્ઠિરે,રાજપુત્રોના કુંડળો આદિ આભુષણોના ધનથી દાવ ખેલ્યો,ને તે પણ હારી ગયા.

યુધિષ્ઠિર બોલ્યા-'શ્યામલ,જુવાન ને મહાબાહુ એવા આ નકુલને હું હોડમાં મુકું છું' ને તે દાવ પણ તે હારી.ગયા.

આ જ રીતે યુધિષ્ઠિરે અનુક્રમેં,સહદેવ,અર્જુન,ભીમ અને છેવટે પોતાની જાતને દાવ પર લગાવી ને તે સર્વ હાર્યા.


શકુનિ બોલ્યો-હે રાજન,હજી તમારો એક દાવ અણજીતાયેલો છે.તમારે પ્રિય પત્ની છે,

એ પાંચાલપુત્રી કૃષ્ણાને હોડમાં મૂકો અને તા વડે ફરી જય મેળવો.

યુધિષ્ઠિર બોલ્યા-જે નીચી નથી કે ઊંચી નથી,જે દુબળી નથી કે જાડી નથી,

એવી શ્યામલ વાંકડિયા કેશવાળી દ્રૌપદીને હું તારી સાથે દાવમાં રમું છું.


વૈશમ્પાયન બોલ્યા-ધર્મરાજે જયારે આમ કહ્યું ત્યારે,વૃદ્ધ સભાજનોના મુખથી 'ધિક્કાર હો ધિક્કાર હો'

એવાં વેણ નીકળી પડ્યાં.હે રાજન,તે સભા ખળભળી ઉઠી,રાજાઓને ખેદ થઇ આવ્યો અને ભીષ્મ,દ્રોણ તેમ જ

કૃપાચાર્ય વગેરેને પરસેવો વહેવા લાગ્યો.વિદુર તો માથું નાખીને મડદા જેવા થઇ ગયા.સર્પની જેમ નીચું માથું રાખીને

હાંફતા હાંફતા વિચારમાં પડી ગયા.પણ ધૃતરાષ્ટ્ર તો ખુશ થઈને વારંવાર પૂછવા લાગ્યો કે-

'શું જીત્યા?શું જીત્યા?' ને એમ તે પોતાનો મનોભાવ છુપાવી શક્યો નહિ.


દુઃશાસન વગેરે સાથે કર્ણ,અત્યંત હર્ષ પામ્યો તો બીજા સભાજનોની આંખોમાંથી આંસુધારે વહેવા લાગી.

આમ જીતના મદથી ઉન્મત્ત થયેલા ને મહા ઉન્માદે ચડેલા તે સુબલપુત્ર શકુનિએ છળથી પાસા નાખ્યા 

ને યુધિષ્ઠિરને કહ્યું કે -'હું દ્રૌપદીને પણ જીતી ગયો' (47)

અધ્યાય-65-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE