Jul 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-236

 
અધ્યાય-૨૨-જરાસંઘની યુદ્ધ માટેની તૈયારી 

II जरासंघ उवाच II न स्मरामि कदा वैरं कृतं युष्माभिरिव्युत I चिंतयश्च न पश्यामि भवतां प्रति विकृतं II १ II

જરાસંઘ બોલ્યો-મને સાંભરતું નથી કે મેં તમારી સાથે વેર કર્યું હોય,કે તમારું ભૂંડું કર્યું હોય.તો મને વિના અપરાધીને શા માટે તમે શત્રુ માનો છો? તે મને કહો.કેમ કે સત્પુરુષોનો આ નિયમ છે.

ધર્માર્થ પર આઘાત થવાથી મન ઉકળી ઉઠે છે કેમ કે જે ક્ષત્રિય ધર્મજ્ઞ ને મહારથી હોવા છતાં,નિર્દોષને બટ્ટો લગાવે છે,તે નિઃસંશય આ લીકમાં વિપરીત આચરણ કરીને પાપીઓની ગતિને પામે છે.ત્રણે લોકમાં સદાચારીઓ માટે ક્ષત્રિય ધર્મ કલ્યાણકારી છે,ધર્મને જાણનારા મનુષ્યો તો બીજા ધર્મની પ્રશંસા કરતા નથી,હું પોતે સ્વધર્મમાં નિયમ પરાયણ છું,પ્રજા પ્રત્યે હું નિર્દોષ છું,છતાં તમે મારી આગળ આજે જાણે પ્રમાદમાં બડબડાટ કરો છો.(6)

શ્રીકૃષ્ણ બોલ્યા-હે મહાબાહુ,કોઈ એક કુલશ્રેષ્ઠ પુરુષ કુળનું કાર્ય કરી રહ્યો છે,ને તેની આજ્ઞાથી અમે તારી સામે આવ્યા છીએ.તેં આ લોકમાં ક્ષત્રિયોને બહુ હેરાન કર્યા છે,ને આ ક્રૂર અપરાધ કર્યા છતાં,તું પોતાને નિરપરાધી કેમ માને છે? તું રાજાઓને કેદ પકડીને તેમનું રુદ્રને બલિદાન ચડાવવા ઈચ્છે છે,તો તારું પાપ અમને પણ લાગે કેમ કે અમે ધર્મચારીઓ છીએ અને ધર્મના રક્ષણમાં સમર્થ છીએ.યજ્ઞમાં માણસોનો વધ કદી એ પણ જાણ્યો નથી તો મહાદેવનો યજ્ઞ,માનવબલિથી કેમ કરવા માગે છે? તું મિથ્યાબુદ્ધિ છે,એટલે જ ક્ષત્રિય હોવા છતાં,તારા જ વર્ણનના ક્ષત્રિયોને તું આમ પશુનું નામ આપવા ધારે છે.બીજો કોઈ પણ આમ કરી શકે નહિ.(12)


જે મનુષ્ય,જેજે અવસ્થામાં જેજે કર્મ કરે છે,તેતે અવસ્થામાં તેતે ફળ પામે છે.દુખિયાની વહારે ધાનારા અમે,

જ્ઞાતિની વૃદ્ધિની નિમિત્તે,જ્ઞાતિક્ષય કરનારા તને હણવા માટે આવ્યા છીએ.તું મને છે કે,આ લોકમાં તારા જેવો બીજો કોઈ ક્ષત્રિય પુરુષ નથી,પણ એ તારો ભ્રમ છે.વિપુલ માગધી સેનાને લીધે અતિશય અભિમાનમાં છકેલો તું શત્રુઓની અવગણના કરીશ નહિ કારણકે ભલે,પ્રત્યેક પુરુષમાં તારા જેવું પુરુષાતન ન હોય,પણ,તારી બરાબરી કે તારાથી વિશેષ બળને ધરાવનારને તેં જ્યાં સુધી જાણ્યો નથી,ત્યાં સુધી જ તને ગર્વ રહેશે.તારાં કાર્યો અમારા માટે અસહ્ય છે એટલે તને કહી દઉં છું કે સમાન પુરુષો આગળ તું તારાં માન ને અભિમાનને છોડી દે.(23)


અમે તારી સાથે યુદ્ધ કરવા ઇચ્છીએ છીએ.નિઃસંશય અમે બ્રાહ્મણો નથી.હું પુરસેનપૌત્ર હૃષીકેશ છું અને આ બે નરવીર પાંડવો છે,હું આ બંનેના મામાનો પુત્ર થાઉં છું અને તારો શત્રુ કૃષ્ણ છું.અમે તને આહવાન આપીએ છીએ કે,તું સર્વ રાજાઓને છોડી દે અથવા યુદ્ધ કરીને યમસદન સિધાવ (27)


જરાસંઘ બોલ્યો-હું કોઈ પણ રાજાને જીત્યા વિના કેદમાં નાખતો નથી,ક્ષત્રિયને માટે એ જ ધર્મ છે કે,પરાક્રમથી શત્રુને વશમાં લાવી,ઈચ્છા મુજબનું આચરણ કરવું.તે કેડી રાજાઓને દેવતાના બલિ માટે લાવ્યા પછી,

આજે હું યુદ્ધની બીકને લીધે તેમને કેમ છોડી મુકું? એટલે વ્યુહબદ્ધ સેનાએ સાથે સૈન્યથી,એકલા સાથે એકલો ને 

તમારા બે કે ત્રણ સાથે,એકી સાથે કે છૂટોછૂટો-એમ હું લડવાને માટે તૈયાર છું.(31)


વૈશંપાયન બોલ્યા-આમ,લડવાની ઈચ્છા રાખતા જરાસંઘે,પોતાના પુત્ર સહદેવનો રાજ્યાભિષેક કરવાની 

આજ્ઞા  આપીને,યુદ્ધનો સમય આવી ગયેલો જાણીને તેને પોતાના સેનાપતિઓને યાદ કર્યા.

શ્રીકૃષ્ણે પણ,જરાસંઘને,યાદવોથી અવધ્ય ને બીજાને હાથે વધ્ય જાણ્યો,

ને તેવી બ્રહ્માની આજ્ઞાને માન આપીને,તેમણે પોતે જરાસંઘને મારવાની ઈચ્છા કરી નહિ.(37)

અધ્યાય-22-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE