Jul 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-247

અધ્યાય-૩૮-ભીષ્મે કરેલાં શ્રીકૃષ્ણનાં યશોગાન 

II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राज शिशुपालमुपाद्रवत I उचाच चैनं मधुरं सान्त्वपुर्वमिदं वचः II १ II

વૈશંપાયન બોલ્યા-શિશુપાલને જતો જોઈ,યુધિષ્ઠિર તેની પાછળ દોડ્યા ને સાંત્વનાપૂર્વક કહેવા લાગ્યા કે-

'હે મહીપાલ,આ તમે જે બોલ્યા છો તે તમને યોગ્ય નથી,આથી તો મહા અધર્મ થયો છે.ને નકામી કર્કશતા પ્રગટ થઇ છે.ભીષ્મ,ધર્મને જાણતા નથી એમ નથી,માટે અવળું સમજીને એમનો અનાદર કરો નહિ,જુઓ,અહીં,

તમારાથી એ વિશેષ વૃદ્ધ એવા અનેક રાજાઓ છે,જે કૃષ્ણને આપવામાં આવેલી પૂજાને સહન કરે છે,

તો તેમની જેમ તમારે પણ આ બાબતમાં ખામોશી રાખવી જોઈએ.

ભીષ્મ,શ્રીકૃષ્ણને,જે રીતે તત્ત્વપૂર્વક જાણે  છે તેવી રીતે તમે એમને જાણતા નથી (5)

ભીષ્મ બોલ્યા-લોકોમાં સર્વશ્રેષ્ઠ એવા શ્રીકૃષ્ણને આપવામાં આવેલી માનપૂજાને જે સત્કારતો નથી,તેનો વિનય કરવો ને તેને સમજાવવો એ અયોગ્ય છે.રણક્ષેત્રમાં શ્રેષ્ઠ એવો જે ક્ષત્રિય,બીજા ક્ષત્રિયને જીતી,તેને તાબે કરીને મુક્ત  કરે છે તે ગુરુ ગણાય છે.આ સર્વ રાજાઓમાં હું એવો એકે રાજા જોતો નથી કે જે કૃષ્ણના તેજથી યુદ્ધમાં જિતાયો હોય નહિ.આ અચ્યુત શ્રીકૃષ્ણ,એક અમારે માટે જ પૂજ્યતમ છે તેમ નથી,પણ એ મહાબાહુ,તો ત્રણે લોકને માટે પૂજાપાત્ર છે.કેમ કે તેમણે અનેક ક્ષત્રિયોને યુદ્ધમાં જીત્યા છે ને તેમનામાં જ આ સર્વ જગત સમગ્રતાએ રહ્યું છે.આથી આ સભામાં બીજા વૃદ્ધો હોવા છતાં હું શ્રીકૃષ્ણને જ પુજુ છું,બીજા કોઈને પુજતો નથી.


હે શિશુપાલ,તું આવું બોલે છે તે તને યોગ્ય નથી,તારી આવી બુદ્ધિ ન થાઓ.મેં અનેક જ્ઞાનવૃદ્ધોની સેવા કરી છે,ને તેમની પાસેથી મેં શ્રીકૃષ્ણના અનેક ગુણો સાંભળ્યા છે.અમે,આ ભૂમંડળમાં પૂજાતા અને પ્રાણીમાત્રને સુખ આપનારા એ જનાર્દનને પૂજીએ છીએ,તે કંઈ કેવળ સ્વેચ્છાએ કે સંબંધને લીધે કે તેમણે કરેલ ઉપકારના બદલામાં નથી.અમે તો એમનો યશ,શૌર્ય,ને એમનો વિજય જાણીને જ એમની પૂજા કરીએ છીએ.


અમે આ સભામાં એક બાળક સુધ્ધાંની પણ પરીક્ષા કરી છે,પણ ગુણો વડે વૃદ્ધ એવા માણસોને પણ ઓળંગીને અમે કૃષ્ણને પૂજ્યતમ માન્યા છે.બ્રાહ્મણોમાં જ્ઞાનવૃદ્ધ પૂજ્ય છે,ક્ષત્રિયોમાં અધિક બળવાન પૂજ્ય છે,

વૈશ્યોમાં અધિક ધનધાન્યવાળો પૂજ્ય છે ને શુદ્રોમાં જન્મથી જે મોટો હોય તે પૂજ્ય છે.


ગોવિંદની પૂજ્યતાનાં બે કારણો છે,વેદ-વેદાંગોનું જ્ઞાન તથા બળની અધિકતા.તેમના સિવાય આ દુનિયામાં 

આ ગુણોમાં વિશેષ છે? વળી,દાન,દક્ષતા,શાસ્ત્રજ્ઞાન,શૌર્ય,લજ્જા,કીર્તિ,ઉત્તમ બુદ્ધિ,નમ્રતા,લક્ષ્મી,ધૃતિ,તુષ્ટિ,

અને પુષ્ટિ,એ સર્વ શ્રીકૃષ્ણમાં નિત્ય રહ્યાં છે.તો આ જ્ઞાન સંપન્ન,આચાર્ય,પિતા,ગુરુ,પૂજ્ય ને અર્ઘયોગ્ય એવા 

શ્રીકૃષ્ણનું અમે જે પૂજન કર્યું છે તે તમારે સૌએ માન્ય રાખવું જોઈએ.


હૃષીકેશ,પોતે ઋત્વિજ,ગુરુ,સ્નાતક,નૃપતિ અને પ્રિય-એ સૌ રૂપે છે,તેથી અમે તેમનું પૂજન કર્યું છે.

શ્રીકૃષ્ણ જજ આ લોકની ઉત્પત્તિના તેમ જ લયના કારણરૂપ છે.આ ચરાચર વિશ્વ શ્રીકૃષ્ણથી ને તેમના માટે 

જ ઉત્પન્ન થયું છે.તે અવ્યક્ત પ્રકૃતિરૂપ છે,એ સનાતન કર્તા છે ને ભૂતમાત્રથી પર છે.તેથી તે વિશેષ પૂજ્ય છે.

બુદ્ધિ,મન,મહત્તતત્વ,વાયુ,તેજ,પાણી,આકાશ,પૃથ્વી અને સ્વેદજ આદિ ચાર પ્રકારનાં પ્રાણીઓ-એ બધું શ્રીકૃષ્ણમાં રહ્યું છે.સૂર્ય,ચંદ્ર,નક્ષત્રો,ગ્રહો,ને દિશાઓ-એ બધાંય શ્રીકૃષ્ણમાં રહયા છે.


વેદોમાં જેમ અગ્નિહોત્ર,છંદોમાં જેમ ગાયત્રી,મનુષ્યોમાં જેમ રાજા,નદીઓમાં જેમ સાગર,નક્ષત્રોમાં જેમ ચંદ્ર,

તેજોમાં જેમ સૂર્ય,પર્વતોમાં જેમ મેરુ ને પક્ષીઓમાં જેમ ગરુડ મુખ્ય છે,તેમ ઉપર-નીચે,આડી-અવળી 

જગતની જેટલી ગતિઓ છે,તે સર્વ તેમ જ દેવાદિ લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ જ મુખ્ય છે.(29)


આ શિશુપાલ તો નાદાન માણસ છે,તે શ્રીકૃષ્ણને ઓળખતો નથી,એટલે જેમતેમ બધે ઠેકાણે બોલ્યા કરે છે.

જે બુદ્ધિમાન મનુષ્ય ઉત્કૃષ્ટ ધર્મની શોધ કરે છે,તે જ ધર્મને યથાસ્વરૂપે જોઈ શકે છે.આ શિશુપાલ જડ છે 

ને તે ધર્મને જાણી શકે તેમ નથી.આ રાજાઓમાં કોણ શ્રીકૃષ્ણને પૂજ્ય નથી માનતો? આમ છતાં,શિશુપાલ,

જો આ પૂજાને અયોગ્ય ઠરાવતો હોય,તો ભલે તેને જેમ યોગ્ય લાગે તેમ કરે.

અધ્યાય-38-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE