II भीष्म उवाच II नैपा चेदियतेर्बुध्धिर्यया त्वाह्वयतेSच्युतम् I नुनमेप जगद्वतुः कृष्णस्यैव विनिश्चयः II १ II
ભીષ્મ બોલ્યા-શ્રીકૃષ્ણને પડકારી રહેલી આ બુદ્ધિ શિશુપાલની નથી પણ જગતના સ્વામી શ્રીકૃષ્ણનો જ એ નિશ્ચય છે.હે ભીમસેન,કુળને કલંક લગાડનાર અને કાળથી જેનું શરીર ઘેરાયલું છે,એવા આ શિશુપાલની જેમ,
બીજો કયો રાજા મારા પર આક્ષેપ કરી શકે તેમ છે? આ શિશુપાલ,એ શ્રીહરિના તેજનો અંશ છે અને આ સમર્થ શ્રીહરિ,તે તેજને પાછું હરી લેવા ઈચ્છે છે,શિશુપાલને આ ખબર નથી ને ખોટી ગર્જનાનો કરે છે (4)
શિશુપાલ બોલ્યો-હે ભીષ્મ,ભાટની જેમ,વારેવારે તું જે કેશવની ભાટાઈ કરે છે તેને બદલે તું અમારી રાજાઓની સ્તુતિ કર.આ બાહલીક,કર્ણ,દ્રોણ,અશ્વસ્થામા,જયદ્રથ,દ્રુમ,એવા પરાક્રમીઓને છોડીને તું શા માટે કેશવની પ્રશંસા કરે છે? રુકિમ,ભીષ્મક,દંતવક્ર,ભગદત્ત,ધૂમકેતુ,જયત્સેન,વિરાટ,દ્રુપદ,શકુનિ,એવા અનેક મહારથીને
ત્યજીને તું કેશવની શા માટે પ્રશંસા કરે છે? હે ભીષ્મ,પૂર્વે તેં નિઃસંશય વૃદ્ધોનાં કથા વચનો સાંભળ્યાં નથી,
એટલે હું તમે શું કહી શકું? તેં સાંભળ્યું નથી કે પોતાની સ્તુતિ,પરસ્તુતિ ને પરનિંદા એ આર્યોના આચારમાં નથી.
એટલે,સ્તુતિને અયોગ્ય એવા કેશવની તું મોહવશ થઈને,ભક્તિપૂર્વક જે ભાટાઈ કરી રહ્યો છે તેને કોઈ અનુમતિ આપતું નથી.એ સંશય નથી કે તું રાજાઓની ઈચ્છાથી (સારાઈથી) જ જીવે છે,કેમ કે લોકોએ ધિક્કારી કાઢેલાં
કાર્યો કરવામાં તારા જેવો બીજો કોઈ જ દેખાતો નથી.(32)
ભીષ્મ બોલ્યા-જો હું આ રાજાઓની મરજી પર જ જીવું છું,એમ જો તું કહે તેમ હોય તો
તને કહું કે હું આ રાજાઓને તો તણખલાંની તોલે પણ ગણતો નથી'
ભીષ્મના આ કથનથી કેટલાક રાજા હર્ષમાં આવ્યા તો કેટલાક ભીષ્મને ભાંડીને કહેવા લાગ્યા કે-
'આ ડોસલો,મદમાં છક્યો છે,તેને તો ક્ષમા ઘટતી જ નથી,આ દુર્મતિને હણી નાખીને સુખા ઘાસની આગથી તેને બાળી મુકો.' ત્યારે ભીષ્મ બોલ્યા-'હે રાજાઓ,સામસામા વચનો બોલવાથી એનો છેડો આવે તેમ મને લાગતું નથી,
મને હણવો હોય કે બાળી મુકવો હોય તો તેમ કરી જુઓ.અમે જેમને માન આપ્યું છે તે ગોવિંદ અહીં ઉભા જ છે,
જેને મરણની ઉતાવળ થતી હોય તે શ્રીકૃષ્ણને યુદ્ધ માટે આવાહન આપે ને તેમના હાથે મરણ પામે (42)
અધ્યાય-44-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE