Aug 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-264

 
અધ્યાય-૫૫-દુર્યોધનનો પ્રલાપ 

II दुर्योधन उवाच II यस्य नास्ति निजा प्रज्ञा केवलं तु बहुश्रुतः I न स जानाति शास्त्रार्थं दवीं सूपरमानिव II १ II

દુર્યોધન બોલ્યો-જેને પોતાની બુદ્ધિ જ નથી ને જેણે માત્ર ખુબ ભણી જ જાણ્યું છે,તે મનુષ્યને શાસ્ત્રના રહસ્યની સમજ

હોતી નથી.એતો જેમ કડછી,ખીરનો સવડ જાણી ન શકે-તેના જેવું જ છે.હે પિતા,તમે સમજો છો,છતાં 

મને,એક નાવે બાંધેલી બીજી નાવની જેમ વમળમાં નાખી રહયા છો.તમને શું સ્વાર્થની પડી જ નથી? કે તમે મારો દ્વેષ

કરી રહયા છો? આ ધૃતરાષ્ટ્ર પુત્રો હવે નાશ જ પામ્યા છે કેમ કે દ્યુતકાર્યથી,શત્રુની લક્ષ્મી હરી લેવાનું જે 

આપણું પ્રયોજન છે તેને તમે ભવિષ્ય પર નાખો છો.ને તેને બદલે તમે યજ્ઞની વાત કરવા બેઠા છો.(3)

જેનો આગેવાન,પારકાની બુદ્ધિએ ચાલનારો છે,તે સહેજે રસ્તે ભૂલો પડે છે,પછી,તેને પગલે ચાલનારા તો કેમ કરીને સાચા માર્ગને અનુસરી શકે? જે મહારાજ,તમે પક્વ બુદ્ધિવાળા ને જિતેન્દ્રિય છો,છતાં તમે સ્વકાર્ય સાધવાનો સજ્જ થયેલા એવા અમને અત્યન્ત ભ્રમમાં નાખી રહ્યા છો.બૃહસ્પતિએ રાજવ્યવહારને,લોકવ્યવહારથી જુદો કહ્યો છે,તેથી રાજાએ સાવધાન રહીને નિત્ય સ્વાર્થનું જ ચિંતન કરવું જોઈએ.ક્ષત્રિયની આજીવિકા જય પર જ બંધાયેલી હોય છે,એટલે તે ધર્મ હોય કે અધર્મ હોય,તો પણ પોતાની જે આજીવિકા છે,તેને વિષે વિચારવાનું જ કેમ? (7)


હે ભરતોત્તમ,જેમ,સારથિ,ઘોડાઓને ચાબુકથી વશ કરે છે,તેમ શત્રુની લક્ષ્મી હાથ કરવા ઇચ્છનારે સર્વ દિશાઓના શત્રુને વશ કરવા જોઈએ.ગુપ્ત કે જાહેર જે ઉપાય શત્રુને બાધા કરી શકે,તે જ શસ્ત્રરૂપ  છે.

એવો કોઈ લેખ કે આંકડો નથી કે જેનાથી,અમુક શત્રુ છે ને અમુક મિત્ર મિત્ર છે એમ જાણી શકાય,પણ જે 

સંતાપ આપે છે તે જ શત્રુ કહેવાય છે.વળી,અસંતોષ એ જ લક્ષ્મીનું મૂળ છે,ને તેથી જ હું વધુ લક્ષ્મીની કામના 

કરું છું.ને વિદ્વાનો કહે છે કે-જે મનુષ્ય પુરી ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે તે જ નીતિજ્ઞ છે.(11)


માટે,રાજાઓએ પોતાની પાસે જે ધન હોય,તેટલા ધન પર મમત્વ રાખીને બેસી રહેવું જોઈએ નહિ,કેમ કે એ પ્રાપ્ત કરેલા ધનને કોઈ વખતે બીજાઓ હરી જાય છે.દ્રોહ ન કરવાની પ્રતિજ્ઞા છતાં,ઇન્દ્રે,શત્રુ નમુચીનું માથું કાપી નાખ્યું હતું,ને તેથી શત્રુ પ્રત્યેની તેની એવી વૃત્તિ સનાતન મનાઈ છે.જેમ,સર્પ દરમાં રહેનારાં દેડકાં-આદિને ગળી જાય છે તેમ,કોઈની સાથે વિરોધ ન કરનાર રાજા ને પ્રવાસ ન કરનારો સન્યાસી,બંનેને પૃથ્વી ગળી જાય છે.

હે પૃથ્વીપતિ,માણસને જન્મથી કોઈ વેરી હોતો નથી,પણ જેની સાથે એને સમાન આજીવિકા છે તે જ તેનો શત્રુ છે,બીજો કોઈ તેનો શત્રુ હોતો નથી.જો,શત્રુની ચડતી સમૃદ્ધિને જોઈ,જે ભ્રમમાં રહી બેદરકાર રહે છે તેને 

તે શત્રુ ,રોગની જેમ વધીને તેને મૂળથી ઉખેડી નાખે છે.માટે હે રાજન તમે શત્રુની લક્ષ્મી જોઈને રાજી ન થાઓ.


જે માણસ,જીવનની વૃદ્ધિની જેમ,ધનની વૃદ્ધિ ઇચ્છયા કરે છે,તે જ નિઃસંશય ચડતી ભોગવે છે.મેં એ પાંડવોનું ઐશ્વર્ય જોયું ન હોત તો મને આવો તર્ક પ્રાપ્ત થયો ન હોત,પણ,હવે તે જ રાજલક્ષ્મી હું પ્રાપ્ત કરીશ અથવા તો રણમાં રોળાઈને શયન કરીશ.હે રાજન,પાંડવો નિત્ય વૃદ્ધિ પામી રહ્યા છે અને આપણી ચડતીનું તો કોઈ ઠેકાણું નથી,તો આ સ્થિતિમાં જીવ્યા કરવામાં મારે પ્રયોજન પણ શું બળ્યું છે? (21)

અધ્યાય-55-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE