Jul 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-241

અધ્યાય-૨૯-ભીમસેનનો દિગ્વિજય 

II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले भीमसेनोSपिविर्यवान धर्मराजमनुज्ञाप्य ययौ प्राचीं दिशं प्रति II १ II

વૈશંપાયન બોલ્યા-એ વખતે,શત્રુઓના શોકને વધારનારો,ભરતવંશીઓમાં સિંહ સમાન,પ્રતાપી ને વીર્યવાન,ભીમસેન પણ,ધર્મરાજની આજ્ઞા લઈને,શત્રુ રાજ્યોનું મર્દન કરવા,હાથી,ઘોડા તથા રથોથી ભરેલા અને બખ્તરોથી સજેલા મહાન સેનાચક્ર સાથે પૂર્વ દિશા તરફ વિજય માટે નીકળ્યો હતો.પ્રથમ પાંચાલોને મળી,

તેને ગંડકો,વિદેહો ને દશાર્ણકો પર જય મેળવ્યો.દશાર્ણક ના રાજા સુધર્માએ ભીમસેન સાથે,હથિયાર વિનાનું રોમાંચ

ખડાં કરે તેવું અદભુત યુદ્ધ કર્યું,તેનું તે કર્મ જોઈને તે સુધર્માને,ભીમે,પોતાનો સેનાપતિ બનાવ્યો.

પછી,અશ્વમેઘનાથ અને રોચમાનને જીતી,પુરવદેશને જીતી તે દક્ષિણ તરફ વળ્યો,ને ત્યાં તેણે,પુલિંદગર,સુકુમાર ને સુમિત્ર રાજાને તાબે કર્યા બાદ તે ચેદિદેશના રાજા શિશુપાલ તરફ ગયો.શિશુપાલે તેને નગર બહાર આવીને સત્કાર આપીને,ભીમને ત્યાં આવવાનું પ્રયોજન પૂછ્યું.ત્યારે ભીમે ધર્મરાજના આરંભેલા કાર્યની વિગત આપી.

શિશુપાલે,તેનો સ્વીકાર કરીને તે પ્રમાણે કર્યું.ભીમ ત્યાં તેર રાત્રિ રહી,પછી,સેના સાથે આગળ વધ્યો.(17)

અધ્યાય-29-સમાપ્ત 


અધ્યાય-૩૦-ભીમના દિગ્વિજયની સમાપ્તિ 


II वैशंपायन उवाच II ततः कुमारविपये श्रेनिमंतमथाजयत I कोसलाधिपतिं चैव बृहदबल मरिन्दम: II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,શત્રુદમન,ભીમસેને,કુમાર દેશ પર ચડાઈ કરીને શ્રેણિમાનને તેમજ કોસલપતિ બૃહદમલને જીતી લીધા.ને અયોધ્યાના દીર્ઘયજ્ઞને પણ જીતી લીધો.ત્યાર બાદ,ગોપાલકક્ષ,ઉત્તર કૌશલ,તેમજ મલ્લોના અધિશ્વર પાર્થિવરાજા પર વિજય મેળવ્યો.પછી,તે હિમાલયની ધાર ઉપરના જલોદ્ભવ દેશમાં પહોંચ્યો,ને 

તે સર્વ દેશને વશ કર્યો.વળી,ચોપાસના ભલ્લાર દેશને તથા શુક્તિમંત પર્વતને પણ કબ્જે કર્યા.


પછી,તેણે,કાશિરાજ઼ સુબાહુને,સુપાર્શ્વને,કથ ને,મત્સ્યો ને મલદોને,અનઘોને,અભયો ને પશુભૂમિને,મદધારને,

મહિધરને,સોમધેયને હરાવીને,વત્સભૂમિ પર,ભર્ગોના અધિપતિ પર,નિષાદોના નાથ પર,ને મણિમાન પર 

વિજય મેળવ્યો.ને પછી,દક્ષિણ મલ્લોને તથા ભોગવાન પર્વતો ને જીત્યા.ત્યાર બાદ તેણે,સાંત્વનાપૂર્વક 

શર્મકો,વર્મકો ને વિદેહરાજ જનકને જીત્યા ને કપટનીતિથી શકો ને બર્બરોને હરાવ્યા.


વિદેહદેશમાં જ રહીને,તેણે,સાત કિરાતપતિઓને,સુહ્યો ને અસુહ્યોને,દંડને,દંડધારને,જીતી ગિરિવ્રજ ચડ્યો.

ને જરાસંઘના પુત્રને સાંત્વન આપીને તેને સાથે લઈને તેણે કર્ણ પર આક્રમણ કરી તેને વશ કર્યો.

પછી,તેણે,મહૌજશ,વંગરાજ,સમુદ્રસેન,ચંદ્રસેન,તામ્રલિપ્ત નરેશ,કર્વટાધિપ,લૌહિત્ય-આદિ રાજાઓને જીત્યા.

આમ,તેણે અનેક રાજો પાસેથી વિવિધ રત્નો,ચંદન,અગુરુ,વસ્ત્રો,મણિઓ,મોતીઓ,કંબલો,સોનુ,રૂપું,વિદ્રમ 

આદિ મહામોંઘી વસ્તુઓ કરરૂપે લઈને ઇન્દ્રપ્રસ્થ પાછો આવી સર્વ ધન ધર્મરાજને અર્પણ કર્યું (30)

અધ્યાય-30-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE