II वैशंपायन उवाच II वसन् दुर्योधनस्तस्यां सभायां पुरुषर्पम I शनैर्ददर्षतां सर्वा सभां शकुनिना सह II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજન,દુર્યોધન,તે વખતે મામા શકુનિ સાથે આખી સભાને ધીરે ધીરે જોઈ વળ્યો હતો.
પોતે પૂર્વે કદી નહિ જોયેલી,દિવ્ય સજાવટો તેણે તે સભામાં જોઈ.એક વાર જ્યાં સ્થળ હતું ત્યાં જળનો ભ્રમ થતાં,
તેણે પોતાના વસ્ત્રો ઊંચકી લીધાં,ને પોતે ભોંઠો પડી ગયો,ને બીજી વખતે જ્યાં જળ હતું ત્યાં સ્થળનો ભ્રમ થતાં,
તે પાણીમાં પડી ગયો.તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન અને ભાઈઓ હસી પડ્યા,ને તેને નવાં વસ્ત્રો આપ્યાં.
પણ,તેમને હસતા જોઈને ચિડાઈ ગયેલો દુર્યોધન તેમને હસતા સાંખી શક્યો નહિ.(9)
પછી,એ દુર્યોધન,આરસના એક બંધ બારણાને ઉઘાડું માનીને તેમાં પ્રવેશવા ગયો ત્યારે તેને માથે ચોટ વાગી ને
તે લથડી ગયો.ને આગળ જતા એક ખુલ્લા દ્વારે ગયો ને તે બંધ હોવાનો ભ્રમ થવાથી ત્યાંથી પાછો ફર્યો.
આવી અનેક ભૂલભૂલામણીથી છેતરાઈને,તેમ જ તે રાજસૂય મહાયજ્ઞની અદભુત સમૃદ્ધિ જોઈને તે
અપ્રસન્ન મનથી યુધિષ્ઠિરની આજ્ઞા લઈને હસ્તિનાપુર પાછો ગયો.દ્વેષથી સળગી રહેલો તે વિચારમગ્ન રહ્યો,
ને તેના મનમાં પાપી વિચારો ઉદ્ભવવા લાગ્યા.મામો શકુનિ તેને વારે વારે બોલાવતો હતો,પણ તે તેને કોઈ
ઉત્તર આપતો નહોતો.મામાએ ફરીફરી તેને નિસાસા નાખવાનું કારણ પૂછ્યું.ત્યારે દુર્યોધન બોલ્યો-(21)
'હે મામા,અર્જુનના શસ્ત્રપ્રતાપથી આખી પૃથ્વીને યુધિષ્ઠિરના વશમાં આવેલી જોઈને,તેમ જ ઇન્દ્રના જેવા
મહાકાંતિવાળા રાજસૂય યજ્ઞને જોઈને મને નખશિખ સુધી ઈર્ષા જાગી છે.ને તેથી હું બળી રહ્યો છું.
શ્રીકૃષ્ણે જયારે શિશુપાલને મારી નાખ્યો,ત્યારે,પાંડવોના પ્રતાપથી જ ત્યાં કોઈ પણ રાજા તેની મદદે ઉભો થયો નહોતો,બાકી કોણ એને સહન કરી શકે? કર ભરનારા વૈશ્યોની જેમ,અનેક રાજાઓ વિવિધ રત્નો લાવીને,
તે યુધિષ્ઠિરની સેવા કરતા હતા,તે અને યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મી જોઈને હું દ્વેષને લીધે બળ્યા કરું છું.(30)
હે મામા,હું આગમાં પ્રવેશીશ,ઝેર ખાઈશ કે જળમાં પડીને મરી જઈશ,હું હવે જીવી શકીશ નહિ,કેમ કે
આ સંસારમાં એવો કયો પુરુષ,પોતાના શત્રુઓને ઉન્નત થતા જોઈને,પોતાને હીન થતા જોઈ શકે?
પુરુષનું અભિમાન રાખનારે કંઈકે તો કરી બતાવવું જોઈએ ને?હું એકલે હાથે તે યુધિષ્ઠિરની લક્ષ્મીને હરી શકું
તેમ નથી,ને મને કોઈ સાથી જણાતો નથી,એટલે જ શરમથી હું મૃત્યુનો વિચાર કરું છું.તેમની લક્ષ્મીને જોઈને મને લાગે છે કે,દૈવ જ બળવાન છે,પુરુષાર્થ તો નિરર્થક છે.મેં પૂર્વે એમના વિનાશ માટે પ્રયત્ન કર્યો હતો,પણ,
તેઓ તો તે બધું વટાવીને જળમાં કમળની જેમ વિકાસ જ પામે જાય છે.(37)
ધૃતરાષ્ટ્રના પુત્રો રોજરોજ ખોતા જાય છે ને તે પૃથાપુત્રો રોજરોજ નવું મેળવતા જાય છે.તેમની રાજ્યલક્ષ્મી ને
તેમની સજાવટવાળી સભા જોઈને ને પાંડવો ને તેમના રક્ષકોએ કરેલી મારી હાંસીને વારંવાર સંભાળીને,
હું અગ્નિની જેમ અંદર ને અંદર બળી રહ્યો છું.હે મામા,ક્રોધથી ને ઈર્ષાથી ઘેરાઈને અત્યંત દુઃખી થયેલા,
મને,આજે તમે મરવાની રાજા આપો,ને ધૃતરાષ્ટ્રને તમે આ વાત કહેજો (40)
અધ્યાય-47-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE