II वैशंपायन उवाच II ततस्तं निश्चितात्मानं युद्धाय यदुनन्दनः I उवाच वाग्मी राजानं जरासंघमधोंक्षज II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,યુદ્ધને માટે નિશ્ચિત મનવાળા થયેલા જરાસંઘ રાજાને,વાણીમાં કુશળ શ્રીકૃષ્ણે કહ્યું કે-
'હે રાજન,ત્રણમાંથી કયા એકની સાથે તારું મન ઉત્સાહ ધરે છે? અમારામાંથી કોણ તારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય?' ત્યારે જરાસંઘે,ભીમસેનની સાથે ગદાયુદ્ધ માગી લીધું.એટલે તે વખતે,ગોરોચન,માળાઓ,મંગલ પદાર્થો,
મુખ્ય ઔષધિઓ ને ભાન લાવનારાં સાધનો લઈને પુરોહિત ત્યાં જરાસંઘ પાસે આવ્યો.તે બ્રાહ્મણે રાજાને
સ્વસ્તિવાચન કર્યું,એટલે ક્ષાત્રધર્મને સંભારતો જરાસંઘ યુદ્ધ માટે તૈયાર થયો.(5)
તેણે પોતાનો મુગટ ઉતારી નાખ્યો ને વાળોને બરાબર બાંધી દીધા.ભીમની સામે જઈને તે બોલ્યો કે-
'હે ભીમ,હું તારી સાથે લડીશ.શ્રેષ્ઠને હાથે હારવું તે પણ સુંદર છે'
સામે,શ્રીકૃષ્ણ સાથે મંત્રણા કરીને સ્વસ્તિવાચન પામીને ભીમસેન પણ આવીને ઉભો.પ્રથમ,તેમણે એકબીજાના હાથને સ્પર્શીને પાદાભિવંદન કર્યું,પછી,કાખો સાથે કાખ કંપાવી અને બાજુ ઠોકીને અવાજ કર્યો.એકબીજાના ખભાને હાથથી પકડી તેમના પર વારંવાર પ્રહારો કર્યા,અને અંગને અંગો સાથે ભેટાડી વારેવારે અફાળવા લાગ્યા,હવે ચિત્રહસ્તાદિ ક્રિયાઓ (વેગથી હાથ સંકોચવો,લાંબો કરવો,ઉપર નીચે ફેરવવો,મુઠ્ઠી વાળવી,આંટીઓ નાખવી-ઇત્યાદિ)કરીને એકબીજાની બગલમાં હાથ નાખીને એકબીજાને આંટી નાખવા લાગ્યા.(13)
પછી,માત્ર હાથરૂપી હથિયારવાળા ને મેઘની જેમ ગર્જતા,બે હાથીઓની જેમ તે બંને બાહુપાશ વગેરે બંધનો કરીને,ઉરોહસ્ત (છાતી પર ચોપટ)મારીને પૂર્ણકુંભ મુદ્રા (આંગળીઓને એકત્ર ગૂંથી બે હાથની વચ્ચે માથું ઘાલી દબાવવું) રચીને એકબીજાના માથા ઉપર પાદાઘાત કરવા લાગ્યા.તેઓ પોતાના હાથોથી એકબીજાના અંગો દબાવતા હતા અને હાથોથી પેટને વીંટી લઈને પકડતા હતા.ને પરસ્પર કમર ને પાંસાઓમાં હસ્તબંધ કરતા હતા.
તેઓ સર્વ મર્યાદાઓને વટાવીને એકબીજાની પીઠ ભાંગતા હતા ને સંપૂર્ણ મૂર્છા ને પૂર્ણકુંભ કરતા હતા.
વળી,તેઓ યચેચ્છ રીતે તૃણપીડ (ઘાસની નેમ આમળવું) કરતા હતા અને એક અંગ ઉપર મુઠ્ઠીઓ મારી,
તો બીજાં અંગો પર પ્રહાર કરીને અત્યંત કુશળતાથી મલ્લયુદ્ધ કરતા હતા (20)
એ સમયે,તેમનું મલ્લયુદ્ધ જોવા,નગરવાસીઓ હજારોની સંખ્યામાં ટોળે વળ્યા હતા.
તે બંનેના હાથના પ્રહારથી તેમ જ નિગ્રહપ્રગહના દાવોથી,વજ્ર ને પર્વતના જેવો અતિભયંકર આઘાત થતો હતો.
ઘણા પ્રેક્ષકો,ભયના માર્યા દૂર નાસી જતા હતા.તેઓ પ્રકર્ષણ,આકર્ષણ,અનુકર્ષણ,અને વિકર્ષણ વગેરે પેચોથી એકબીજાને ખેંચાતા હતા ને ઘૂંટણથી આઘાત કરતા હતા.ઘોર શબ્દોથી એકબીજાની નિંદા કરીને,તેઓ
એકબીજાને હાથોથી,લોઢાની પરિઘો જેવા પંજા મારી રહ્યા હતા.(28)
કાર્તિક માસના પ્રથમ દિવસથી મંડાયેલું આ યુદ્ધ તેર દિવસ સુધી,રાતદિવસ,ભોજન વિના અને અવિશ્રાંત ચાલ્યું,
પણ ચૌદસની રાતે મગધરાજ જરાસંઘ,થાકને કારણે યુદ્ધ કરતો બંધ થયો,ત્યારે જનાર્દને ભીમને ઉદ્દેશી કહ્યું કે-
હે ભીમ,રણમાં થાકેલા શત્રુને અધિક પીડા ના આપવી કેમ કે તે પોતે વધુ પીડાથી જીવ છોડી દે છે,માટે તું હાથોથી સમભાવથી યુદ્ધ કર' જનાર્દનના કહેવાથી,ભીમે જરાસંઘની સ્થિતિ જાણીને તેને મારવાનો વિચાર કર્યો.
ને તે અજિત એવા જરાસંઘને જીતવા,તે વૃકોદરે ભારે ક્રોધ ધારણ કર્યો (35)
અધ્યાય-23-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE