Aug 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-257

 
અધ્યાય-૪૮-શકુનિએ દુર્યોધનને આપેલું આશ્વાસન 

II शकुनि उवाच II दुर्योधन न तेSमर्पः कार्यः प्रति युधिष्ठिरम् I भागवेयानि हि म्लानि पांडवा भुंजतेसदा II १ II

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,તારે યુધિષ્ઠિર બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી,કેમ કે પાંડવો સદૈવ પોતાના ભાગ્યને જ ભોગવે છે.પૂર્વે,તેં,એમના નાશ માટે અનેક ક્રિયાઓ કરી હતી,પણ તું એમનો નાશ કરી શક્યો નથી.

વળી,તેઓ દ્રૌપદીને પત્ની તરીકે પામ્યા છે,ને સાથે તેઓ પૃથ્વીજય મેળવવામાં સહાયભૂત થાય એવા દ્રુપદને,

તેના પુત્રોને ને વાસુદેવને તેમણે મેળવ્યા છે.કાર્યમાં નિરાશ ન થયેલા તે પાંડવોએ પોતાના પિતાના રાજ્યમાંથી  

ભાગ મેળવ્યો છે ને પોતાના પ્રતાપથી તેને વધાર્યો છે,તો તેનો શોક શો? (5)

અગ્નિદેવને સંતોષ આપીને,અર્જુને,ગાંડીવ,બે અક્ષય ભાથાં,ને દિવ્ય અસ્ત્રોને મેળવ્યાં,ને તે અસ્ત્રોથી ને પોતાના ભુજબળથી એણે રાજાઓને અધીન કર્યા છે તો તેનો શોક શો? તે અર્જુને મયદાનવને અગ્નિના દાહમાંથી બચાવ્યો,ને તેની પાસે દિવ્ય સભા બનાવડાવી,ને તે મયના કહેવાથી કિંકર નામના ભયંકર રાક્ષસો તે સભાને ઊંચકીને ફરે છે,તો તેનો શોક શો? હે રાજન,તું પોતાને સહાય વિનાનો કહે છે,માટે તે મિથ્યા છે,કેમ કે 

તારા આ સર્વ ભાઈઓ તારે વશ છે,વળી,દ્રોણ,અશ્વસ્થામા,કર્ણ,કૃપાચાર્ય આદિ અને હું ને મારા ભાઈઓ 

એ સર્વ તારા છે,તે સર્વને સાથે રાખીને તું સમગ્ર વસુંધરા પર વિજય મેળવ.(12)


દુર્યોધન બોલ્યો-હે મામા,તમે સંમતિ આપતા હો,તો તમારી સાથે ને બીજા મહારથીઓ સાથે મળીને,હું પાંડવોને જીતી લઈશ એટલે આ પૃથ્વી,સર્વ પૃથ્વીપાલો અને મહામૂલી એ સભા,તે સર્વ મારે સ્વાધીન થશે (14)

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,તું એ જાણે છે કે,અર્જુન,વાસુદેવ,ભીમ,યુધિષ્ઠિર,નકુલ,સહદેવ,દ્રુપદ અને તેના પુત્રો,

એ સહુને દેવગણો પણ યુદ્ધમાં હરાવી શકે તેમ નથી,યુદ્ધમાં તેઓ દુઃસહ  છે,તેમ છતાં,એકલા યુધિષ્ઠિરને 

કઈ રીતે જીતી શકાય? તે હું જાણું છું,તું એ સાંભળ.યુધિષ્ઠિરને જૂગટાનો શોખ છે,પણ તેને (મારા જેવું) જુગટું રમતાં આવડતું નથી,એને આપણે જુગટું રમવા બોલાવીશું તો તે ના પાડી શકશે નહિ.

પાસા નાખવામાં આ ત્રણે લોકમાં મારા જેવો કોઈ કુશળ નથી,તો તેને તું જૂગટા માટે આમંત્રણ આપ.

તો પાસામાં નિષ્ણાત એવો હું,તેનું રાજ્ય ને તેની લક્ષ્મી,એ બધું,તારા માટે હું ચોક્કસ જીતી લઈશ.

તું આ વિશે,ધૃતરાષ્ટ્રને જણાવ,તારા પિતા જૂગટાની રજા આપે,તો હું યુધિષ્ઠિરને નિઃસંશય હરાવીશ,(22)

દુર્યોધન બોલ્યો-હે સુબલપુત્ર,તમે જ કુરુઓમાં મુખ્ય એવા ધૃતરાષ્ટ્રને આ વાત યથાવિધિ કરો,

કેમ કે મારાથી તેમને આ વાત કહી શકાય તેમ નથી.(23)

અધ્યાય-48-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE