અધ્યાય-૧૩-શ્રીકૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં આગમન
II वैशंपायन उवाच II ऋशैस्तद्वचनं श्रुत्वा निशश्वास युधिष्ठिरः I चिन्तयन् राजसुयैष्टिं न लेभे शर्म भारत II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભારત,નારદ ઋષિનું તે વચન સાંભળીને,યુધિષ્ઠિરે નિશ્વાસ મુક્યો અને રાજસૂય યજ્ઞના વિચારમાં તેમને મનમાં શાંતિ વળી નહિ,ને છેવટે તેમણે રાજસૂય યજ્ઞ કરવાનો મનમાં નિર્ધાર કર્યો.
તે વારંવાર ધર્મનું જ ચિંતન કરીને 'શાથી સર્વલોકનું મંગલ થાય?' એનો વિચાર કરતા રહ્યા.ને પ્રજા પર અનુગ્રહ કરીને તેમનું વિશેષ હિત કરવા લાગ્યા,કોપ-મદને છોડીને તે સર્વને આજ્ઞા આપતા હતા કે 'દેવા યોગ્ય હોય તે સર્વને દાન આપો' તેમના આવા વર્તનથી લોકો કહેવા લાગ્યા કે-'ધર્મ ને ધર્મરાજા શ્રેષ્ઠ છે' (8)
યુધિષ્ઠિરના આ પ્રમાણેના વર્તનને લીધે,પ્રજાજનોને તેમના પર પિતા જેવો વિશ્વાસ બેઠો,તેમનો કોઈ દ્વેષ કરતુ નહોતું,તેથી તે યુધિષ્ઠિર 'અજાતશત્રુ' નામ પામ્યા.ભીમસેનના રક્ષણથી,અર્જુને કરેલા શત્રુનાશથી,સહદેવના ધર્મોપદેશથી,અને નકુલના વિનયભાવના ઉપદેશથી,તેમનો દેશ કલહ અને ભયરહિત થયો.
ત્યારે માગ્યા મેઘ વરસતા હતા,લોકો સંપત્તિસંપન્ન થયા.વ્યાજ-વાતાવનો ધંધો,યજ્ઞની સામગ્રીઓ,ગોરક્ષા,
ખેતી અને વાણિજ્ય-એ બધા ય રાજાના ઉત્સાહ વડે ઉન્નતિ પામ્યાં.પ્રજામાં આગ,કે રોગચાળાની કોઈ પીડા નહોતી,ચોર,ઠગારા કે રાજાના માણસો રાજા પ્રત્યે ખોટું કરે-એવું ક્યાંય સંભળાતું નહોતું.ખંડિયા રાજા યુધિષ્ઠિરને કર આપતા ને વેપારીઓ પણ પોતપોતાના ધંધા પ્રમાણે કર આપતા હતા,તેથી દેશ સમૃદ્ધ થયો (17)
આમ તે યુધિષ્ઠિર,રાષ્ટ્રમાં સર્વવ્યાપી,સર્વગુણવાળા,સર્વ સહન કરનારા,સર્વાધીશ,મહાયશસ્વી અને
કાંતિમાન એવા સમ્રાટ અધિપતિ તરીકે પ્રખ્યાત થયા.હે રાજન,દશે દિશાઓમાં,બ્રાહ્મણોથી માંડીને
ગોવાળો સુધીની સર્વ પ્રજા,તેમના પ્રત્યે માતપિતાથી પણ વધુ પ્રીતિ રાખતી હતી.(19)
એક યોગ્ય સમયે,યુધિષ્ઠિરે,પોતાના મંત્રીઓ ને ભાઈઓને બોલાવીને,તેમને રાજસૂય યજ્ઞ વિશે પૂછ્યું.
ત્યારે મંત્રીઓએ તેમને કહ્યું કે-જે યજ્ઞમાં અભિષેક પામીને,રાજા વરુણના ગુણને પામે છે અને
જે યજ્ઞથી રાજા ચક્રવર્તી પદને ઈચ્છી તેને પામે છે,તે યજ્ઞનો આ જ સમય છે એમ સર્વનું માનવું છે.
આ રાજસૂય યજ્ઞના અંતે,અભિષેક પામીને,રાજા સર્વ યજ્ઞફળોને પ્રાપ્ત કરે છે.ને તે સર્વજિત કહેવાય છે.
હે મહાબાહુ,તમે સમર્થ છો,અમે તમને વશવર્તી છીએ,તો તમે વિનાવિલંબે આ રાજસૂય યજ્ઞ કરી શકશો,
એથી વિચારવા થોભ્યા વિના તમે રાજસૂય યજ્ઞ કરવાનો નિર્ણય કરો.
આ રીતે,મંત્રીઓના તે વચન સાંભળીને અને પોતાનું સામર્થ્ય જાણીને,યુધિષ્ઠિરે,મનમાં રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો,ને પછી,ઋત્વિજો,ધૌમ્ય,અને વ્યાસજી આદિ મહાત્માઓ સાથે મંત્રણા કરી.ત્યારે તે સર્વેએ
એકમત થઈને નિર્ણય આપ્યો કે-'હે ધર્મજ્ઞ,તમે રાજસૂય મહાયજ્ઞ કરવાને યોગ્ય છો'
પછી,યુધિષ્ઠિરે વિચાર્યું કે-આવા મોટા યજ્ઞનો પ્રારંભ કેવળ પોતાના જ નિશ્ચયથી કરવો યોગ્ય નથી'
એટલે આ કાર્યના નિશ્ચય માટે,તેમણે,સ્વેચ્છાથી મનુષ્યલોકમાં જન્મેલા શ્રીહરિ,જનાર્દન શ્રીકૃષ્ણ સાથે
વિચારવિમર્શ કરવાનો ને તેમની ઈચ્છા જાણવાનો,વિચાર ભાઈઓ સમક્ષ મુક્યો,
ને,તે સર્વેની સાથે બેસી એકનિષ્ઠ ઠરાવ કરીને,શ્રીકૃષ્ણ પાસે તત્કાલ દૂત મોકલ્યો.(41)
દૂતે દ્વારકા જઈને શ્રીકૃષ્ણને સંદેશો આપ્યો,એટલે પોતાના દર્શનની આકાંક્ષાવાળા પૃથાપુત્રોનાં દર્શનની
ઇચ્છાએ અચ્યુત શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા,અને સર્વને મળ્યા.સર્વેએ તેમનું સ્વાગત કર્યું.
યોગ્ય સત્કાર પછી,યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે શ્રીકૃષ્ણ,મને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા છે,પણ
તે કાર્ય માત્ર ઈચ્છા કર્યે સધાતું નથી,તે જે રીતે સિદ્ધ થાય,તે વિષે તમે સારી રીતે જાણો જ છો.
મેં અહીં સર્વની સાથે મંત્રણાઓ કરી ને તે સર્વનો અભિપ્રાય એવો છે કે મારે રાજસૂય યજ્ઞ કરવો જોઈએ.
પણ હવે આ સંબંધમાં મારે માટે આપનું વચન જ સર્વશ્રેષ્ઠ ને પ્રમાણરૂપ છે.
કેમ કે,કદીક,કેટલાક મૈત્રીને કારણે દોષ બતાવતા નથી હોતા,તો કેટલાક સ્વાર્થના કારણે પણ પ્રિય વચનો બોલી શકે છે.વળી,કેટલાક પોતાના માટે જે હિતકારી હોય તેને જ પ્રિય ગણે છે.આમ કોઈ પ્રયોજન સંબંધમાં,
સાધારણ રીતે સર્વ મનુષ્યોના વિચારો જોવા મળતા હોય છે.પણ આ હેતુઓથી પાર જઈ,ને કામક્રોધને
અળગા રાખીને,આ બાબતે જે પરમ કલ્યાણકારી હોય તે કહેવાને આપ યોગ્ય છો.(53)
અધ્યાય-12-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE