Jul 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-255

 
દ્યુત પર્વ 

અધ્યાય-૪૬-વ્યાસનું સૂચન અને યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા 

II वैशंपायन उवाच II समाप्ते राजसूये तु ऋतुश्रेष्ठे सुदुर्लभे I शिष्यै परिवृतो व्यासः पुरस्तान्समपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-અતિ દુર્લભ એવો રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે,શિષ્યોથી ઘેરાયેલા વ્યાસજી,યુધિષ્ઠિર પાસે આવ્યા.તેમને આવતા જોઈ,યુધિષ્ઠિર આસન પરથી એકદમ ઉભા થઇ,તેમને સામે લેવા ગયા,ને તેમને પાદ્ય-આસન આપીને તેમનું પૂજન કર્યું.સુવર્ણના આસન પર વિરાજીને વ્યાસજી બોલ્યા-'હે કુંતીનંદન,આનંદની વાત છે કે -દુર્લભ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને તારી વૃદ્ધિ થાય છે,તેં સર્વ કૃરૂઓને ચડતી અપાવી છે.હવે હું તારી રજા માગું છું,હું અહીંથી કૈલાસ તરફ જવા માગું છું'  ત્યારે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે -

'હે માનવશ્રેષ્ઠ,મને અતિભારે સંશય ઉભો થયો છે જેનું તમારા સિવાય બીજું કોઈ નિવારણ કરી શકે તેમ નથી.

નારદ ઋષિએ દિવ્ય (વજ્રપાત) અંતરીક્ષ (ધૂમકેતુ વગેરે) અને પાર્થિવ (ધરતીકંપ વગેરે) એમ ત્રણ જાતના

જે ઉપદ્રવો કહ્યા છે,તેનો ભય,શું આ શિશુપાલના મરણથી ટળ્યો છે ને?' (9)


ત્યારે કૃષ્ણદ્વૈપાયન વ્યાસજી બોલ્યા-'ઉત્પાતોનું મહાફળ તેર વર્ષ સુધી પહોંચે છે.ને પરિણામે સર્વ ક્ષત્રિયોનો

વિનાશ થશે.તને એકને કારણરૂપ કરીને,પૃથ્વીભરના ક્ષત્રિયો કાળના પ્રેર્યાં યુદ્ધમાં એકઠા થશે,

હે ભારત,દુર્યોધનના અપરાધથી ને ભીમ અર્જુનના બળથી,તે સર્વ રાજાઓ નાશ પામશે.

રાતને અંતે,તું સ્વપ્નમાં,કૈલાસશિખર સમાન એવા શિવજીને નંદી પર બેઠેલા તથા દક્ષિણ (પિતૃરાજની)દિશા 

તરફ એકીટશે જોઈ રહેલા જોઇશ.પણ હે પૃથ્વીપતિ,તું આવું સ્વપ્નનું જોઈને તું ચિંતા ન કરીશ કેમ કે,કાળને કોઈ રીતે ઓળંગી શકાય તેમ નથી.તારું કલ્યાણ થાઓ,જિતેન્દ્રિય ને સાવધ થઇ તું પૃથ્વીનું પરિપાલન કરજે (17)


વૈશંપાયન બોલ્યા-વ્યાસજીના જવા પછી,યુધિષ્ઠિર ચિંતા ને શોકમાં પડ્યા.ને વિચાર કરવા લાગ્યા કે-

'કેમ કરીને આ દૈવને પુરુષાર્થથી ખાળી શકાય?' ત્યારે બાદ,તેઓ ભાઈઓને કહેવા લાગ્યા કે-

'વ્યાસજીએ જે કહ્યું તે તમે સાંભળ્યું જ છે,તેમનું વચન સાંભળીને મેં તે જ વખતે મરવાનો નિર્ણય કર્યો છે,

કેમ કે જો,સર્વ ક્ષત્રિયોના મૃત્યુ માટે કાળે મને જ નિર્માણ કર્યો હોય તો જીવતા રહેવાનું શું પ્રયોજન છે?'


અર્જુન બોલ્યો-હે મહારાજ,બુદ્ધિનો નાશ કરે તેવા આ ભયંકર મોહને વશ ન થાઓ ને ફરી વિચાર કરીને 

જે યોગ્ય ઉપાય હોય તે આચરો' ત્યારે યુધિષ્ઠિરે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે-'હવે હું ભાઈઓને કે બીજા રાજોને કઠોર વચન કહીશ નહિ ને જ્ઞાતિજનોની આજ્ઞામાં રહીને તેમના બતાવ્યા પ્રમાણે વ્યવહાર કરીશ.મારા પુત્ર ને બીજાઓ વિશે હું સરખું વર્તન રાખીશ,એટલે લોકોમાં ભેદ પડશે નહિ.કેમ કે ભેદ જ વિગ્રહનું કારણ છે.ને આ વિગ્રહને દૂર રાખીને હું સૌનું પ્રિય કરીશ એટકે હું લોકોમાં નિંદા પામીશ નહિ'


મોટાભાઈનાં આવા વચન સાંભળીને તેમના હિતમાં પરાયણ રહેનારા ભાઈઓ તેમને જ અનુસરવા લાગ્યા.

ભાઈઓ સાથે તેમણે આવી પ્રતિજ્ઞા કર્યા બાદ તેમણે પિતૃઓ ને દેવોને તૃપ્ત કરી માંગલિક કાર્યો કર્યા હતા.

આ રીતે,જયારે,સૌ પોતપોતાના ઘેર ગયા હતા,ત્યારે,યુધિષ્ઠિરે પોતાના પ્રધાનો ને ભાઈઓ સાથે સભામાં પ્રવેશ કર્યો

તે વખતે,તેમણે રાજા દુર્યોધન ને સુબલ પુત્ર શકુનિ,એ દિવ્ય સભામાં બેઠેલા જોયા.

અધ્યાય-46-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE