II वैशंपायन उवाच II एवमुक्त्वा ततो भीष्मो विरराम महाबलः I व्याजहारोतरं तत्र सह्देवोSर्थवद्वचः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ કહીને,ભીષ્મ બોલતા બંધ થયા ત્યારે સહદેવે અર્થયુક્ત વચનો બોલતાં કહ્યું કે-
'કેશીદૈત્યને હણનારા કેશવને,અમાપ પરાક્રમવાળા શ્રીકૃષ્ણને મેં અર્ઘપૂજા આપી છે,જે રાજાઓ બુદ્ધિમાનો છે,
તેઓ આચાર્ય,પિતા,ગુરુ ને પૂજનીય એવા આ શ્રીકૃષ્ણની જે પૂજા થઇ છે,તેને સંમતિ આપશે અને જે
રાજાઓનો વિરોધ છે તેઓ ઉત્તર આપે,ને તેઓ મારે હાથે મરશે જ,એમાં સંશય નથી'
આમ સહદેવે તે બળવાન ને માની રાજાઓની વચ્ચે પોતાની લાત બતાવી,ત્યારે કોઈ રાજાઓએ
સામો ઉત્તર આપ્યો નહિ.તેથી તે વખતે સહદેવના માથા પર પુષ્પવૃષ્ટિ થઇ.(6)
ત્યારે 'બહુ સારું થયું' એવી અગોચર આકાશવાણી થઇ.પછી ભૂત ભવિષ્ય કહેનારા,સર્વ સંશયોને છેદનારા
ને સર્વ લોકને જાણનારા,નારદજીએ સર્વ મનુષ્યોની વચ્ચે સ્પષ્ટ રીતે કહ્યું કે-જે મનુષ્યો,કમળપત્ર જેવાં લોચનવાળા શ્રીકૃષ્ણને પૂજશે નહિ,તેઓ જીવતા છતાં મૂએલાં જાણવા,તેમની સાથે ક્યારેય સંભાષણ કરવું નહિ.(9)
વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવે પૂજાયોગ્ય વ્યક્તિઓની પૂજા કરીને કર્મની સમાપ્તિ કરી.
પણ આમ શ્રીકૃષ્ણનું પ્રથમ પૂજન કરવામાં આવ્યું એટલે શિશુપાલની આંખો લાલચોળ થઇ ગઈ ને
ઉભો થઇ ક્રોધપૂર્વક રાજાઓને કહેવા લાગ્યો કે-'હું સેનાપતિ તરીકે ઉભો થયો છું,ચાલો આપણે સજ્જ થઈને
આ ભેગા થયેલા પાંડવો ને યાદવો સામે યુદ્ધ કરીએ' શિશુપાલની ઉશ્કેરણીથી રાજાઓએ મંત્રના કરવા માંડી,
ને શિશુપાલને વશ થઈને ત્યાંથી ઉભા થયા.ને બોલવા લાગ્યા કે-આપણે એવું કામ કરવું જોઈએ કે જેથી યુધિષ્ઠિરના અભિષેકનું ને વાસુદેવની પૂજાનું કાર્ય પાર જ ન પડે'
આમ,તે સર્વ રાજાઓએ ખેદ ને નિશ્ચયથી નક્કી કર્યું,ત્યારે તેઓ મિત્રજનોથી વારવામાં આવેલા ને
શિકાર ખોઈ બેઠેલા જેવા,ને ગર્જતા સિંહોના જેવા ભયંકર દેખાતા હતા.તે વખતે શ્રીકૃષ્ણ જાણી ગયા કે-
અખૂટ સેનારૂપી લહેરવાળો તે રાજાઓરૂપી અક્ષય સાગર,યુદ્ધનો સંકેત આપી રહ્યો છે (18)
અધ્યાય-39-સમાપ્ત