અધ્યાય-૪૫-શિશુપાલનો વધ
II वैशंपायन उवाच II ततः श्रुन्वैवभीप्मस्य चेदिगडुरुविक्रमः I युयुन्सुर्वासुदेवेन वासुदेवगमुवाचह II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મનું આવું કહેવું સાંભળી,શિશુપાલે વાસુદેવ પ્રત્યે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે-'હે જનાર્દન,હું તમને યુદ્ધનું આહવાહન આપું છું,હું તને પાંડવો સાથે પૂરો કરી દઈશ.કેમ કે પાંડવોએ રાજાઓને ઉલ્લંઘીને રાજા નહિ એવા તને અર્ઘપૂજા આપી છે,એટલે તે પાંડવો પણ મારે હાથે હણાવા યોગ્ય જ છે'
આમ કહીને તે ક્રોધયુક્ત શિશુપાલ ઉભો થઈને શ્રીકૃષ્ણ સામે ગર્જતો રહ્યો.
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા-હે રાજાઓ,આ યાદવપુત્ર શિશુપાલ અમારો કટ્ટર વેરી છે,ને તે યાદવોનો હિતકારી નથી,
અમારો ભાણિયો હોવા છતાં,એ ક્રૂરકર્મીએ અમારી ગેરહાજરીમાં દ્વારકાને ફૂંકી દીધી હતી.પૂર્વે રૈવતક પર્વત પર ક્રીડા કરતા ભોજરાજને મારી તેમને બાંધીને તે પોતાના નગરમાં પાછો ગયો હતો.મારા પોતાના અશ્વમેઘ યજ્ઞ વખતે,યજ્ઞમાં વિઘ્ન નાખવા તે અશ્વને ચોરી ગયો હતો,કરુષરાજને માટે નક્કી થયેલી વિશાલીરાજની કન્યાને
કપટવેશ લઈને તેણે હરી લીધી હતી,ને બભ્રુની પત્નીને તેની અનિચ્છા છતાં,મોહથી ઊંચકી ગયો હતો,
માત્ર,ફોઈના કારણે,હું આ મહાન દુઃખોને સહન કરીને તેને માફ કરી રહ્યો હતો.અતિગર્વને કારણે વધયોગ્ય થયેલા આ શિશુપાલને હવે હું સહન કરી શકું તેમ નથી.મરવા પડેલા,આ મૂર્ખાએ રુકિમણી માટે પ્રાર્થના કરી હતી,
પણ આ મૂઢ તે રુકિમણીને મેળવી શક્યો નહોતો.(15)
શિશુપાલ ખડખડાટ હસીને બોલ્યો-હે કૃષ્ણ,પૂર્વે મારે માટે નક્કી થયેલી,એ રુકિમણી વિશે,આ સભામાં રાજાઓની વચ્ચે વાત કરતાં તને લજ્જા કેમ આવતી નથી? તારા વિના બીજો કયો,પોતાને પુરુષ મનાવનારો મનુષ્ય સત્પુરુષોની આગળ પોતાની સ્ત્રીને અન્યપૂર્વા (પૂર્વે બીજાની હતી તે) કહી શકે? (20)
તે વખતે,મધુસૂદને,દૈત્યોના ગર્વને હરનારા સુદર્શન ચક્રનું મનમાં ધ્યાન કર્યું,ને ચિંતન કરતાંની સાથે તે ચક્ર તેમના હાથમાં આવી પહોંચ્યું.ને ત્યારે શ્રીકૃષ્ણ મોટેથી બોલ્યા કે-'હે મહીપાલો,મેં શા કારણે આના અપરાધોની ક્ષમા આપી હતી તે તમે સાંભળો.આની માતાએ મને પ્રાર્થના કરી હતી કે,મારે આના સો અપરાધો સહી લેવા.
આજે મેં તેને આપેલું વરદાન પૂરું થયું છે,એટલે તમારા દેખતાં જ હું આનો વધ કરીશ.(24)
આમ કહીને,શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી તે શિશુપાલનું શિર તત્ક્ષણ ઉડાવી દીધું.ને તે મહાબાહુ ઢળી પડ્યો.
તે વખતે રાજાઓએ,ત્યાં શિશુપાલના દેહમાંથી ઉત્તમ તેજને ઉડી જતું ને શ્રીકૃષ્ણમાં સમાઈ જતું જોયું.
સર્વ મહીપાલો તેને એક આશ્ચર્ય માનવા લાગ્યા ને કશું બોલી શક્યા નહિ.પ્રસન્ન થયેલા,મહર્ષિઓએ,
બ્રાહ્મણો ને સર્વ જાણો શ્રીકૃષ્ણને શરણે જઈને તેમની સ્તુતિ ને પ્રશંસા કરવા લાગ્યા.(34)
પછી,યુધિષ્ઠિરે,પોતાના ભાઈઓને,શિશુપાલના અગ્નિસંસ્કાર કરવાની આજ્ઞા કરી.અગ્નિસંસ્કાર બાદ,
યુધિષ્ઠિરે રાજાઓ સાથે મળીને તે શિશુપાલના પુત્રનો,ચેદિદેશના રાજા તરીકે અભિષેક કર્યો.
હવે જેનાં વિઘ્નો શાંત થયાં હતાં,જેનો આરંભ સુખભર્યો હતો,ને જે શ્રીકૃષ્ણથી સુરક્ષિત હતો તેવા
તે રાજસૂય મહાયજ્ઞની,સમાપના કરી.જનાર્દને તે યજ્ઞની સમાપ્તિ સુધી રક્ષા કરી હતી.
પછી,યજ્ઞની સમાપ્તિ થતાં અવભૃથ સ્નાન પામેલા,યુધિષ્ઠિર પાસે આવીને સમસ્ત ક્ષત્રિયમંડળ આવીને કહેવા લાગ્યું કે-હે ધર્મજ્ઞ,તમારું ભાગ્ય ખીલ્યું છે,તમે સમ્રાટ પદને પામ્યા છો,તમે આ કર્મથી ભારે ધર્મ કર્યો છે,
અમારી સર્વ ઈચ્છાઓ પુરી થઈ છે,ને હવે અમે અમારા રાજ્યમાં જવાની રાજા માંગીએ છીએ.
એ વચન સાંભળીને યુધિષ્ઠિરે સર્વ રાજાઓની યથાયોગ્ય પૂજા કરીને પોતાના ભાઈઓને કહ્યું કે-
'આ સર્વ રાજાઓ,પ્રીતિપૂર્વક આપણે ત્યાં આવ્યા છે,ને હવે પોતાના રાજ્ય તરફ જવા નીકળે છે,તો તમે
સર્વ એ સર્વને રાજ્યની સીમા સુધી વળાવવા જાઓ.'
યુધિષ્ઠિરના વચનને માથે ચડાવીને તે સર્વ પાંડવો સર્વ રાજાઓને એકએક કરીને વિદાઈ આપો.
આ, સર્વ નરેન્દ્રો ને બ્રાહ્મણો,પોત[ના દેશ પ્રતિ ગયા પછી,વાસુદેવ યુધિષ્ઠિર પાસે આવી કહેવા લાગ્યા કે-
'હે કુરુનંદન,હવે હું દ્વારકા જઈશ.તમારી વિદાય માગું છું,તમે યજ્ઞમાં શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ કર્યો,એ સદ્ભાગ્ય છે'
યુધિષ્ઠિર બોલ્યા-હે ગોવિંદ,તમારી કૃપાથી જ હું આ શ્રેષ્ઠ યજ્ઞ કરું શક્યો છું,ને તમારી કૃપાથી જ આ સમગ્ર
ક્ષત્રિયમંડળ મારા વશમાં આવ્યું છે ને તેઓએ શ્રેષ્ઠ ભેટો આપી મારી ઉપાસના કરી છે.
હે અપાપ,હું મારા મુખથી કેમ કરીને કહું કે તમે જાઓ?તમારા વિના મને ક્યારેય ચેન પડે તેમ નથી.
છતાં,તમારે દ્વારિકા અવશ્ય જવું જોઈએ' યુધિષ્ઠિરની આજ્ઞા લીધા બાદ,શ્રીકૃષ્ણે કુંતી,દ્રૌપદી,સુભદ્રા આદિની વિદાય માગીને,સ્નાન,જપ ને સ્વસ્તિવાચન કરાવી,પોતાનો રથ મંગાવ્યો.સારથી દારુક,રથ લઈને આવી પહોંચ્યો,એટલે શ્રીકૃષ્ણે તેનો પ્રદિક્ષણા કરીને તેમાં બેસી દ્વારિકા જવા નીકળ્યા.(62)
યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે,વાસુદેવને વળાવવા પગપાળા ચાલવા લાગ્યા ત્યારે શ્રીહરિએ રથને થોભાવીને,
યુધિષ્ઠિરને કહ્યું કે;હે પૃથ્વીપતિ,તમે સાવધાનતા પૂર્વક નિત્ય પ્રજાનું પાલન કરજો,ને જેમ,પ્રાણીઓ મેઘના આશ્રયે રહે છે,તેમ તમારા બંધુઓ તમારા આશ્રયે રહો' આમ કહીને તેઓ પાંડવોથી છુટા પડ્યા,(68)
અધ્યાય-45-સમાપ્ત
શિશુપાલવધ પર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE