Aug 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-269

અધ્યાય-૬૨-વિદુરનાં હિતવચન 

II वैशंपायन उवाच II एवं प्रवर्तिते ध्युते घोरे सर्वापहारिणी I सर्वसंशयनिर्मोक्ता विदुरो वाक्यमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સર્વસ્વનું હરણ કરનારું જુગટુ ચાલી રહ્યું હતું,ત્યારે સર્વ સંશયોને છેદનારા,

વિદુરજીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-હે મહારાજ,આ જાણી લો કે,જેમ,મારવા પડેલા મનુષ્યને ઓસડની રુચિ રહેતી નથી,તેમ,હું જે વાત કહીશ,તે તમને ગમશે નહિ,છતાં પણ તમે સાંભળો.જે જન્મતાં જ,શિયાળવાની જેમ ભૂંડું ભૂંક્યો હતો,તે પાપી ચિત્તવાળો અને ભરતવંશનો નાશ લાવનારો આ દુર્યોધન તમારા સર્વનાશના હેતુરૂપ થયો છે.

તમે મોહને લીધે એને ઓળખતા નથી,પણ આ વિશેના શુક્રાચાર્યના જે નીતિવચન છે તે કહું છું,સાંભળો.(4)

જે રીતે,મધ ભેગું કરનાર મનુષ્ય,મધ જોઈને પર્વતની ટોચે ચઢી જાય છે ને તે વખતે તે 'ખીણમાં ગબડી પડીશ'

એને યાદ કરતો નથી,ને છેવટે તે ખીણમાં પાડીને મરે છે,તેવી રીતે,મધરૂપી-પાસાખેલમાં મત્ત થયેલો દુર્યોધન  વિચાર કરતો નથી.મહારથીઓ સાથે વેર કરવાથી તેનું જે પતન થશે તેને તે જાણતો નથી.


હે રાજન,મને યાદ છે કે,પૂર્વે ભોજવંશમાં જન્મેલા આવા એક અવળચંડા પુત્રને (કંસને) નગરજનોની હિતની ઈચ્છાથી ત્યજી દીધો હતો,ને અંધકો,ભોજો ને યાદવોની ઈચ્છાથી શ્રીકૃષ્ણે જયારે તેને હણ્યો ત્યારે તે સર્વ જ્ઞાતિજનોને આનંદ થયો હતો,તો તમે પણ આજ્ઞા આપો એટલે અર્જુન એ દુર્યોધનનો નિગ્રહ કરે.(9)


હે મહારાજ,એક કાગડાના બદલામાં તમે આ પાંડવોરૂપી મયૂરોને ખરીદી લો.એક શિયાળના બદલામાં તમે આ સિંહ જેવા પાંડવોને વેચાણ લો.કુળના હિત માટે એક માણસનો ત્યાગ થાય,ગામના હિત માટે એક કુળનો ત્યાગ થાય,દેશના હિત માટે એક ગામનો ત્યાગ થાય ને આત્મહિત માટે સમગ્ર પૃથ્વીનો ત્યાગ થાય.

આ સર્વ શુક્રાચાર્યે અસુરોને (જંભને ત્યજવાના પ્રસંગે) કહ્યું હતું.


હે રાજન,કોઈ એક રાજાએ,સુવર્ણ થૂંકનારાં પક્ષીઓને લોભથી ઘરમાં વસાવ્યાં હતાં,ને વધુ લોભની ઈચ્છાથી તેમને મારી નાખ્યાં,ત્યારે તેણે વર્તમાન ને ભવિષ્યના-એ બંને લાભોનો નાશ કર્યો હતો,તેમ,લક્ષ્મીના મોહમાં પાડીને તમે પાંડવોનો દ્રોહ કરશો નહિ,નહીંતર,છેવટે તો તમને તે પક્ષી મારનારના જેમ પસ્તાવો જ કરવો પડશે.(15)


હે ભારત,જેમ,માળી,ઉદ્યાનના વૃક્ષો પાર વારંવાર વહાલ બતાવીને,તેના પાર આવેલા પુષ્પોને ચૂંટે છે,તેમ,

તમે પણ,પાંડવો પર માયા રાખીને,તેમના તરફથી ઉત્પન્ન  થતા,લાભ-રૂપી પુષ્પને જ ગ્રહણ કરો.પણ,

અંગારિયાની જેમ,તે વૃક્ષોને સમૂળગાં બાળી મુકો નહિ.પુત્ર,અમાત્ય ને સૈન્ય સાથે તમે યમને દ્વારે જવાનું સાહસ કરશો નહિ,કેમ કે ભેગા મળેલા આ પૃથાનંદનો સાથે કોણ બાથ ભીડી શકે તેમ છે?

દેવોના સાથવાળા ઇન્દ્ર પોતે પણ તેમની સાથે બાથ ભીડવાનું સાહસ કરી શકે તેમ નથી (18)

અધ્યાય-62-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE