અધ્યાય-31-સહદેવનો દિગ્વિજય
II वैशंपायन उवाच II तथैव सह्देवोSपि धर्मराजेन पूजितः I महत्या सेनय राजन् प्रपयौ दक्षिणां दिशम् II १ II
વૈશંપાયન બોલ્યા-એ જ પ્રમાણે,ધર્મરાજથી સત્કાર પામેલો સહદેવ,મહાન સેનાએ સાથે દક્ષિણ દિશામાં વિજય માટે ગયો.તેણે,પ્રથમ શૂરસેનોને અને પછી મત્સ્યરાજને જીત્યા.ને પછી દંતવક્રને જીતી તેના પર ખંડણી બેસાડી તેને રાજ્ય પર પુનઃ સ્થાપિત કર્યો.ત્યારબાદ તેણે,સુકુમાર ને સુમિત્ર નરેશને,શ્રોણિમાન રાજાને,કુંતીભોજને,
જંભકપુત્રને,સેકો ને અપરસિકોને,વિન્દ ને અનુવવિન્દને,ભીષ્મકને,કોશલદેશના ને પૂર્વકોશલદેશના રાજાઓને,
નાટ્કેયો ને હેરમ્બકોને,મારૂધને,રમ્યગ્રામને,નચીન ને અર્બુદનાં રાજાઓને,વાતાધિપ રાજાને,પુલિંદોને,અને
અરણ્યમાં વસતા સર્વ રાજાઓને જીતીને તેમની પાસેથી કર લીધા.
પછી,કિષ્કિન્ધા નામની ગુફામાં રહેતા મૈંદ ને દ્વિવિદ વાનર સાથે સાત દિવસ યુદ્ધ કર્યું,છેવટે તે વાનરોએ,
પ્રસન્ન થઈને સર્વ પ્રકારનાં રત્નો આપીને કહ્યું કે-'ધર્મરાજાના કાર્યમાં વિઘ્ન ન હો'
ત્યાર બાદ,માહિષ્મતી નગરીના નીલરાજા જોડે ભયંકર યુદ્ધ થયું,એ યુદ્ધમાં ભગવાન અગ્નિએ તે નીલરાજાને સહાય કરી હતી.તેથી સહદેવનું મન ગભરાયું ને સામો સામનો કરવા શક્તિમાન રહ્યો નહિ.(25)
જન્મેજય બોલ્યા-સહદેવ તો યજ્ઞને અર્થે લડી રહ્યો હતો,તો અગ્નિ શા માટે શત્રુ પક્ષનો થયો હતો ?
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,સંભળાય છે કે-પૂર્વે માહિષ્મતીમાં રહેનાર અગ્નિ,નીલરાજાની અત્યંત સુંદર પુત્રી
પર લોલુપ થયા હતા.સુંદરીના પ્રેમમાં પડેલ તે અગ્નિ,બ્રાહ્મણ-રૂપે તેની સાથે ફાવે તેમ રમવા લાગ્યા.
નીલરાજાએ તેને શાસ્ત્રાનુસાર શિક્ષા આપવાનું વિચાર્યું,ત્યારે તે અગ્નિ કોપથી સળગી ઉઠ્યો
.
રાજા તેને શરણે ગયો ને પોતાની પુત્રી,અગ્નિને આપી.ને સામે પોતાના સૈન્ય માટે અભયનું વરદાન માગી લીધું.
આમ,અગ્નિ તે રાજાને મદદ કરતો હતો,સહદેવે પોતાના સૈન્યને અગ્નિથી ઘેરાયેલું જોઈને,જરા પણ કંપ્યા વિના અચલ રહીને,જળનું આચમન કરી પવિત્ર થઈને અગ્નિની સ્તુતિ કરી,ને પોતાની સેનાના મોખરે,
વિધિપૂર્વક અગ્નિની સામે બેઠો.ત્યારે અગ્નિએ આવીને તેને કહ્યું કે-
'હે કુરુનંદન,ઉઠ ઉભો થા,આ તો મેં તારી પરીક્ષા કરી છે,ધર્મરાજના અભિપ્રાયને હું જાણું છું.તારા મનની જે
ઈચ્છા હશે તે હું પુરી કરીશ' પછી,અગ્નિના કહેવાથી નીલરાજાએ આવીને સહદેવને ખંડણી આપી.
ત્યાર બાદ એ મહાબાહુએ,ત્રૈપુરરાજ ને પૌરવનાથને અધીન કરી,સુરાષ્ટ્ર્ના અધિપતિ કૌશિકાચાર્ય આકૃતિને વશમાં આણ્યો.સુરાષ્ટ્રમા રહીને,રુકિમ તરફ ભીષ્મક દ્વારા કહેણ મોકલીને,ખંડણી લીધી.
પછી,તેણે,શૂર્પારક,તાલાટક,દંડકો,મ્લેચ્છ જાતિના રાજાઓ,નિષાદો,પુરૂષાદો,કર્ણપ્રાવરણો,નરરાક્ષસો,કાળમુખોને
જીત્યા,ને સર્વ કોલ્લગિરિને,સુરભિપટ્ટનને,તામ્રદ્વીપને,રામક પર્વતને,તિમીગલ રાજાને,એકપાદ પુરુષોને,
વનવાસી કેરલોને,સંજયન્તિ નગરીને,પાશંડ તથા કરહાટક દેશોને,માત્ર દૂત મોકલીને તાબે કરી કર લીધા.
ત્યાર બાદ,તેણે,પાંડ્ય,દ્રવિડ,ઉન્દ્ર,કેરલ,અન્ધ્ર,તાલવન,કલિંગ,ઉષ્ટ્ર્ર,કર્ણિક,આટવીપુરી,ને વિભીષણ આગળ દૂતો મોકલીને,તેમને વશ કરીને (કે સાંત્વનથી) તેમની પાસેથી ખંડણી લીધી.
આમ,વિજયથી તથા સાંત્વનથી રાજાઓને પરાક્રમપૂર્વક હરાવીને,તેમને કર આપતા કરીને,સહદેવ,
ઇન્દ્રપ્રસ્થ પાછો આવ્યો ને તે સર્વ ધન ધર્મરાજને અર્પણ કરીને કૃતાર્થ થઇ,સુખપૂર્વક રહેવા લાગ્યો (80)
અધ્યાય-31-સમાપ્ત
અધ્યાય-૩૨-નકુલનો દિગ્વિજય
II वैशंपायन उवाच II नकुलस्य तु लक्ष्यामि कर्माणि विजयं तथा I वासुदेव जितामाशां यथाSसावजयत प्रभुः II १ II
વૈશંપાયન બોલ્યા-હવે,નકુલનાં કર્મો ને વિજય વિશે કહીશ,તેમજ તે સમર્થ વાસુદેવે પશ્ચિમ દિશાને કેવી રીતે જીતી તે જણાવીશ.વિજયને ઉદ્દેશીને તે મતિમાન મહાન સેનાએ સાથે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો.પ્રથમ તેણે,બહુ ધનવાળા,કાર્તિકેયને પ્રિય એવા રમણીય રોહિતકગિરિ પર આક્રમણ કર્યું,પછી,મરુભૂમિને,ધાન્યકને,શૈરીષકને,
મ્હેત્થને,આક્રોશને ને દશાર્ણોને જીતી,શિબિ,ત્રિગર્ત,અમ્બષ્ઠ,માલવ અને પંચકર્ટક ના રાજાઓને,તથા
મધ્યમકેય અને વાટમાનના દ્વિજોને જીત્યા.
અહીંથી પાછા વળીને તેણે,પુષ્કર અરણ્યમાં રહેનારા ઉત્સવસંકેત નામના જાતિસમૂહોને જીતી લીધા.
પછી,સિંધુને કિનારે રહેલા ગ્રામલોકો,શુદ્રો,આહીરો,માછીઓ,પર્વતવાસીઓ,પંચનરદેશ,અમરપર્વત,ઉત્તર જ્યોતિષ,દિવ્યકટ નગર,તેમજ દ્વારપાળ આદિને વશ કર્યા.ત્યાં રહીને તેણે વાસુદેવ પાસે દૂત મોકલ્યો,
તેમણે પણ,યાદવોની સાથે,તેની આજ્ઞા સ્વીકારી.મદ્રપતિ મામા શલ્યને પ્રીતિપૂર્વક વશ કર્યો.
ત્યાર બાદ,તેણે,સાગરદ્વીપમાં રહેલા મ્લેચ્છોને,પહલવોને,બર્બરોને.કિરાતોને,યવનોને ને શકોને હરાવ્યા.
ને વિચિત્રમાર્ગ જાણનારો તે કુરુશ્રેષ્ઠ નકુલ,સર્વ રાજાઓ પાસેથી રાતનો ને ધન લઈને પાછો ફર્યો.
તે વખતે,દશ હજાર ઊંટો પણ તે મહાધનને જેમ તેમ કરીને વહી શકતાં હતાં.
આમ,તે ધનને લઈને નકુલ,ઇન્દ્રપ્રસ્થ પાછો આવ્યી ને સર્વ ધન યુધિષ્ઠિરને સમર્પિત કર્યું.
આમ,તે પશ્ચિમ દિશાને તે ભરતસિંહ નકુલે જીતી હતી. (20)
અધ્યાય-32-સમાપ્ત
દિગ્વિજય પર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE