Jul 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-228

 
અધ્યાય-૧૪-શ્રીકૃષ્ણનાં વચન 

II श्रीकृष्ण उवाच II सर्वैर्गुणैर्महारज राजसूयं त्वमर्हसि I जानतस्त्वैव ते सर्गः किंचिद्वक्ष्यामि भारत II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-હે મહારાજ,તમે સર્વ ગુણોથી રાજસૂય યજ્ઞ કરવા યોગ્ય છો,(આ બાબતે) તમે સર્વ જાણો છો,છતાં (આ વિષય પર) તમને હું કંઈક કહીશ.જમદગ્નિપુત્ર પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો,તેમાં જે ક્ષત્રિયો બચી ગયા હતા,તેઓ,પૂર્વના ક્ષત્રિયો કરતાં ઉતરતા છે.હાલ આ સંસારમાં નામમાત્રના ક્ષત્રિયો રહી ગયા છે.

તે ક્ષત્રિયોએ,એકઠા મળીને પોતાના કુળ માટે એવો સંકલ્પ કર્યો છે કે-આપણામાં જે કોઈ એક પુરુષ સર્વનો પરાજય કરે તેને ચક્રવર્તી રાજા જાણવો.આ વાત તો તમે જાણતા જ હશો (3)

આ પૃથ્વીમાં જે બધા રાજાઓ ને ક્ષત્રિયો છે તે ઐલ તથા ઇક્ષ્વાકુવંશની પ્રજા છે એમ કહેવાય છે.આ વંશના 

જે રાજાઓ થયા તેમના એકસો-એક કુળ થયા છે.તેમાં યયાતિના ને ભોજના વંશનો વિસ્તાર બહોળો છે.

તેઓ ગુણમાં પણ ચડિયાતા છે,સર્વ ક્ષત્રિય રાજાઓ તેમની રાજલક્ષ્મીને ઉપાસે છે .

હે રાજન,હાલમાં જરાસંઘ નામના રાજાએ ભોજવંશની રાજલક્ષ્મીનો પરાજય કર્યો છે અને સૌ મોટા રાજાઓએ તેનો ચક્રવર્તીના પદે અભિષેક કર્યો છે.આ જરાસંઘ પરાક્રમથી,સર્વ રાજાઓને માથે ચડી બેઠો છે.અને 

મથુરા-આદિ મધ્યભૂમિનો ઉપયોગ કરીને અમારામાં ફૂટફાટ પડાવવા માગે છે.(9)


આ જરાસંઘને આશ્રયે રહીને શિશુપાલ રાજા તેનો સેનાપતિ બન્યો છે.માયાવી યુદ્ધ કરનાર વક્ર પણ એક શિષ્યની જેમ જરાસંઘની સેવામાં રહે છે.વળી,હંસ,ડિમ્બક,દંતવક્ર,કરુષ,કરભ ને મસ્તક પર દિવ્ય મણિ ધારણ કરનાર મેઘવાહન,એ સૌ તેના વશમાં છે.તમારા પિતાના મિત્ર વૃષશ ભગદત્ત રાજા પણ તેના વચન ને કર્મને નમન કરે છે.

જો કે તેઓ તમારા પ્રત્યે પણ પિતાના જેવો સ્નેહભાવ રાખે છે.પણ,માત્ર કુંતીવંશ વધારનાર 

તમારા મામા,કે જે  પુરજીત તરીકે ઓળખાય છે,તે એક જ સ્નેહે કરીને તમારા પક્ષમાં છે.(18)


પૂર્વે મેં જેનો (પૌણ્ડ્રકનો) લડાઈમાં નાશ કર્યો નહોતો,ને જે ચેદિદેશમાં પોતાને પુરુષોત્તમ તરીકે ઓળખાવે છે,

તે પણ,જરાસંઘના પક્ષમાં ભળી ગયો છે.અમારો ભોજવંશી મગધરાજ ભીષ્મક પણ જરાસંઘનો ભક્ત છે.

અમે એના સંબંધીઓ છીએ,એનું પ્રિય આચરીએ છીએ,એની સાથે વિનયી વર્તન રાખીએ છીએ,છતાં પણ તે અમારા પ્રત્યે પ્રિય ભાવ રાખતો નથી અને અમારું અપ્રિય કર્યા કરે છે.તે પોતાના કુળ ને બળને ઓળખતો નથી,

અને જરાસંઘને યશથી ઝળહળતો જોઈને તેને અધીન થઇ રહ્યો છે.ભોજવંશનાં ઉત્તર દિશાનાં અઢાર કુળો,

જરાસંઘના ભયને લીધે,પશ્ચિમ દિશામાં આવીને રહયા છે.(26)


વળી,શૂરસેનો,ભદ્રકારો,બોઘો,શાલવો,સુસ્થલો,સુકુટ્ટો,કૂલિંન્દ્રો,કુંતિઓ,શાલવાયન રાજાઓ,તેમના ભાઈઓ,

દક્ષિણ પાંચાલો,ને પૂર્વ કોશલના રાજાઓ એ સર્વેએ કુન્તિદેશનું શરણું લીધું છે.વધુમાં ભયથી પીડાયેલા,

મત્સ્ય તથા સન્યસ્તપાદ નામના રાજાઓ પણ ઉત્તર દેશ છોડીને દક્ષિણ દિશામાં આશ્રય કરી રહ્યા છે.

એવી જ રીતે જરાસંઘના ભયથી પાંચાલ રાજાઓ પણ પોતાનું રાજ્ય છોડી ચારે દિશામાં નાસી ગયા છે (30)


માત્ર એક મૂઢ બુદ્ધિવાળો,કંસ,યાદવોને સતાવીને, જરાસંઘની બે પુત્રીઓ અસ્તિ ને પ્રાપ્તિને પરણ્યો હતો,ને તેના બળે કરીને તે કંસ,પિતા ને સંબંધીઓને દબાવીને રાજા થઈને બેઠો હતો.તે દુરાત્માથી પીડાઈ રહેલા ભોજવંશી વૃદ્ધ રાજાઓએ,પોતાની જ્ઞાતિના રક્ષણ માટે મારી ને બલરામની આશા કરી,ત્યારે અમે,આહૂકની પુત્રી 

સુતનુને,અક્રુરને આપી ને અમે જાતિભાઈઓનું કાર્ય સિદ્ધ કરીને કંસ અને સુનામાને મારી નાખ્યા.


પણ,હવે પોતાની પુત્રીઓ વિધવા થવાથી જરાસંઘે અમારી સામે કમર કસી.એટલે અમારી અઢાર નાના રાજકુળો સાથે ફરીથી મંત્રણા થઇ.કે 'આપણે મહાઅસ્ત્રોથી ત્રણસો વર્ષ સુધી અથાક લડીએ તો પણ જરાસંઘના સૈન્યને હણી શાકીશી નહિ,કેમ કે તેની પાસે બળમાં દેવ એવા હંસ અને ડિમ્ભક નામના બે વીરો છે તે શસ્ત્રથી મરે તેવા નથી.તે બે વીરો અને જરાસંઘ-એ ત્રણ સર્વ લોકને જીતી શકવાને માટે પૂરતા છે.એમ અમારું માનવું છે'


જરાસંઘ સાથેના સત્તરમી વારના સંગ્રામમાં,હંસ નામે બીજો કોઈ એક રાજા હતો,તે બલરામના હાથે મરાયો,

ત્યારે કોઈ સૈનિકે બૂમો મારી કહ્યું કે-'હંસ મરાયો' એ સાંભળીને ડિમ્બકે વિચાર્યું કે 'હંસના વિના આ લોકમાં જીવવાની મને હોંશ નથી' ને આમ વિચારીને તે યમુના નદીમાં કૂદી પડીને મરણ પામ્યો.ડિમ્બકના મરણના સમાચારથી હંસ પણ યમુના નદીમાં કૂદીને મરણ પામ્યો.આ બંનેના મરણના સમાચાર સાંભળી,

જરાસંઘ શૂન્ય મનથી રાજનગરમાં પાછો ગયો,ને આમ તે પાછો વળ્યો,એટલે અમે સર્વ આનંદ પામીને ફરીથી મથુરામાં વસવા લાગ્યા હતા.પરંતુ,તે હંસની દુઃખી પત્ની,પોતાના પિતા જરાસંઘ પાસે ગઈ,ને પતિના મૃત્યુનો બદલો લેવા,પિતાને વિનંતી ને ઉશ્કેરણી કરી કહ્યું કે-'મારા પતિને હણનારાને હણો' (46)


હે મહારાજ,આગળ કરેલી મંત્રણાને યાદ કરીને,અમે ઉદાસ ચિત્તે મથુરાથી ચાલી નીકળવાનો વિચાર કર્યો.

ને ભારે સંપત્તિની છૂટી છૂટી કરીને જ્ઞતિજનો સાથે અમે ત્યાંથી પલાયન થવાનો નિર્ણય કર્યો.ને 

અમે બધાં,પશ્ચિમ દિશામાં આવેલી,દ્વારકા (કુથસ્થલી) નગરીમાં આવી વાસ કર્યો ને ત્યાં અજેય દુર્ગ બાંધ્યો.

ને ત્યાં જરાસંઘથી નિર્ભય થઈને રહેવા લાગ્યા.અહીં અઢાર ક્ષત્રિય કુળો,ને અમારા કુળમાં અઢાર હજાર ભાઈઓ 

દુર્ગનું રક્ષણ કરે છે.આહૂકને સો પુત્રો છે કે જે  દેવો સમાન ને ચડિયાતા છે.ચારુદેષ્ણ,ચક્રદેવ,સાત્યકિ,હું,બલરામ,

સામ્બ અને પ્રદ્યુમ્ન-એમ સાત રથીઓ છીએ.કૃતવર્મા,અનાવૃષ્ટિ,સમીક,સમિતિજાય,કાંક,શંકુ,અને કુંતિ-એ સાત મહારથીઓ છે,વળી અંધકભોજના બે પુત્રો ને દશમા વૃદ્ધ રાજા ઉગ્રસેન એ બધા પણ મહારથીઓ છે.

આ તે સર્વે સૌ મધ્ય દેશને સંભારતા રહીને,વૃષ્ણીઓ સાથે વસીને રહયા છે.(61)


હે ભરતોત્તમ,તમે સદૈવ સમ્રાટના ગુણોથી સંપન્ન છો ને ચક્રવર્તી થવાને યોગ્ય છો.પણ,જ્યાં સુધી જરાસંઘ જીવતો છે,ત્યાં સુધી તમે રાજસૂય યજ્ઞને સિદ્ધ કરી શકશો નહિ,એમ મારુ માનવું છે.જરાસંઘે સર્વ રાજાઓને જીતીને તેમને,ગિરિવ્રજ દુર્ગમાં પુરી રાખ્યા છે.મહાદેવનું ઉગ્ર તપ કરી,તેમને આરાધીને તેણે સર્વ રાજાઓને જીતીને પોતાની પ્રતિજ્ઞા પુરી કરી છે.અને અમે પણ તેના ભયથી જ મથુરા છોડી દ્વારિકા પલાયન થયા હતા.

હે રાજન,આમ,તમે જો રાજસૂય યજ્ઞ કરવા ઇચ્છતા હો તો,તમે તે રાજાઓની મુક્તિ માટે,પ્રથમ,જરાસંઘના વધ માટે પ્રયત્ન કરો.એવો મારો મત છે.પછી તો તમે જેમ  માનો  તે ખરું.એટલે તમે નિશ્ચય કરીને મને કહો. (71)

અધ્યાય-14-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE