અધ્યાય-૨૧-શ્રીકૃષ્ણ અને જરાસંઘનો સંવાદ
II वासुदेव उवाच II एष पार्थ महान् भाति पशुमान्नित्यIमंब्रुमान I निरामयः स्वेश्माल्यो निवेशो मागधः शुभः II १ II
વાસુદેવ બોલ્યા-હે પૃથાનંદન,પશુઓથી ભરેલા,નિત્ય પાણીથી પૂર્ણ,ઉપદ્રવ વિનાના અને સુભવનથી સમૃદ્ધ,
આ શુભ અને મહાન મગધદેશનો સીમાડો શોભે છે.એકમેકના અંગરૂપે જોડાયેલા શૈલ,વરાહ,વૃષભાચલ,
ઋષિગિરિ અને ઐત્યક-એ મહાશિખરવાળા વારવાતો,જાણે કે સાથે રહીને ગિરિવ્રજનું રક્ષણ કરી રહ્યા છે.
અહીં,ગૌતમમુનિએ,ઔશીનરી નામની ક્ષુદ્રામાં કાક્ષીવાન આદિ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા.શુદ્ર સ્ત્રીને પેટે જન્મેલા હોવા છતાં,તે કાક્ષીવાન-આદિના વંશજો,ગૌતમના ઐશ્વર્ય વડે મગધદેશના રાજાઓ ગણાય છે.(6)
હે અર્જુન,પૂર્વે,અંગ,વંગ,આદિ બળવાન રાજાઓ પણ ગૌતમને આશ્રમે આવીને આનંદ લેતા હતા.
શત્રુને તાપ આપનારા,અર્બુદ અને શક્રવાપી નામના બે નાગો અહીં રહે છે,ને સ્વસ્તિક તથા મણિનાગનું
પણ આ ઉત્તમ નિવાસસ્થાન છે.મનુએ આ મગધદેશ મેઘ વિનાનો ન રહે તેવો કર્યો છે.કૌશિકે ને મણિમાને પણ એના પર કૃપા કરી છે.આવા,રમ્ય ને ચારે બાજુ સુરક્ષિત નગરને પામીને જરાસંઘ,પોતાને અનુપમ અર્થસિદ્ધિ મળ્યાનું અભિમાન રાખે છે.પણ આપણે તેના પર ચડીને તેનો ગર્વ ઉતારી નાખીશું.(12)
વૈશંપાયન બોલ્યા-આમ કહીને તે ત્રણે મગધપુર તરફ ચાલ્યા.હૃષ્ટપુષ્ટ માનવીઓથી ભરેલા,ચારે વર્નની પ્રજાથી ભરેલા,ને બીજાથી જીતાય નહિ તેવા ગિરીવજ્ર સુધી તેઓ પહોંચીને,નગરના મુખ્ય દરવાજે ન જતાં,તેઓ,
એક ઊંચા ગઢબુરજ તરફ ગયા.કે જેને નગરવાસીઓ પૂજતા હતા,ને જે મગધવાસીઓનું સ્મરણચિહ્નન હતું.
એ જગાએ,બૃહદ્રથે,એક માંસાહારી આખલા પર ચડાઈ કરી હતી,ને તેને મારીને તેના ચામડાથી ત્રણ ભેરીઓ મઢાવી હતી.એ ભેરીઓ વગાડતાં,મહિના સુધી તેનો ઘોષ ગાજયા કરતો હતો.તેમણે એ ત્રણ ભેરીઓને તોડી નાખી અને સ્મરણચિહ્નન રૂપ બુરજ તરફ પગલાં માંડ્યાં.
જરાસંઘને મારવા ઇચ્છતા તે ત્રણ વીરોએ,પોતાના વિપુલ બાહુઓથી,વિશાલ,સ્થિર,મહાન,પ્રાચીન અને માળાઓથી પૂજાયેલા ને સદૈવ અચલ ઉભેલા એ શિખર પર પ્રહાર કર્યો ને તેને ગબડાવી નાખ્યો.
ને આનંદિત થઈને હવે તેઓ નગરમાં પ્રવેશ્યા.એ જ વખતે બ્રહ્મણોએ અપશુકન થતા જોઈને,જરાસંઘને
બતાવ્યા ને પુરોહિતોએ રાજાને હાથી પર બેસાડી,અગ્નિ ફરતી આરતી કરી.ને જરાસંઘને અપશુકનની
શાંતિ માટે દીક્ષા દીધી,ને તેથી તે રાજા નિયમપરાયણ થઈને ઉપવાસમાં રહ્યો.
પછી,હે ભારત,જરાસંઘ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા,સ્નાતકના વ્રતવાળા,આયુધો વિનાના,અને માત્ર બાહુરૂપી શસ્ત્ર ધારણ કરનારા,તે ત્રણ વીરોએ પ્રવેશ કરીને તેના રાજમાર્ગે જતાં,નગરની સમૃદ્ધિ જોઈ,
અને બળ કરીને માળી પાસેથી માળાઓ લઇ,તે પહેરીને જરાસંઘના ભવને પહોંચ્યા.
જરાસંઘે ઉઠીને તેમને વિધિપૂર્વક સન્માન આપ્યું ને કહ્યું કે-'તમારું સ્વાગત હો'
ભીમ ને અર્જુન તે વખતે મૌન રહ્યા,ને મહાબુદ્ધિવાળા શ્રીકૃષ્ણ બોલ્યા કે-'હે રાજેન્દ્ર,આ બે વ્રતધારી છે,
એટલે મધરાત પહેલાં તમારી સાથે બોલશે નહિ' એટલે રાજા તેમને યજ્ઞશાળામાં લઇ જઈ ત્યાં વાસ આપ્યો,
ને પોતે રાજગૃહમાં ગયો.પછી,મધરાતે ત્યાં પાછો તેમને મળવા આવ્યો.એટલે રાજાને જોઈને તે ત્રણે બોલ્યા કે-
'હે રાજન,તમારું કુશળમંગલ હો' ને પછી તેઓ એકબીજાને જોતા ઉભા રહ્યા.(41)
જરાસંઘ બોલ્યો-'હે મહારાજ વિરાજો.'એટલે તે ત્રણે ત્યાં બેઠા.પછી જરાસંઘ,તેમના બનાવટી વેશોને ઓળખી ગયો,ને તેમને ઠપકો આપતાં કહ્યું કે-'હું પુરી રીતે જાણું છું કે-આ માનવલોકમાં સ્નાતકનું વ્રત રાખનારા બ્રાહ્મણો,અકારણ માળા ને અંગરાગને ધારણ કરતા નથી,પણ તમે માળાધારી છો,અને તમારા હાથો પણછ ચડાવ્યાની નિશાનીવાળા છે,તમે ક્ષાત્રતેજ વાળા છો છતાં તમે પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવો છો,
તો તમે કોણ છો?રાજા આગળ તો સત્ય જ શોભે,રાજાના અમંગળની બીક રાખ્યા વિના,પર્વતની ટોચ ભેદીને તમે શા માટે આડે માર્ગે થઈને નગરમાં પેઠા છો?બ્રાહ્મણનું બળ તો વાણીમાં હોય છે,તમારું આ કર્મ બ્રાહ્મણને અયોગ્ય છે.તો કહો કે તમે આજે શું ધાર્યું છે?તમે આમ મારી પાસે આવ્યા છો,અને છતાં,મેં આપેલા વિધિપૂર્વક સત્કારને તમે કેમ સ્વીકારતા નથી? તો કહો કે મારી પાસે આવવાનું પ્રયોજન શું છે?
શ્રીકૃષ્ણ બોલ્યા-હે નરપતિ,તમે અમને સ્નાતક બ્રાહ્મણો જ જાણો.બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્ય-એ ત્રણે સ્નાતકનું વ્રત લઇ શકે છે,પણ તેમનામાં સામાન્ય ને વિશેષ નિયમો હોય છે.વિશેષ નિયમોવાળા ક્ષત્રિય સદા સૌભાગ્ય પામે છે,
પુષ્પધારીઓને ચોક્કસ લક્ષ્મી મળે છે,તેથી અમે પુષ્પ ધારણ કરીએ છીએ.હે રાજન,બ્રહ્માએ ક્ષત્રિયોના ભુજમાં તેમનું વીર્ય ભર્યું છે,તમે તે જોવા ઇચ્છતા હો તો નિઃસંશય હમણાં જ તેને જોશો.ધીર પુરુષો શત્રુના ભવનમાં આડે બારણેથી જાય છે ને મિત્રોના ઘરમાં મુખ્ય દ્વારેથી જાય છે,એવો દ્વારો વિશેનો ધર્મનિર્ણય છે.
અમે કાર્યને અંગે શત્રુભવનમાં આવ્યા છીએ,એટલે શત્રુએ આપેલી પૂજા સ્વીકારવાને અમે યોગ્ય નથી.
આ અમારું અચલ વ્રત છે એમ તમે જાણો (57)
અધ્યાય-21-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE