Jul 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-230

અધ્યાય-૧૬-જરાસંઘના વધ વિશે મંત્રણા 

II युधिष्ठिर उवाच II सम्राटSगुणमभिप्स्न्यै युष्मान् स्वार्थपरायणः I कथं प्रहिणुयां कृष्ण सोहं केवलसाहसात II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે શ્રીકૃષ્ણ,ચક્રવર્તીના ગુણો સંપાદન કરવાની ઈચ્છાથી સ્વાર્થપરાયણ થઈને,હું કેવી રીતે તમને જરાસંઘનો નાશ કરવા મોકલું? તમને તો હું મારુ મન માનું છું,ને ભીમ ને અર્જુન તો મારે મન બે નેત્ર જેવા છે,

એટલે જો મન અને નેત્રો નાશ પામે તો હું કેવી રીતે જીવતર જીવું? એ ભયંકર પરાક્રમવાળા ને સહેજે પાર ન પામી શકાય તેવા જરાસંઘના સૈન્યનો ભેટો પામી યમરાજ પણ યુદ્ધમાં વિજય મેળવી શકે તેમ નથી,આવા અનિષ્ટ ફળવાળા કાર્યમાં હાથ નાંખનારનો અનર્થ થાય છે,એટલે આ કાર્ય ન કરવું મને વધારે યોગ્ય લાગે છે.(6)

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,આ પ્રમાણે વાતચીત થતી હતી,એટલામાં શ્રેષ્ઠ ધનુષ્ય,બે અક્ષય ભાથાંઓ,રથ,ધજા અને સત્તા પામેલા અર્જુને યુધિષ્ઠિરને કહ્યું કે-'હે રાજન,ધનુષ્ય,શસ્ત્ર,બાણો,બળ,પક્ષ,ભૂમિ અને યશ એ બધું દુર્લભ હોવા છતાં મને યચેચ્છ પ્રાપ્ત થયું છે.વિદ્વાનો ઊંચા કુળમાં થયેલા જન્મની પ્રશંસા કરે છે,પણ મને તો બળની બરાબરીમાં આવે એવું કશું જ લાગતું નથી.હે રાજન,તે જ ક્ષત્રિય છે કે જેને શત્રુ પર જય મેળવવાની સતત વૃત્તિ રહે છે,કેમ કે વીર્યવાન સર્વ ગુણોથી વિહીન હોય તો પણ તે એકલો સર્વ રિપુઓને તરી જાય છે.(11)


નિર્વીર્ય,સર્વ ગુણોથી સંપન્ન હોય,છતાં તે શું કરી શકવાનો?સાચે જ સર્વ ગુણો,પરાક્રમમાં જ ગુણરૂપે રહે છે.

કાર્યસિદ્ધિ એ જ જયનો હેતુ છે અને તે પૌરુષ ને દૈવને આધારે છે.કેમ કે કોઈ મનુષ્ય બધાં બળથી સંપન્ન હોવા છતાં,જો પ્રમાદમાં રહીને તેનો કોઈ ઉપયોગ કરે નહિ તો,તે જયને વરતો  નથી.ને પરિણામે પોતે બળવાન હોવા છતાં,નિર્બળ મનુષ્યોના હાથે નાશ પામે છે.બળવાન મનુષ્યની દીનતા ને મૂર્ખતા-તેના નાશનું કારણ છે.

માટે વિજય મેળવવાની ઈચ્છા કરનાર રાજાએ એ બંનેને ત્યજવાં જોઈએ (14)


જો આપણે યજ્ઞને અર્થે જરાસંઘનો વિંશ કરીશું અને બીજા રાજાઓનું રક્ષણ કરીશું,તો તેનાથી ચડિયાતું બીજું શું હોઈ શકે? હે રાજન,જો આપણે આ કાર્યનો આરંભ કરીશું નહિ,તો આપણે ગુણવિહીન ને નિર્બળ છીએ,એવો ચોક્કસ લોકમત બંધાશે.આપણે સર્વ નિઃસંશય રીતે બળ ને ગુણવાળા તો છીએ,તો પછી તમે પોતાને કેમ ગુણહીન માનો છો? શાંતિ ઇચ્છતા મુનિઓને માટે તો સુલભ એવું કાષાય વસ્ત્ર ધારણ કરવું એ જ યોગ્ય છે,પરંતુ આપણે તો ચક્રવર્તી પદ ધારણ કરવાને શક્તિમાન છીએ,માટે આપણે શત્રુ સાથે યુદ્ધ કરીશું (17)

અધ્યાય-16-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE