Jul 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-238

અધ્યાય-૨૪-જરાસંઘનો વધ 

II वैशंपायन उवाच II भीमसेनस्तत: कृष्णमुवाच यदुनंदनम I बुध्धिमास्थाय विपुलां जरासंघश्चवधेप्सया  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીમસેને પોતાની વિશાલ બુદ્ધિનો સહારો લઈને,જરાસંઘના વધની ઈચ્છાથી,

શ્રીકૃષ્ણને કહ્યું કે-'આ જરાસંઘે,લંગોટથી પોતાની કમર ખૂબ જ કસી લીધી છે,આ પાપીના પ્રાણ મારા વશમાં આવે તેમ મને લાગતું નથી'ત્યારે શ્રીકૃષ્ણે ભીમસેનને ઉત્તેજિત કરતાં કહ્યું કે-'હે ભીમ તારું જે સર્વોત્કૃષ્ટ દૈવી સ્વરૂપ છે,તે અને વાયુદેવતાએ તને જે બળ આપ્યું છે,તેનો હવે આજે જરાસંઘ પર ઉપયોગ કરી બતાવ.

આ જરાસંઘ તારે હાથે જ મરવાનો છે-એ વાત મેં એ વખતે આકાશવાણીથી સાંભળી હતી કે જયારે,બલરામ દ્વારા જરાસંઘનો પ્રાણ લેવાનું યુદ્ધ થયું હતું,ત્યારે આકાશવાણીને લીધે,ગોમંત પર્વત પર બલરામે એને જીવતો છોડી દીધો હતો,બાકી,બલરામજીના હાથે ચડેલો કોઈ પણ બીજો માણસ શું બચી શકે તેમ છે? હે ભીમ,તારા સિવાય બીજા કોઈથી એ મારવાનો નથી, માટે વાયુદેવનું સ્મરણ કરીને આ જરાસંઘને મારી નાખ (4)


શ્રીકૃષ્ણે આપેલા સંકેત ને ઉત્સાહથી,ભીમે જરાસંઘને ઉઠાવીને,આકાશમાં વેગથી ઘુમાવવા માંડ્યો.

ને ત્યારે શ્રીકૃષ્ણે હવે જરાસંઘના વધનો ઉપાય બતાવવા,એક લાકડાની ડાળી હાથમાં પકડીને,તેને દાતણના 

જેમ બે ફાડ કરવામાં આવે છે તેમ બે ટુકડામાં ફાડી નાખી,અને આ રીતે તેમણે ભીમને સંકેત આપ્યો.

ત્યારે ભીમે.શ્રીકૃષ્ણના સંકેતને સમજીને,પોતાના એક હાથથી એક પગ ને બીજા પગ પર પોતાનો પગ મૂકીને 

તે જરાસંઘના શરીરના બે ભાગમાં બે ચીરા કરી નાખ્યા.પણ આશ્ચર્યની વચ્ચે,તે બંને ભાગ ફરીથી જોડાઈ ગયા 

ને તે જરાસંઘ ફરીથી યુદ્ધ કરવા લાગ્યો.ત્યારે શ્રીકૃષ્ણે ફરીથી લાકડાની ડાળી હાથમાં પકડીને,તેના ચીરા કરીને 

તે બંનેને જુદીજુદી દિશામાં ફેંકી દીધા.જરાસંઘના વધ માટેનો આ બીજો સંકેત હતો.


શ્રીકૃષ્ણના આ સંકેતથી,ભીમે ફરીવાર જરાસંઘના શરીરના બે ભાગમાં ચીરા કરીને અલગ અલગ દિશામાં 

ફેંકી દીધા.ને આ રીતે હવે જરાસંઘ પૂર્ણ રીતે મૃત્યુ પામ્યો.ને તેથી ભીમે વિજય ગર્જના કરી.

પછી,શ્રીકૃષ્ણે જરાસંઘનો ધજાવાળો રથ જોડીને,તેમાં બેસીને કેદ પકડેલા રાજાઓને છોડાવ્યા.

આ એ જ રથ હતો કે જેમાં બેસીને ઇન્દ્રે નવ્વાણું દાનવોને માર્યા હતા,આ રથને ઇન્દ્ર પાસેથી વસુરાજાએ 

મેળવ્યો હતો,ને વસુ પાસેથી બૃહદ્રથ ને પછી તે જરાસંઘ પાસે (ક્રમપૂર્વક) આવ્યો હતો.(28)


પછી,શ્રીકૃષ્ણ ગિરિવ્રજમાંથી નીકળી,સપાટ ભૂમિ આવ્યા,ત્યારે બ્રાહ્મણ આદિ સર્વ નગરજનોએ આવી અને શાસ્ત્રવિધિ પ્રમાણે તેમની સત્કાર ક્રિયા કરી.બંધનમાંથી છૂટેલા રાજાઓએ કૃષ્ણનું પૂજન કરીને કહ્યું કે-

'હે મહાબાહુ,દુઃખરૂપી કાદવથી ભરેલા અને જરાસંઘરૂપી ઘોર ધરામાં ડૂબેલા એવા અમારા સર્વનો તમે આજે ઉદ્ધાર કર્યો છે,અમે આપને પ્રણામ કરીએ છીએ.અમે આપનું શું ભલું કરીએ?આપ આજ્ઞા આપો.

આપનું કાર્ય ભલે મહાન કઠિન હશે તો પણ અમે તેને કર્યું જ છે એમ તમે જાણજો.(35)


શ્રીકૃષ્ણ બોલ્યા-યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવા ઈચ્છે છે,ને સમ્રાટપદની ઈચ્છા રાખે છે,તેમને સહાય કરો.

સર્વ રાજાઓએ તેમનું વચન વધાવી લીધું ને 'ભલે તેમ હો' એમ કહ્યું.

પછી,જરાસંઘનો પુત્ર સહદેવ,પોતાના પ્રધાનો સાથે,પુરોહિતને આગળ કરીને આવ્યો.ને ઘણાં રત્નો ધરીને,

વાસુદેવને લળીલળીને પાયે લાગી તેમની સેવામાં ઉભો રહ્યો.ત્યારે,ભયથી પીડાતા એ સહદેવને શ્રીકૃષ્ણે અભયદાન  આપ્યું ને તેણે ભેટ આપેલાં રાતનો સ્વીકાર્યા.પછી તે જ સ્થળે,તેમણે સહદેવનો રાજ્યાભિષેક કર્યો.

ત્યાર બાદ,તે સહદેવ નગરમાં ગયો ને શ્રીકૃષ્ણે અનેક રત્નો ને પાંડુપુત્રો સાથે ત્યાંથી પ્રયાણ આદર્યું.(45)


બે પાંડવો સાથે આઈવને શ્રીકૃષ્ણ ધર્મરાજને મળ્યા ને પ્રસન્નતાપૂર્વક બોલ્યા કે-'ભીમસેને બળવાન જરાસંઘને હણ્યો છે ને રાજાઓ બંધનમાંથી છૂટયા છે.સદ્ભાગ્યથી બંને પાંડુપુત્રો ક્ષેમપૂર્વક પાછા આવ્યા છે.

પછી,યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણનું યથાયોગ્ય પૂજન કર્યું ને હર્ષપૂર્વક ભાઈઓ ભીમ ને અર્જુનને ભેટ્યા.

આ પ્રમાણે મહાબુદ્ધિમાન જનાર્દને,તે સમયે જરાસંઘને પાંડવો દ્વારા હણાવ્યો હતો.(53)


આમ,મહાયશ સંપાદન કરીને,રાજાઓને અભયદાન આપીને,ને સર્વની રજા લઈને શ્રીકૃષ્ણ,

પોતાના નગર,દ્વારકા તરફ પધાર્યા.પાંડવોનું આ મોટું કાર્ય થવાથી તેમનો પણ યશ અનેક ગણો વધ્યો.

વળી,ધર્મ,અર્થ,ને કામથી યુક્ત,કીર્તિને યોગ્ય તથા પ્રજાપાલન માટેનાં જે કોઈ યોગ્ય કર્યો હતાં,

તે બધાં,રાજા યુધિષ્ઠિર ધર્મપૂર્વક કરતા હતા.(60)

અધ્યાય-24-સમાપ્ત 

જરાસંઘ વધ પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE