અધ્યાય-૪૩-શિશુપાલનું વૃતાંત
II भीष्म उवाच II चेदिराजकुलेजातह्यक्ष एप चतुर्भुजः I रासभारावसदशं रराम च ननाद च II १ II
ભીષ્મ બોલ્યા-આ શિશુપાલ,ચેદિરાજના વંશમાં જન્મ્યો ત્યારે,તેને ત્રણ આંખો ને ચાર હાથ હતા,જન્મીને તરત જ તે ગધેડાની જેમ ભૂંકીને ગર્જ્યો હતો.આથી તેના માતાપિતા ને બાંધવો ત્રાસ પામ્યા હતા,ને તેની આવી બેડોળતા જોઈને,માતપિતા તેનો ત્યાગ કરવાનો વિચાર કરતા હતા.ત્યારે આકાશવાણીએ કહ્યું કે-તમારો આ પુત્ર ધનાઢ્ય ને બલાઢ્ય જન્મ્યો છે,તેથી ભય ના રાખો ને તેનું પાલન કરો.હાલ તેનું મૃત્યુ નથી,પણ તેને શસ્ત્રથી મારનારો કાળ,
(શ્રીકૃષ્ણ) જન્મી ચુક્યો છે' ત્યારે માતાએ તે અદ્રશ્યને પૂછ્યું કે 'તેને મારનારો કોણ હશે? (8)
ત્યારે જવાબ મળ્યો કે-'જેના ખોળામાં રાખવાથી આ બાળકના બે વધારાના હાથો જમીન પર ખરી પડશે ને જેને જોવાથી આ બાળકનું ત્રીજું નેત્ર અંદર સમાઈ જશે,તે આનો કાળ (મૃત્યુનું કારણ) થશે'
પછી,એ બાળકનું આ વૃતાન્ત જાણીને પૃથ્વીના સર્વ રાજાઓ તેને જોવા આવવા લાગ્યા.રાજાએ ક્રમવાર
તે સર્વ રાજાના ખોળામાં તે બાળકને બેસાડ્યો પણ આકાશવાણીના કહ્યા પ્રમાણે કશું થયું નહિ.
એકવાર બલરામ ને શ્રીકૃષ્ણ,પોતાની યદુવંશી એ ફોઈને (બાળકની માતાને) મળવા આવ્યા.ફોઈએ તેમનો સત્કાર કરીને,પોતાના પુત્રને શ્રીકૃષ્ણના ખોળામાં જેવો બેસાડ્યો કે તરત જ તેના બે વધારાના હાથો ખરી પડ્યા ને ત્રીજી આંખ અંદર ચાલી ગઈ.આ જોઈને માતા ગભરાઈ ને તેણે શ્રીકૃષ્ણ પાસે બાળકનું અભયદાન માગ્યું ને કહ્યું કે -
'શિશુપાલના કોઈ પણ અપરાધ ક્ષમા કરીને તેને મારશો નહિ' ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા કે-
'હે ફોઈ,હું વધને યોગ્ય એવા આ તમારા પુત્ર શિશુપાલના સો અપરાધોને સહન કરીશ,તમે શોક કરશો નહિ'
ભીષ્મ બોલ્યા-આમ,આ મંદબુદ્ધિ પાપી શિશુપાલ,શ્રીકૃષ્ણના વરદાનથી છકીને તને યુદ્ધનું તેડું આપે છે'(25)
અધ્યાય-43-સમાપ્ત