અધ્યાય-૧૭-જરાસંઘની ઉત્પત્તિ કથા
II वासुदेव उवाच II जातस्य भरते वंशे तथा कृन्त्याः सुतस्य च I या वै युक्त्वा मतिः सेयमर्जुनेन प्रदर्शिता II १ II
વાસુદેવ બોલ્યા-ભરતવંશમાં ને કુંતીના કુખે જન્મેલા અર્જુને જે આ વિચાર બતાવ્યો તે યોગ્ય છે.આપણે રાતે કે દિવસે ક્યાંય મૃત્યુને જોતા નથી,તેમ આપણે સાંભળ્યું પણ નથી કે યુદ્ધ ન કરીને કોઈ અમર થયો હોય.
તેથી પુરુષે હૃદયના સંતોષ માટે પણ આમ કરવું જ જોઈએ.ને વિધિપૂર્વક શાસ્ત્રનીતિ પ્રમાણે શત્રુ પર ચડાઈ કરવી જોઈએ,સુનીતિ અને અનુકૂળતા-એ બંનેનો સંયોગ થતા કાર્યની પરમસિદ્ધિ થાય છે.ને વિજય મળે છે,પણ,
નીતિ વિનાના અને યોગ્ય ઉપાયો વિનાના યુદ્ધમાં ભારે ક્ષય થાય છે,વળી,જો બંને પક્ષ,જો સમાન રીતે ન્યાયથી યુદ્ધ કરે,તો બંનેના વિજય બાબતમાં સંશય રહે છે,ને કોઈનો વિજય થતો નથી.(5)
આપણે નીતિમાં રહીને,શત્રુના દેહ સામે જશું,આપણે આપણાં છિદ્રોને સાચવી રાખશું ને શત્રુનાં છિદ્રો જોઈને પરાક્રમ કરીશું.તો જેમ,નદીના વેગો ઝાડનો અંત લાવે છે તેમ આપણે પણ શત્રુનો અંત કેમ ન લાવી શકીએ?
જો કે,વ્યુહબદ્ધ સેનાવાળા અતિબળવાન શત્રુઓ સાથે યુદ્ધ કરવું નહિ-એવી બુધ્ધિમાનોની જે નીતિ છે તે મને રુચે છે,તો પણ આપણે કોઈને ય ખબર ન પડે તેમ,નિર્દોષતા પૂર્વક,શત્રુના ભવનમાં પહોંચી જઈએ
અને શત્રુના દેહ પર આક્રમણ કરીને ધાર્યો મનોરથ સિદ્ધ કરીશું.
મને લાગે છે કે તેનો જ નાશ થશે આપણો નહિ.એને માર્યા પછી,જો તેનામાણસો આપણને મારશે તો જ્ઞાતિજનોના રક્ષણમાં પારાયણ રહેલા આપણે સ્વર્ગ ને જ પામશું,
યુધિષ્ઠિર બોલ્યા-હે શ્રીકૃષ્ણ,જરાસંઘ એવો તે કોણ છે?એનાં શરીરબળ અને પ્રકારં કેવાં છે?તે સર્વ કહો.
અગ્નિસમાન એવા તમને સ્પર્શ કર્યા છતાં તે પતંગિયાની જેમ બળી કેમ ગયો નહિ?
શ્રીકૃષ્ણ બોલ્યા-હે રાજન,જરાસંઘ કેવો પરાક્રમી છે,ને અમારું અનેક વાર બૂરું કર્યા છતાં પણ અમે કેમ તેને જવા દીધો છે,તે વિશે તમે સાંભળો.પૂર્વે,બૃહદ્રથ નામે એક પરાક્રમી રાજા હતો.તે કાશીરાજની બે પુત્રીઓને પરણ્યો હતો.એ બે પત્નીઓ સમક્ષ તે રાજાએ ઠરાવ કર્યો હતો કે'હું બંનેમાંથી કોઈના પણ વિષે ન્યૂન કે અધિક ભાવ રાખીશ નહિ' એ બંનેની સાથે વિષયરસ ભોગવતાં,એ રાજાની યુવાની ઓસરી ગઈ.પણ તેને પુત્ર થયો નહોતો.
પુત્ર માટે તે નૃપવરે અનેક મંગલ કાર્યો,હોમો-ઇત્યાદિ કાર્ય પણ તેની કામના સિદ્ધ થઇ નહિ.(23)
પછી,તેણે સાંભળ્યું કે-ગૌતમવંશી કાક્ષીવાનના પુત્ર ચંડકૌશિક,તપથી પરવારીને દૈવેચ્છાથી અહીં આવીને એક ઝાડ નીચે બેઠા છે,ત્યારે તેણે તરત જ પત્નીઓ સાથે ત્યાં જઈને,તેમને સર્વ રીતે સંતોષ્યા.એટલે તે ઋષિશ્રેષ્ઠે
તેને વરદાન માગવા કહ્યું.ત્યારે રાજાએ કહ્યું કે-મને નિઃસંતાન અને ક્ષીણભાગીને વરદાનનું શું પ્રયોજન?
આ સાંભળી,ઋષિ ધ્યાન પરાયણ થયા,ને ત્યારે તે ઋષિના ખોળામાં રસથી ભરેલું એક આમ્રફળ પડ્યું.
મુનિવરે તે હાથમાં લીધું અને તેને હૃદયથી અભિમંત્રિત કર્યું,ને પુત્રપ્રાપ્તિ માટે કારણરૂપ તેવું તે ફળ તેમણે
રાજાને આપીને કહ્યું કે-હે રાજન,તું કૃતાર્થ થયો છે હવે તું પાછો વળ' (32)
રાજા ઘેર પાછો ગયો ને યોગ્ય સમયે તે ફળ તેણે પત્નીઓને આપ્યું.તે બે પત્નીઓએ ફળના બે ભાગ કરીને
તે ફળને ખાધું.કે જેથી બંનેને ગર્ભ રહ્યો.બંને રાણીઓ ગર્ભવતી થવાથી રાજા આનંદ પામ્યો.
યોગ્ય કાળ આવતા,તે બંને રાણીઓએ શરીરની એકએક ફાડનો જન્મ આપ્યો.તે એકએક ફાડમાં એકએક
હાથ,પગ,પેટ અને મુખ આદિ હતાં.તે જોઈને રાણીઓ અત્યંત કંપવા લાગી ને ઉદ્વેગ પામેલી તે બંને બહેનોએ આપસમાં વિચાર કરીને,તે બેઉ સજીવ ફાડોને ત્યજી દીધી.દાસીઓએ તે બંને ફાડોને ઢાંકીને,
અંતઃપુરના દરવાજામાંથી બહાર નીકળીને બહાર ચકલામાં મૂકી દીધી.(40)
હે રાજન,તે વખતે,લોહી ને માંસનું ભોજન કરનારી જરા નામની એક રાક્ષસીએ,તે ફાડોને ઉપાડી લીધી,
ને સુખપૂર્વક લઇ જવાય તે માટે ને ભાવિના બળથી પ્રેરાઈને તે શરીરના બંને ટુકડાઓ જોડી દીધા.
ને આમ,તેણે જયારે બે ટુકડા જોડ્યા,ત્યારે તરત જ તેમાંથી એક શરીરધારી કુમાર બની ગયો.
કે જેને જોઈને રાક્ષસી આનંદ પામીને તેને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગી પણ તેમ કરવામાં તે નિષ્ફળ થઇ.
તે વખતે તે બાળક અતિ જોરથી રડવા લાગ્યો,કે જેથી અંતઃપુરમાંથી રાણીઓ એકદમ દોડી આવી.
થોડીવારમાં રાજા પણ આવ્યો.મહાબળવાન આ બાળકને જોઈને અને રાજાને સંતતિ માટે
ઉત્કંઠાવાળો જોઈને,તે રાક્ષસીએ વિચાર કર્યો કે-'હું આ રાજાના રાજ્યમાં રહું છું,એટલે તેને મારી શકું નહિ'
આમ વિચારી,તેણે મનુષ્યરૂપ લઈને બાળકને ઉપાડીને રાજાને કહ્યું કે-'હે બૃહદ્રથ,બ્રાહ્મણના વરદાન વડે તમારી
બે રાણીઓમાં જન્મેલા આ તમારા પુત્રને દાસીઓએ ફેંકી દીધો હતો,મેં તેને સાચવ્યો,ને હવે તે તમને આપું છું'
પછી,તરત જ,બે રાણીઓએ તેને લઈ લીધો ને તેને સ્તનપાન કરાવવા લાગી.રાજાએ સર્વ વૃતાંત જાણ્યું ને
પછી રાક્ષસીને પૂછ્યું કે-'હે કમળના ગર્ભના જેવી કાંતિવાળી,મને પુત્ર દેનારી તું કોણ છે?
તું સ્વેચ્છાથી મને તારા વિશે કહે.તું મને કોઈ દેવી સમાન લાગે છે.(54)
અધ્યાય-17-સમાપ્ત