II श्रीकृष्ण उवाच II कस्यचिस्पथ कालस्य पुनरेव महातपाः I मगधेपुपचकाम भगवांश्चडकौशिक II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-પછી,કેટલોક સમય વીત્યા બાદ,મહાતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં ફરીથી આવી ચડ્યા.
તેમના આગમનથી રાજા બૃદરાથ હર્ષ પામ્યો અને મંત્રીઓ,પુત્ર ને પત્નીઓને લઈને તેમને સામે લેવા ગયો.
પાદ્ય,અર્ધ્ય ને આચમનથી તે ઋષિનું સ્વાગત-પૂજન કરીને,તેમને રાજ્યસહિત પોતાનો પુત્ર સોંપ્યો.
રાજાનો પૂજા-સત્કાર સ્વીકારીને ઋષિએ રાજાને કહ્યું કે-હે રાજન,મેં દિવ્ય ચક્ષુથી જાણ્યું છે કે-
તારો આ પુત્ર ઐશ્વર્યવાન થશે,એમાં સંશય નથી.એ પરાક્રમ કરીને સઘળું પ્રાપ્ત કરશે.
જેમ,બીજાં પંખીઓ ઉડતા ગરુડની ગતિને પહોંચી શકતાં નથી,તેમ બીજા રાજાઓ,આના પરાક્રમને પહોંચી શકશે નહિ.જે કોઈ તેના કાર્યમાં આડો આવશે તેનો વિનાશ થશે.જેમ,નદીના વેગ પર્વતને પીડા કરી શકતા નથી,
તેમ,દેવોએ છોડેલાં શસ્ત્રો પણ આને પીડા કરી શકશે નહિ.એ સર્વ મુગટધારી રાજાઓને મસ્તકે પ્રકાશશે,ને
સૂર્યની જેમ એ બીજા સર્વ તેજધારીઓનાં તેજને હરી લેશે.જેમ,પતંગિયાં અગ્નિમાં પડી વિનાશને પામે છે તેમ,સમૃદ્ધ રાજાઓ પણ તેની સામે જતાં પોતાના વિનાશને નોતરશે.તે સર્વ રાજાઓની સમૃદ્ધિને ગ્રહણ કરશે.
તે ચારે વર્ણનું,સારી રીતે પાલન કરશે,સર્વ રાજાઓ તેની આજ્ઞામાં વર્તશે ને તે મહાદેવનાં સાક્ષાત દર્શન કરશે.
આમ,બોલીને તે મુનિએ,જાને પોતાનું કંઈ કાર્ય સાંભરી આવ્યું હોય તેમ,વિચાર કરીને બૃહદ્રથને નગરમાં
જવાની આજ્ઞા કરી.સમય આવ્યે,તે મગધરાજે,જ્ઞાતિજનોની સાથે રહીને જરાસંઘનો રાજ્યાભિષેક કર્યો.
ને પરમ સંતોષ પામીને તે બે પત્નીઓને લઈને તપોવનમાં તપ માટે ગયો.
માતા પિતા વનમાં ગયા પછી જરાસંઘ,સ્વપરાક્રમથી રાજાઓને વશ કરવા લાગ્યો.(20)
વૈશંપાયન બોલ્યા-પછી,દીર્ઘકાળ સુધી તપ કરીને બૃહદ્રથે સ્વર્ગગમન કર્યું ને જરાસંઘે પણ કૌશિકે કહેલા વરદાન પ્રમાણે સર્વની પ્રાપ્તિ કરી રાજ્યનું પાલન કરવા માંડ્યું.વાસુદેવ શ્રીકૃષ્ણે જયારે કંસને મારી નાખ્યો,ત્યારે તેને શ્રીકૃષ્ણ સાથે વેરની ગાંઠ બંધાઈ.તે વખતે,એ જરાસંઘે,પોતાના નગર ગિરિવજ્રમાંથી નવાણું આંટા ઘુમાવીને
એક ગળા ફેંકી હતી કે જે નવાણું યોજન દૂર મથુરાની પાસે પડી હતી,જે સ્થાન 'ગદાવસાન' તરીકે પ્રસિદ્ધ થયું હતું.
એ જરાસંઘને શસ્ત્રથી મારે નહિ તેવા,મંત્રણામાં નીતિમાન અને નીતિશાસ્ત્રમાં પંડિત એવા
હંસ અને ડિમ્બક નામે બે મહાબળવાન મંત્રીઓ હતા,કે જે વિષે આગળ કહેલું છે.
આ ત્રણ,ત્રણે લોકને માટે પૂરતા હતા,એમ મારુ માનવું છે.
હે રાજન,આથી જ બળવાન કુકુર,અંધક અને વૃષ્ણીઓએ 'બળવાનની સાથે સ્પર્ધા ન કરવી'
એ નીતિનું અવલંબન કરીને એ સમયે જરાસંઘની ઉપેક્ષા કરી હતી (29)
અધ્યાય-19-સમાપ્ત
રાજસૂયારંભ પર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE