Jul 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-240

 
અધ્યાય-૨૭-અર્જુને કરેલો દિગ્વિજય 

II वैशंपायन उवाच II एवमुक्त: प्रन्युवाच भगदत्तं धनंजयः I अनेनैव कृतं सर्वं मपिष्यत्यनुजानता II १ II

વૈશંપાયન બોલ્યા-ભગદત્તે જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે અર્જુને કહ્યું-'તમે કર આપવાની વાતને જે સંમતિ આપી છે એટલે તમે બધું જ કર્યું ગણાશે' આમ,ભગદત્તને જીતીને ત્યાંથી અર્જુન,કુબેરે જીતેલી ઉત્તરદિશા તરફ ચાલ્યો.

ત્યાં,અંતરગિરી,બહિરગિરી,ને ઉપગિરી આદિ સર્વ પર્વતોને જીતીને ત્યાંના સર્વ રાજાઓને વશ કર્યા,ને તે 

સર્વ પાસેથી ધનસંગ્રહ લીધો.પછી,તે રાજાઓને પ્રસન્ન કરીને તેમને સાથે લઈને,તેણે ઉલૂકદેશના બૃહન્ત રાજા પર ચડાઈ કરી,બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું,પણ અંતે બૃહન્ત,કુન્તીપુત્રને અસાધ્ય માનીને,સર્વ પ્રકારનાં રત્નો લઈને,

અર્જુનને શરણે આવ્યો.કર લઈને,અર્જુને તેને તેના રાજ્યમાં સ્થિર કર્યો.(10)

પછી,તે ઉલૂકરાજ સાથે તે ત્યાંથી નીકળ્યો ને સેનાબિંદુને તેના રાજ્ય ઉપરથી ઉથલાવી મુક્યો,ત્યારે બાદ,તેણે,

મોદાપૂર,વામદેવ,સુદામા,સુસંકુલ,ને ઉત્તર ઉલુક ને પંચગણ નામના દેશોના રાજાને જીતી લીધા.

પછી,વિશ્વગશ્ચ રાજાને હરાવી,દસ્યુઓને પરાજય આપી,ઉત્સવસંકેત નામના સાત જાતિસમૂહોને હરાવ્યા.

આગળ જતાં,કાશ્મીરના ક્ષત્રિયોને જીતી,દશ માંડલિક રાજાઓ સહિત લોહિત નામના નગર પર વિજય મેળવ્યો.


હે રાજન,ત્યાર બાદ,ત્રિગર્ત,દાસક તેમજ કોકનદ દેશોના અનેક ક્ષત્રિયો,સંપૂર્ણ રીતે તેના શરણે આવ્યા.

પછી,તેણે,રમણીય અભિસારી નગરી જીતી ને ઉરગા નગરીમાં રહેનાર રોચમાનને હરાવ્યો.

એ પછી,ચિત્રાયુધ દ્વારા રક્ષાયેલા સિંહપુરને જીતી,સુહમો,ચોલો,બાહલીકો,કામ્બજો,દરદો,ને 

ઈશાન ખૂણાના દસ્યુઓ ને જેઓ વનમાં નિવાસ કરતા હતા તે સર્વને જીતી લીધા.(24)


હે મહારાજ,તે ઇન્દ્રપુત્રે,લોહોને,પરમકામ્બજોને તથા ઉત્તર ઋષિકોને એકસાથે હરાવ્યા.ઋષિકોની પાસેથી તેણે,

પોપટના પેટના જેવા સોનેરી રંગવાળા આઠ ઘોડાઓ તેમજ તેજ ગતિવાળા બીજા ઘોડાઓ પણ લીધા.

આમ,નિષ્કુટગિરિ સાથે હિમવાન પ્રદેશોને જીતીને તે અર્જુને શ્વેતપર્વત પર આવી વિશ્રામ કર્યો (29)

અધ્યાય-27-સમાપ્ત 


અધ્યાય-૨૮-અર્જુનના દિગ્વિજયની સમાપ્તિ 


II वैशंपायन उवाच II स श्वेतपर्वत वीरः समतिक्रम्य वीर्यवान I देशं किंपुरुषावासं द्रुमपुत्रेण रक्षितम् II १ II

વૈશંપાયન બોલ્યા-તે પરાક્રમી વીર,શ્વેતપર્વતને ઓળંગીને,દ્રુમના પુત્રે રક્ષેલી,કિંપુરુષની નિવાસભૂમિને જીતી,તેને ખંડણી આપતો કર્યો.પછી,ગુહ્યકોએ રક્ષેલા હાટકદેશને જીતી,ઉત્તમ માનસસરોવરનાં ને ઋષિ-નદીઓનાં દર્શન કર્યા.ને પછી ગંધર્વનગરને જીતી,તેણે તિત્તીરી,કુલમાષ અને મંડૂક નામના ઉત્તમ ઘોડાઓ પ્રાપ્ત કર્યા.(6)


પછી,એ હરિવર્ષથી આગળ ગયો ને તે દેશને જીતવાની ઈચ્છા કરી,એટલે મહાપરાક્રમવાળા ને મહાકાય દ્વારપાલો એની આગળ આવીને બોલ્યા કે-હે પાર્થ,તું આ નગરને કોઈ પણ રીતે જીતી શકે તેમ નથી,તું પાછો વળ,

જે માણસ આ નગરમાં પ્રવેશે છે તે અવશ્ય નાશ પામે છે,અમે તારાથી પ્રસન્ન છીએ,અહીં સુધી આવી પહોંચવું,એ જ તારો મોટો વિજય છે. હે અર્જુન,અહીં કશું પણ જીતવા જેવું જણાતું નથી,આ તો ઉત્તર કુરૂદેશ છે,અહીં યુદ્ધની પ્રવૃત્તિ નથી,અહીં પ્રવેશ કરીને તું કશું જોઈ પણ શકવાનો નથી,કેમ કે મનુષ્યદેહથી અહીં કશું જોવાય એમ નથી.તું બીજું કંઈ ઈચ્છતો હોય તો કહે,તારા વચન મુજબ અમે કરીશું' ત્યારે અર્જુને કહ્યું કે-ધર્મરાજને ચક્રવર્તી પદ મળે તેમ હું ઈચ્છું છું,જો તમારા આ પ્રદેશમાં માનવોને પ્રવેશવાનો નિષેધ હોય તો હું તેમાં પ્રવેશ કરીશ નહિ,પણ તમે કર તરીકે કંઈ આપો.આથી,તે દ્વારપાલોએ તેને દિવ્ય વસ્ત્રો,અલંકારો,ચર્મો-આદિ  કરરૂપે આપ્યાં.(16)


આ પ્રમાણે તે પુરુષસિંહે,ઉત્તર દિશામાં વિજય મેળવ્યો ને સર્વ રાજાઓને ખંડણી આપતા કરી તેઓ પાસેથી 

ધનસંગ્રહ ને વિવિધ રત્નો,ઘોડાઓ વગેરે લઈને,તે ઇન્દ્રપ્રસ્થ નગરીમાં પાછા આવ્યો અને તે સર્વ ધન-આદિ 

ધર્મરાજને આપ્યાં,ને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને તે પોતાના ભવનમાં ગયો.(21)

અધ્યાય-.28-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE