Jul 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-239

દિગ્વિજય પર્વ 

અધ્યાય-૨૫-દિગ્વિજયનું સંક્ષિપ્ત વર્ણન 

II वैशंपायन उवाच II प्रार्थः प्राप्य धनुः श्रेष्ठमक्षय्यो च महेपुधि I रथं ध्वजं समां चैव युधिष्ठिरम मापत II १ II

વૈશંપાયન બોલ્યા-ઉત્તમ ધનુષ્ય,બે અક્ષય ભાથા,રથ,ધજા ને સભા પ્રાપ્ત કરીને અર્જુને યુધિષ્ઠિરને કહ્યું કે-

'હે રાજન,ધનુષ્ય,અસ્ત્રો,બાણો,શક્તિ,પક્ષ,ભૂમિ,યશ અને બળ-એ બધી મારી મનગમતી વસ્તુઓ દુર્લભ હોવા છતાં મને મળી છે,આથી હવે મને લાગે છે કે-ભંડારમાં ભરતી લાવવી જોઈએ.હે રાજન,હું સર્વ રાજાઓ પાસેથી કર ઉઘરાવીશ.ને હવે શુભ તિથિ,મુહૂર્ત ને નક્ષત્ર હું કુબેરે રક્ષેલી ઉત્તર દિશા તરફ વિજયપ્રસ્થાન કરવાનું વિચારું છું.

ત્યારે યુધિષ્ઠિરે સ્નિગ્ધ ને ગંભીર વાણીમાં કહ્યું કે-યોગ્ય વિપ્રો પાસે સ્વસ્તિવાચન કરવું અને શત્રુઓને શોક ને સ્નેહીઓને આનંદ આપવા તું વિજય પ્રયાણ કર.હે પાર્થ,તારો ચોક્કસ વિજય થશે ને તું તારો મનોરથ સિદ્ધ કરશે'

યુધિષ્ઠરે આમ કહ્યું,એટલે મહાન સેનાથી ઘેરાયેલા,અર્જુને અગ્નિએ આપેલા એ અદભુત કર્મવાળા વિજયરથમાં બેસીને પ્રયાણ કર્યું.તે જ પ્રમાણે ભીમસેન,નકુલ ને સહદેવે પણ યુધિષ્ઠિરથી સન્માનિત થઈને વિજયયાત્રા આદરી.


હે રાજન,ધનંજયે,કુબેરની ઉત્તર દિશા જીતી,ભીમસેને પૂર્વ દિશા જીતી,સહદેવે દક્ષિણ દિશા જીતી અને નકુળે પશ્ચિમ દિશા જીતી.ને સમર્થ ધર્મરાજ ખાંડવપ્રસ્થમાં,મિત્રમંડળથી વીંટાઈ રાજ્યલક્ષ્મી ભોગવતા હતા,(11)

અધ્યાય-25-સમાપ્ત 


અધ્યાય-૨૬-ભગદત્તનો પરાજય 


II जनमेजय उवाच II दिज्ञामभिजयं ब्रह्मन विस्तरैणानुकीर्तर्य I न हि तृप्यामि पूर्वेषां शृण्वानश्चरितं महत् II १ II

જન્મેજય બોલ્યા-'હે બ્રહ્મન,મારા પૂર્વજોનાં મહાન ચરિતોને સાંભળતાં મને તૃપ્તિ જ થતી નથી,

તમે આ દિગ્વિજય વિષે વિસ્તારથી કહો'


વૈશંપાયન બોલ્યા-પ્રથમ હું તમને ધનંજયે કરેલા દિગ્વિજય વિશે કહીશ.સૌ પ્રથમ ધનંજયે કુલિંદ દેશના રાજાઓને અલ્પ પ્રયત્ને વશ કર્યા.ત્યાર બાદ,આનર્ત,કાલકૂટ અને સુમંડલ રાજાના સૈન્યને હરાવીને,સુમંડલ સાથે રહીને 

શાકલદ્વીપને જીત્યો ને પ્રતિવિન્ધ્ય રાજાને અધીન કર્યો.સાત દ્વીપોમાં તથા શાકલદ્વીપમાં જે રાજાઓ હતા,

તેમની ને તેમની સેનાઓ સાથે અર્જુને તુમુલ યુદ્ધ કરીને એ મહાધનુર્ધારીઓને હાર આપી.


પછી,એ સૌ સાથે તેણે,પ્રાગજ્યોતિષ પર ચડાઈ કરી,કે જ્યાં ભગદત્ત નામે મહાન રાજા હતો.

તે રાજાની પાસે કિરાતો,ચીનાઓ અને બીજા અનેક સાગરકાંઠાના દેશવાસી યોદ્ધા હતા.

તે ભગદત્તે ધનંજય સાથે આઠ દિવસ યુદ્ધ કર્યું.


પછી,સંગ્રામમાં થાકરહિત એવા અર્જુનને તે રાજાએ હસતાં હસતાં કહ્યું કે-'હે પાંડુપુત્ર,યુદ્ધને શોભાવનારા એવા તને આ પરાક્રમ ઘટે છે,હું ઇન્દ્રનો મિત્ર છું ને યુદ્ધમાં હું ઈન્દ્રથી ઉતરતો નથી,છતાં,આ યુદ્ધમાં હું તારી સામે ઉભો રહી શકતો નથી,તું કહે કે હું તારું શું ઈચ્છીત કાર્ય કરું?તું જે કહે તે હું કરીશ.(13)


અર્જુન બોલ્યો-'કુરુનંદન,ધર્મરાજ યુધિષ્ઠિર,વિપુલ દક્ષિણ વાળો યજ્ઞ કરવાની ઈચ્છા રાખે છે,તો તેમને કર આપો.

તમે મારા પિતાના સ્નેહી છી ને મારા પર પ્રસન્ન થયા છો,એટલે હું આજ્ઞા કરતો નથી,પ્રીતિપૂર્વક કર આપો.

ભગદત્ત બોલ્યો-હે અર્જુન,મારે તો જેવો તું છે,તેવો જ રાજા યુધિષ્ઠિર છે,તે હું કરીશ,બોલ બીજું હું શું કરું? 

અધ્યાય-26-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE