અધ્યાય-૫૬-દ્યુત રમવાની ધૃતરાષ્ટ્રે આપેલી સંમતિ
II शकुनिरुवाच II यां त्वमेवां श्रियं द्रष्ट्वा पांदुपुत्रे युधिष्ठिरे I तप्यसे तां हरिष्यामि ध्यूतेन जयतांवर II १ II
શકુનિ બોલ્યો-હે દુર્યોધન,પાંડુપુત્ર યુધિષ્ઠિરની લક્ષ્મી જોઈને તું સંતાપ કરી રહ્યો છે,પણ તેને હું દ્યુત વડે,તારા માટે
હરી લઈશ.સંશય પામ્યા વિના,તેને અહીં બોલાવો.દ્યુતવિદ્યાને જાણનારો હું,તે દ્યુતવિદ્યાને ન જાણનારા પાંડવોને હું પાસા નાખીને જીતી લઈશ.પાસા મારાં બાણ છે,ને દાવ મારુ ધનુષ્ય છે,પાસાના દાણા મારી પણછ છે,ને પાસા ઢાળવાનું સ્થાન મારો રથ છે,કે જેથી સેના કે યુદ્ધ વિના હું તેમને જીતી લઈશ.એમ તું જાણ.(3)
દુર્યોધન બોલ્યો-હે મહારાજ,આ દ્યુતને જાણનારા શકુનિથી શત્રુની લક્ષ્મી જીતી શકાશે તો તમે સંમતિ આપો.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હું તો વિદુરની આજ્ઞામાં વર્તુ છું એટલે તેને મળીને આ વિશેનો નિર્ણય જણાવીશ.
દુર્યોધન બોલ્યો-હે રાજન,એ વિદુર તમારો વિચાર ફેરવી નાખશે,કેમ કે તે જેવો પાંડવોના હિતમાં રહ્યો છે તેવો મારા હિતમાં રહ્યો નથી.મનુષ્યે પોતાના કાર્યનો આરંભ બીજાના સામર્થ્ય પર આધાર રાખીને કરવો જોઈએ નહિ.
કાર્યોના સંબંધમાં બે જણની મતિ એકસરખી કદી હોતી નથી.જે મંદબુદ્ધિ મનુષ્ય,ભયની શંકાવાળાં કાર્યોને દૂર રાખીને પોતાની જાતને સંભાળ્યા કરે છે,તે ચોમાસામાં ભીંજાઈ ગયેલી સાદડીની જેમ બેઠોબેઠો જ ખવાઈ જાય છે.
વ્યાધિઓ અને યમરાજા,આપણું મંગલ થાય ત્યાં સુધી રાહ જોતા નથી,એટલે મનુષ્ય જ્યાં સુધી સામર્થ્યવાળો હોય ત્યાં સુધી તેણે મંગળ થાય તે માટે મથ્યા કરવું જોઈએ.(9)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-બેટા,બાળવાનોની સાથે વિગ્રહ કરવો એ મને કદી રુચતું નથી.વે,એ વિકારને જન્માવે છે,
ને તે વેર જ વગર લોઢાનું શસ્ત્ર છે.તું દ્યુતરૂપ અનર્થને અર્થરૂપ માને છે,પણ તે કજિયાની મહાજાળ ઉભી કરશે.
એકવાર જુગટુ રમાશે એટલે તે કોઈ પણ રીતે તીક્ષણ બાણો ને તલવારો બહાર પાડશે
દુર્યોધન બોલ્યો-પ્રાચીન કાળના રાજાઓ જુગાર રમ્યા હતા,તેમાં તેમનો નાશ થયો નથી કે યુદ્ધ પણ થયું નથી.
તો હવે શકુનિના વચનને પસંદગી આપી સભા રચવાની આજ્ઞા આપો.આપણા માટે એ જ સ્વર્ગદ્વાર છે.
દ્યુત રમનારાઓને સ્વર્ગસુખ સહજ છે.ને આમ કરવાથી આપણે પાંડવોના બરોબરિયા થઈશું.
માટે,તમે પાંડવોની સાથે દ્યુત રમવાનો પ્રબંધ કરો. (13)
ધૃતરાષ્ટ્ર બોલ્યો-તું જે વચન બોલ્યો છે તે મને રુચતાં નથી,ભલે તને જે ગમે તે કર.પણ,આ વચન સંભાળીને તું ભવિષ્યમાં પસ્તાશે,કેમ કે તારું આ વચન અધર્મયુક્ત છે,અને ભવિષ્યમાં કલ્યાણકારી નથી.બુદ્ધિ ને વિદ્યાને અનુસરનારા દૂરદર્શી વિદુરે આ બધું આગળથી જોઈને ભાખ્યું છે કે ક્ષત્રિયોની સર્વસંહાર કરનારો
એ મહાન ભય દુર્ભાગ્યથી અત્યારે સામે આવીને ઉભો થઇ ગયો છે.(15)
વૈશમ્પાયન બોલ્યા-આમ કહીને દૈવથી મૂઢચિત્ત થયેલા તે ધૃતરાષ્ટ્રે ભાગ્યને જ શ્રેષ્ઠ ને દુસ્તર માન્યું,ને પુત્રના વચનને માન્ય રાખીને તેણે સેવકોને ઊંચે સવારે આજ્ઞા આપી કે-'એક મોટી 'તોરણસ્ફટિક' નામની સભા
તમે તત્કાલ બનાવીને મને જાણ કરો' થોડા સમયમાં જ શિલ્પીઓએ એવી સભા તૈયાર કરીને રાજાને જાણ કરી.
ત્યારે ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાવીને કહ્યું કે-'તમે રાજપુત્ર યુધિષ્ઠિર પાસે જઈને મારી આજ્ઞાથી તેમને અહીં લઇ આવો,
યુધિષ્ઠિર અહીં આવીને આ મહામોંઘી,સોહામણી સભાને જુએ અને ભાઈઓ સાથે મૈત્રીભાવે દ્યુત રમે.(21)
અધ્યાય-56-સમાપ્ત
અધ્યાય-૫૭-યુધિષ્ઠિરને તેડી લાવવાની ધૃતરાષ્ટ્રની આજ્ઞા
II वैशंपायन उवाच II मतमाज्ञाय पुत्रस्य धृतराष्ट्रो नराधिपः I मत्वा च दुस्तरं दैवमेतद्राजंश्च कार ह II १ II
વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે,પોતાના પુત્રનો મત માન્ય કરીને તેમ જ દૈવને દુસ્તર માનીને,અન્યાયપૂર્વક વિદુરને
યુધિષ્ઠિરને તેડી લાવવાની આજ્ઞા આપી ત્યારે વિદુરે પોતાના ભાઈના વચનને અભિનંદન ન આપતાં કહ્યું કે-
'હે રાજન,હું તમારી આજ્ઞાને સ્વીકારવા યોગ્ય માનતો નથી.તમે આવું ન કરો.હું કુળના નાશથી ડરું છું.
મને શંકા છે કે દ્યુતના કારણે તમારા પુત્રોમાં ભેદ પડશે અને તેથી નિઃસંશય કલહ જાગશે.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,જો દૈવ પ્રતિકૂળ નહિ હોય,તો કજિયો ઉભો થશે નહિ ને સંતાપ આપશે નહિ.
આ સારું એ જગત સ્વતંત્ર નથી,તે તો દૈવને અધીન રહીને વિધાતાની પ્રેરણા પ્રમાણે જ ચેષ્ટા કરે છે,
તો હે વિદુર,તું યુધિષ્ઠિર પાસે જ ને મારી આજ્ઞાથી તેને સત્વર અહીં તેડી લાવ (5)
અધ્યાય-57-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE