Aug 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-259

 
અધ્યાય-૫૦-દ્યુત માટે ધૃતરાષ્ટ્રનો નિષેધ-દુર્યોધનનો બળાપો 

II जनमेजय उवाच II कथं समभवदध्युतं भ्रातृणां तन्महात्ययम् I यत्र तद्वयमनं पांडवैमें पितामहैः II १ II 

જન્મેજય બોલ્યા- જે જૂગટામાં,મારા પિતામહ પાંડવોને મહાસંકટ આવી પડ્યું હતું,તે ભાઈઓના મહાવિનાશ 

લાવનારું,જુગટુ કેવી રીતે રમાયું હતું?તેમાં કયાકયા સભાસદો હતા? કોણે કોણે તેને અનુમોદન આપ્યું હતું?

મેં કોણે કોણે તેનો વિરોધ કર્યો હતો? હું આ સર્વ વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (3)

વૈશંપાયન બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,જો તમને એ સાંભળવાની ઈચ્છા છે તો વિસ્તારપૂર્વક એ કથાને ફરીથી સાંભળો.

ધૃતરાષ્ટ્રે,વિદુરનો મત જાણીને,એકાંતમાં દુર્યોધનને કહ્યું કે-'હે પુત્ર,બહુ થયું,આ દ્યુતની વાતથી ! વિદુર એને વખાણતો નથી,એ આપણા અહિતનું કદાપિ કહે નહિ.તું એના પ્રમાણે જ કર,મને એમાં જ તારું હિત છે.

બૃહસ્પતિએ જે શાસ્ત્ર દેવરાજને કહ્યું હતું,તે બધું વિદુર રહસ્યસહિત જાણે છે,માટે હું પણ સદા તેના વચનમાં રહીને વર્તુ છું.જેમ,ઉદ્ધવ યદુવંશીઓમાં શ્રેષ્ઠ મનાય છે તેમ વિદુર પણ કુરુવંશીઓમાં શ્રેષ્ઠ છે.માટે,તું જુગાર રમવાનું માંડી વાળ.કેમ કે જુગારમાં વેર જ થતું હોય છે અને વેર વડે રાજ્યનો વિનાશ થાય છે.


પિતા અને માતાએ,પુત્રનું જે પરમ કાર્ય કરવાનું કહ્યું છે તે અમે કર્યું છે,તું બાપદાદાનું રાજ્ય પ્રાપ્ત કરી ચુક્યો છે.

તું ભણ્યો છે,શાસ્ત્રમાં કુશળ થયો છે ને ઘરમાં સદૈવ લાડથી ઉછર્યો છે.મોટોભાઈ હોઈને તું રાજગાદીએ બેઠો છે,

તો તેનાથી વધુ રૂડું શું હોઈ શકે? તારી પાસે વિશાળ રાજ્ય છે,તારી આણ ચાલે છે,તો તને દુઃખ કરી રહેલા શોકનું સાચું કારણ શું છે? તારે મને એ કહેવું જોઈએ.(16)


દુર્યોધન બોલ્યો-હું તો પાપી પુરુષ છું,શત્રુનો ઉદય થતો જોવા છતાં,હું ખાનપાન કરું છું,જે મનુષ્ય,શત્રુની ચડતી જોઈને દ્વેષ કરતો નથી તે અધમ કહેવાય છે.સાધારણ લક્ષ્મી મને પ્રસન્ન કરતી નથી,સમસ્ત પૃથ્વીની લક્ષ્મી યુધિષ્ઠિરના વશમાં આવેલી જોઈને મારા કાળજામાં તીર ભોંકાય છે.હું પથ્થર જેવો છું,એટલે જ જીવ્યા કરું છું,

અત્યંત દુઃખી થઈને હું આ વાત તમને કહું છું.મોટા મોટા રાજાઓ યુધિષ્ઠિરના ભવનમાં દાસની જેમ વર્તતા હતા,

ને અમુક નાના રાજાઓને તો ભીડને લીધે યુધિષ્ઠિરના ભવનમાં પ્રવેશ પણ મળ્યો નહોતો.


મને જ્યેષ્ઠ માનીને,યુધિષ્ઠિરે મને રત્નોની ભેટ લેવાના કાર્યમાં નીમ્યો હતો,ને તે સંપત્તિ લેતાં મારો હાથ થાકી જતો હતો.કેટલાય લોકો તો દૂરથી જ પોતાની સાથે લાવેલી સંપત્તિઓ,હાથમાં પકડીને વાટ જોતા ઉભેલા હતા.

હે પિતા,એ સભામાં મયદાનવે,બિંદ્દુસરોવરનાં રાતનો વડે આરસજડ્યું જે કૃત્રિમ કમલ સરોવર બનાવ્યું છે તેને પાણીથી ભરેલું માનીને મેં વસ્ત્રો ઊંચાં કરી લીધા હતા,ત્યારે ભીમ મારા પર હસ્યો હતો.જો હું સમર્થ હોત તો મેં ભીમને મારવાનું સાહસ કર્યું હોત,પણ,'મારી વલે પણ કદાચ શિશુપાલ જેવી થાય !' એમ સમજી હું મૂંગો રહ્યો,

પણ ભીમની તે હાંસી મને બાળી રહી છે.


હે પિતા,એવી જ બીજી કમળોથી શોભતી વાવને શિલા માનીને હું તેના પાણીમાં પડી ગયો હતો,તે વખતે,

કૃષ્ણ ને અર્જુન મારી સામે હસતા હતા.અને દ્રૌપદીએ પણ સ્ત્રીઓ સાથે હસીને મારા હૃદયમાં શૂળ ભોંક્યાં.

રાજાની આજ્ઞાથી સેવકો મારે માટે નવાં વસ્ત્રો લાવ્યા તેનું પણ મને ભારે દુઃખ છે.વળી,હું બીજી છેતરામણમાં 

પડ્યો હતો,તે કહું છું.દરવાજો નહિ પણ દરવાજા જેવા જણાતા એક સ્થાનમાંથી હું બહાર નીકળવા ગયો,

ત્યારે તેની સાથે ભટકાઈને મારુ કપાળ ફૂટી ગયું ત્યારે નકુલ ને સહદેવે મને હાથો વડે પકડી લીધો,ને 

મને કહેવા લાગ્યા કે-'રાજાજી,બારણું આ રહ્યું,અહીંથી જાઓ' ને તે જ વખતે ભીમસેને મને 

'ધૃતરાષ્ટ્રનો (આંધળાનો) પુત્ર; એમ સંબોધન કર્યું હતું.ને મને કહ્યું-રાજન દરવાજો અહીં છે' 

તે બેઈજ્જતીની વાત  સંભાળી હું હજી ગુસ્સાથી બળી રહ્યો છું.

ને,તે સભામાં મેં જે રત્નો જોયાં હતાં,તેનાં નામો સુદ્ધાં મેં પૂર્વે સાંભળ્યાં નહોતાં.તે વાતને યાદ કરીને 

મારું મન દ્વેષના લીધે અત્યંત બળી રહ્યું છે.(36)

અધ્યાય-50-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE