Aug 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-266

 
અધ્યાય-૫૮-યુધિષ્ઠિરનું દ્યુત માટે આવવું 

II वैशंपायन उवाच II

ततः प्रायाद्विदुरोSश्चैरुदारैर्महाजवैर्बलिभिः साधुदान्तैः I बलान्नियुक्तो धृतराष्ट्रेण राज्ञामनिपिणां पांडवानां सकाशे II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,બળજબરીથી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,વિદુરજી,ઊંચી જાતના,મહાવેગવાળા ઘોડાઓ

જોડેલા રથમાં બેસીને પાંડવો પાસે ગયા.નગરમાં સર્વેનો સત્કાર પામીને તેઓ યુધિષ્ઠિર પાસે ગયા.

યુધિષ્ઠિરે તેમને યથાવિધિ માનપૂજા આપીને ધૃતરાષ્ટ્ર-આદિ સર્વના કુશળ પૂછ્યા (4)

યુધિષ્ઠિર બોલ્યા-હે વિદુરજી તમારા મનમાં કંઈ ખેદ જણાય છે.તમે કુશળતાથી તો આવ્યા છો ને ?

વૃદ્ધ ધૃતરાષ્ટ્રના પુત્રો તો તેમને અનુકૂળ થઈને રહે છે ને?પ્રજા તેમને વશ વર્તે છે કે?

વિદુર બોલ્યા-હે રાજન,ધૃતરાષ્ટ્ર તો પુત્રો સહીત કુશળ છે,ને જ્ઞાતિજનોથી ઘેરાયેલ તે ઇન્દ્રના જેવું ભાગ્ય ભોગવે છે.

એ કુરુરાજે તમારી કુશળતા ને ઐશ્વર્યવૃદ્ધિ પૂછીને તમને કહેવડાવ્યું છે કે-'હે પુત્ર,તારા ભાઈઓની આ નવી સભા,

તારી સભાના જેવી છે,તો તું આવીને જો,ભાઈઓને મળીને તું એ સભામાં મૈત્રીભર્યું ધૂત રમ ને આનંદ કર,તારા મેળાપથી અમે આનંદ પામશું,અને અહીં સર્વે કુરુઓ પણ ભેગા થયા છે' માટે તમે રાજઆજ્ઞા સ્વીકારો.(9)


યુધિષ્ઠિર બોલ્યા-હે વિદુરજી,જુગાર ખેલાવાથી અમારામાં કજિયો ઉઠશે,જાણીજોઈને કયો માણસ 

દ્યુતને પસંદ કરે?તમે આ શું યોગ્ય માનો છો? જો કે અમે સર્વ તો તમારા વચનને આધીન છીએ.

વિદુર બોલ્યા-હું જાણું છું કે જુગાર અનર્થનું મૂળ છે,એ અટકાવવા મેં પ્રયત્ન પણ કર્યો હતો,

છતાં,ધૃતરાષ્ટ્રે મને તમારી પાસે મોકલ્યો છે,તો આ સાંભળીને તમને જે કલ્યાણકારી જણાય તે કરો.


યુધિષ્ઠિર બોલ્યા-હે વિદુરજી,રાજા ધૃતરાષ્ટ્રના પુત્રો ઉપરાંત ત્યાં બીજા કયા ખેલાડી જુગારીઓ છે?

કે જેમની સાથે અમારે સેંકડોની હોડ મૂકીને રમવાનું છે? તેમનાં નામ મને કહો.


વિદુર બોલ્યા-દ્યુતની મર્યાદાને મૂકીને રમનારો,ને પાસાં ફેંકવામાં અતિ ચાલાક અને પાસાના રહસ્યોને જાણનાર એવો ગાંધારરાજ શકુનિ ઉપરાંત વિવીંશાંતિ,ચિત્રસેન,સત્યવ્રત,પુરુમિત્ર અને જય ત્યાં આવેલા છે.

યુધિષ્ઠિર બોલ્યા-સાચે જ ત્યાં તો મહાભયંકર,કાપતી અને ધૂર્ત ખેલાડીઓ એકઠા થયા છે.ખરે,આ જગત,

વિધાતાની આજ્ઞાથી દૈવને જ આધીન થઇ રહ્યું છે,તે સ્વતંત્ર જ નથી.ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી હું ધયતમાં જવા ઈચ્છું નહિ એમ બને નહિ કેમ કે પિતા,પુત્રનો સદા પૂજનીય છે.તેથી તમે કહ્યું તેમ હું કરીશ.જો કે હું શકુનિ સાથે દ્યુત રમવા ઈચ્છતો નથી,પણ જો એ ભરીસભામાં આહવાન આપે,ને એકવાર મને બોલાવવામાં આવે 

તો પછી હું કદી ના પાડતો નથી,કેમ કે તેવો મારો હંમેશનો નિયમ છે.(16)


વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરે પ્રયાણ માટેની સર્વ તૈયારીઓ કરવાની આજ્ઞા આપી ને બીજા દિવસે,દ્રૌપદીને આગળ રાખીને પોતાના સ્વજનો ને સેવકો સાથે પ્રયાણની તૈયારી કરી..ધૃતરાષ્ટ્રના કહેનને સહન ન કરનારા યુધિષ્ઠિરે વિદુરજીને કહ્યું કે-'જેમ,સામેથી પડતું તેજ આંખોને ઝંખવી નાખે છે તેમ,દૈવ,મનુષ્યની બુદ્ધિને હરી લે છે,અને તેથી પાશ વડે પકડાયેલા મનુષ્યની જેમ,તે વિધાતાના દોરમાં વર્તે છે' આમ કહી,તે વિદુરની સાથે બાહલીકે  આપેલા રથમાં વિરાજ્યા ને ભાઈઓ,સ્વજનો ને બ્રાહ્મણોને આગળ કરી હસ્તિનાપુર પહોંચ્યા.(21)


ને ત્યાં પહોંચીને તેઓ,ધૃતરાષ્ટ્ર,ભીષ્મ,દ્રોણ,અશ્વસ્થામા,દુર્યોધન ને તેના ભાઈઓ,ગાંધારી આદિ સર્વને યથાવિધિ મળ્યા.ને પછી,સ્નાન ને ભોજન લઈને પોતાને આપેલા સ્થાને જઈને નિંદ્રા વશ થયા.બીજે દિવસે સવારે વહેલા જાગીને,સર્વ નિત્યકર્મો કરીને,જુગારીઓથી અભિનંદન પામતા તેઓ દ્યુત સભામાં જઈને બેઠા.(38)

અધ્યાય-58-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE