અધ્યાય-૨૦-જરાસંઘના વધ માટે શ્રીકૃષ્ણ-આદિનું મગધમાં જવું
II वासुदेव उवाच II पतितौ हंसडिंमकौ कंसश्च सगणो हतः I जरासंघस्य निधने कालोSयं समुपागत II १ II
વાસુદેવ બોલ્યા-હવે,હંસ અને ડિમ્બક માર્યા ગયા છે ને કંસ પણ તેના અનુચરો સાથે હણાયો છે,એટલે જરાસંઘના વધનો સમય આવી ગયો છે.સર્વ સૂરો ને અસુરો પણ એને રણમાં જીતી શકે તેમ ન હોવાથી એને દેહબલ વડે દ્વંદ્વ યુદ્ધથી જીતવો જોઈએ એવું મને લાગે છે.મારામાં નીતિ છે,ભીમમાં બળ છે અને અર્જુન અમારા બે નું રક્ષણ કરનાર છે,એટલે જેમ,ત્રણ અગ્નિઓ યજ્ઞને સિદ્ધ કરે છે તેમ,અમે ત્રણ એ મગધરાજને પૂરો કરીશું.(4)
અમે ત્રણે એ નરપતિને એકાંતમાં મળીશું,નિઃસંશય એ અમારામાંથી એકાદની સાથે યુદ્ધમાં ઉતરશે જ.
ભુજબળના મદથી તે ભીમસેન સાથે જ યુદ્ધ કરશે ને ત્યારે ભીમસેન તેના માટે પૂરતો છે.
માટે,તમને જો મારામાં વિશ્વાસ હોય તો,તત્કાલ ભીમ ને અર્જુનને મને થાપણ તરીકે આપો.(7)
યુધિષ્ઠિર બોલ્યા-હે અચ્યુત,તમે આવું બોલો નહિ,તમે તો પાંડવોના નાથ છો.અમે તમારે આશરે છીએ.
તમે જે કહો તે યોગ્ય જ છે.હવે તો માની જ લો કે જરાસંઘ મરેલો જ છે,ને રાજસૂય યજ્ઞ સિદ્ધ થયો જ છે.
હે ગોવિંદ,હવે તો સાવધાનીથી એવું કરો કે જેથી આ કાર્ય સફળતાથી પાર પડે.કેમ કે તમારા ત્રણ વિના હું જીવવાનું સાહસ કરી શકું નહિ.વળી,મારુ માનવું છે કે અર્જુન,શ્રીકૃષ્ણ વિના અને શ્રીકૃષ્ણ અર્જુન વિના રહી શકે નહિ.ને આ ભીમ,સૌ બળિયાઓમાં શ્રેષ્ઠ છે,ને તે તમારી સાથે હોય તો કશું અશક્ય રહેતું નથી.
કહે છે કે-બુદ્ધિમાન સરદારોએ જ સેનાને દોરવી જોઈએ.બુદ્ધિમાનો જ્યાં નીચાણ હોય ત્યાં જ જળને વાળે છે.
તેથી,અમે,નીતિને જાણનારા,આપને આશરે રહીને જ કાર્ય સિદ્ધિને માટે પ્રયત્ન કરશું.
આમ,કાર્યની સિદ્ધિ અર્થે,અર્જુન અને ભીમે,શ્રીકૃષ્ણને અનુસરવું કે જેથી પરાક્રમમાં સિદ્ધિ મળશે.(20)
પછી,શ્રીકૃષ્ણ,ભીમ ને અર્જુન,મગધરાજ તરફ જવા નીકળ્યા.તેમણે તેજસ્વી સ્નાતક બ્રાહ્મણનો વેશ લીધો.
સર્વે જનોએ તેમને વચનોથી અભિનંદન આપ્યા ને સર્વે માનવા લાગ્યા કે-જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં વિજય જ છે.
કુરૂદેશથી નીકળીને,તેઓ કુરુજાંગાલની વચ્ચે થઈને રમણીય સરોવરે ગયા,ને ત્યાંથી કાલકૂટ પર્વત વટાવીને,
ગંદકી આદિ નદીઓ પાર કરી,પૂર્વકોશલ,દેશ પાર કરીને પૂર્વ દિશા તરફ વળી,મગધદેશની સીમમાં આવ્યા.
પછી,જળથી ભરેલા ને સુંદર વૃક્ષોવાળા,ગોરથ ગિરિએ પહોંચીને તેમણે મગધની રાજધાની જોઈ (30)
અધ્યાય-20-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE