Jul 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-243

રાજસૂય પર્વ 

અધ્યાય-૩૩-રાજસૂય યજ્ઞની દીક્ષા 

II वैशंपायन उवाच II रक्षणाद्वर्मराजस्य सत्यस्य परिपालनात I शत्रूणां क्षपणान्तैव स्वकर्मानिरताः प्रजाः  II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મરાજના રક્ષણથી,સત્યના પરિપાલનથી,અને શત્રુઓના નાશ થવાથી.સર્વ પ્રજા સ્વકર્મમાં પરાયણ થઈને રહેવા લાગી.યોગ્ય રીતે કર લેવાથી તેમ જ ધર્મપૂર્વક શાસન ચાલવાથી,માગ્યા મેઘ વરસતા હતા,

અને દેશ સંપત્તિવાળો થયો હતો.રાજાના કર્મના પ્રભાવથી સર્વ કાર્યો સારી રીતે ચાલતાં હતાં.

ગોરક્ષા,ખેતી,ને વેપાર,એ સર્વ પણ બહુ સારી રીતે ચાલતા હતા ને વધતાં હતાં. ત્યારે ચોર,ઠગારાઓ કે 

રાજાના પ્રિય મનુષ્યો તરફથી પણ જૂઠી વાણી સંભળાતી નહોતી.(4)

તે રાજ્યકાળમાં,અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ,રોગ,આગ કે અકાળમૃત્યુ-એમાંનું કશું નહોતું.ધર્માનુસાર પ્રાપ્ત કરેલા ધનને પરિણામે,રાજ્યનો ધનભંડાર,સેંકડો વર્ષે પણ ખૂટી પડે એવો સંભવ નહોતો.ધર્મરાજાએ જયારે પોતાના કોઠાર અને ભંડારનું માપ જાણ્યું,ત્યારે તેમણે યજ્ઞના માટે મનમાં નિશ્ચય કર્યો.ને તે વખતે,સર્વે પરિવાર ને મિત્રોએ એકસાથે પોતાનો અભિપ્રાય આપીને કહ્યું કે-'યજ્ઞ કરવાનો હવે આ જ સમય છે,માટે તરત તૈયારી કરો'


તે વખતે,દ્વારકાની સેનાના અધિકાર પર વસુદેવને સ્થાપીને,અનેક પ્રકારના ધનસમૂહ લઈને,મહાન સેના સાથે,

શ્રીહરિ કેશવ (શ્રીકૃષ્ણ) ત્યાં આવી પહોંચ્યા,જેમ,સૂર્ય વિનાનું સ્થાન સૂર્યના આવવાથી હર્ષ પામે,તેમ તે 

નગર શ્રીકૃષ્ણના આવવાથી આનંદિત થયું.યુધિષ્ઠિરે,આનંદભેર થઇ,સામે જઈને તેમને વિધિપૂર્વક સત્કાર આપ્યો,

ને સર્વના કુશળ સમાચાર પૂછ્યા.ને પછી,ધૌમ્ય,વ્યાસ આદિ ઋત્વિજો અને ભાઈઓ સાથે મળીને ,

તે યુધિષ્ઠિરે,સુખપૂર્વક વિરાજેલા શ્રીકૃષ્ણને કહ્યું કે-


'હે કૃષ્ણ,તમારે લીધે જ સર્વ પૃથ્વી મારા વશમાં આવી છે,ને ઘણું ધન મળ્યું છે,આ સર્વ ધન હું વિપ્રો ને અગ્નિને અર્થે વિધિપૂર્વક ઉપયોગમાં લેવા ઈચ્છું છું.તમારી અને નાના ભાઈઓની સાથે હું રાજસૂય યજ્ઞ કરવા ઈચ્છું છું.

તો તમે મને આજ્ઞા આપવાને યોગ્ય છો.અથવા તમે પોતે જ દીક્ષા લઈને યજ્ઞ કરો તો હું નિષ્પાપ થઈશ,

હે કૃષ્ણ,તમારી આજ્ઞા થવાથી જ ઉત્તમ રીતે આ યજ્ઞકાર્ય થઇ શકશે'


શ્રીકૃષ્ણ બોલ્યા-'હે રાજસિંહ,તમે જ સમ્રાટપદને યોગ્ય છો,માટે તમે જ તે મહાયજ્ઞ કરો.હું તમારા કલ્યાણની ઈચ્છાથી જ આવ્યો છું,એટલે તમે તે ઈચ્છીત યજ્ઞ કરો,ને મને બીજા કાર્યોની સોંપણી કરો'

યુધિષ્ઠિર બોલ્યા-'હે શ્રીકૃષ્ણ,તમારા આવવાથી મારો સંકલ્પ સફળ થયો છે ને મને સિદ્ધિ વરી જ ચુકી છે'


વૈશંપાયન બોલ્યા-આમ,શ્રીકૃષ્ણની આજ્ઞા મળવાથી,યુધિષ્ઠિરે ભાઈઓ સાથે રાજસૂય યજ્ઞ કરવા માટેનાં સાધનોની વ્યવસ્થા કરવા માંડી.પછી,સહદેવ અને મંત્રીઓને આજ્ઞા આપી કે-બ્રાહ્મણોએ,આ યજ્ઞ સંબંધમાં 

જે પ્રમાણે યજ્ઞનાં અંગો કહ્યાં છે તે પ્રમાણે સર્વ સાહિત્યો,મંગળ પદાર્થો,ને સામગ્રીઓ લઇ આવો.

ઇંદ્રસેન,વિશોક અને પુરુ (અર્જુનનો સારથી)અન્ન આદિ લાવવાના કાર્યમાં રોકાઓ,ને બ્રાહ્મણોને પ્રીતિકર 

રસાળ ને સુગંધીદાર એવી સર્વ ભોજન સામગ્રી બનાવો.


પછી,જયારે સહદેવે આવીને 'સર્વ તૈયાર છે' એવા સમાચાર કહ્યા,ત્યારે,દ્વૈપાયન વ્યાસે,મૂર્તિમંત વેદો જેવા બ્રાહ્મણોને ઋત્વિજ થવા બોલાવ્યા,ને પોતે બ્રહ્માનું પદ લીધું.સુસામા નામના આંગિરસ સામગાન કરનારા 

(ઉદ્દગાતા) થયા,યાજ્ઞવલ્કય,અર્ધ્વર્યુશ્રેષ્ઠ બન્યા ને ધૌમ્યની સાથે હોતા થયા.તે ઋષિઓના શિષ્યો હોત્રગો થયા.

તેમણે સ્વસ્તિવાચન અને પુણ્યાહવાચન કરીને યજ્ઞનો સંકલ્પવિધિ કર્યો ને શાસ્ત્રોક્ત રીતે ભૂમિપૂજા કરી.


પછી,શિલ્પીઓએ દેવોનાં મંદિર જેવા વિશાલ ને સુગંધભર્યા આવાસો કર્યા.ને ત્યાર બાદ,યુધિષ્ઠિરે મંત્રી સહદેવને 

આજ્ઞા આપી કે-'તું નિમંત્રણને માટે શીઘ્ર ગતિવાળા દૂતોને રવાના કર.દેશદેશમાંથી બ્રાહ્મણો,રાજાઓ ને વૈશ્યોને આમંત્રણ આપજો ને વળી,માન આપવા યોગ્ય શુદ્રોને પણ તેડી લાવજો' (42)


વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરની આજ્ઞા મુજબ દૂતો સર્વને આમંત્રણ આપીને કેટલાકને તો સાથે લઈને આવ્યા.

પછી,તે બ્રાહ્મણોએ યોગ્ય કાળે,યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞની દીક્ષા આપી.

આ યજ્ઞમાં વેદવેદાંગમાં પારંગત વિપ્રો વિવિધ દેશોમાંથી આવ્યા હતા,કે જેમને માટે અન્ન ને આચ્છાદનોથી ભરપૂર નિવાસો બનાવ્યા હતા,તેમાં આવીને તે વસ્યા.ત્યાં તે અનેક કથાઓ કરતા હતા,

ધર્મરાજાએ,એ બ્રાહ્મણોને લાખો ગામો,સુવર્ણની શૈય્યાઓ,ને સ્ત્રીઓ આપી.


આ પ્રમાણે પૃથ્વીમાં વીર એવા પાંડવોનો,ઇન્દ્રના રૂક્ષ જેવો તે યજ્ઞ આરંભાયો.પછી,યુધિષ્ઠિરે,ભીષ્મ,દ્રોણ,

ધૃતરાષ્ટ્ર,વિદુર,કૃપ ને પોતાના પર પ્રીતિ રાખનાર સૌ ભાઈઓને તેડવા માટે નકુલને હસ્તિનાપુર મોકલ્યો(57)

અધ્યાય-33-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE