Jul 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-226

 
અધ્યાય-૧૨-નારદે પાંડુરાજાનો સંદેશો કહ્યો

II युधिष्ठिर उवाच II प्रायशो राजलोकस्ते कथितो वदतां वर I विवस्वनसभायां तु यथा वदसि मे प्रभो II १ II

યુધિષ્ઠિર બોલ્યા-જે વક્તાઓમાં શ્રેષ્ઠ,છો તે ,પ્રમાણે,યમરાજની સભામાં ઘણું કરીને રાજાઓ વિરાજે છે,

વરુણની સભામાં નાગો,દૈત્યેન્દ્રો,સતિતઓ ને સાગરો ગણાવ્યાં છે,કુબેરજીની સભામાં તમે,યક્ષો,ગુહ્યકો,

રાક્ષસો,ગંધર્વો,અપ્સરાઓ ને ભગવાન શંકરની ગણના કરી છે,બ્રહ્માની સભામાં તમે મહર્ષિઓ,દેવગણો અને 

સર્વ શાસ્ત્રો કહ્યાં,ને ઇન્દ્રની સભામાં દેવો,ગંધર્વો  ને મહર્ષિઓને કહ્યા.(5)

હે મહામુનિ,મહાત્મા દેવરાજ ઇન્દ્રની સભામાં તમે રાજર્ષિ હરિશ્ચન્દ્રનું નામ કહ્યું હતું,તેમણે એવું કયું કર્મ અથવા તપ કર્યું હતું કે જેથી તે ઇન્દ્ર સાથે સ્પર્ધા કરે છે? હે વિપ્ર,પિતૃલોકમાં ગયેલા મારા પિતા પાંડુને તમે જોયા હતા?

તમે એમને મળ્યા હતા? તેમણે તમને શું કહ્યું હતું? તે સઘળું સાંભળવાનું મને કુતુહલ થયું છે (9)


નારદ બોલ્યા-તે બળવાન હરિશ્ચંદ્ર રાજા સર્વ મહીપાલોનો સમ્રાટ હતો,સર્વ રાજાઓ તેની આજ્ઞામાં શિર નમાવીને રહેતા હતા.તેણે એક સુવર્ણજડિત વિજયી રથમાં બેસીને,શસ્ત્રના બળથી સાત દ્વીપો જીત્યા હતા.અખિલ પૃથ્વીને જીતીને તેણે રાજસૂય નામેનો મહાયજ્ઞ કર્યો હતો.તે યજ્ઞમાં તેની આજ્ઞાથી સર્વે રાજાઓ ધન-સંપત્તિઓ લાવ્યા હતા,અને તેઓ બ્રાહ્મણોને પીરસનારા થયા હતા,તે વખતે યાચકો જે માંગતા તેથી પાંચગણું ધન,

એ નરનાથ તેમને પ્રીતિપૂર્વક આપતો હતો.ને પૂર્ણાહુતિના સમયે તેણે દેશદેશના બ્રાહ્મણોને વિવિધ ઘનો આપીને તૃપ્ત કર્યા હતા.ભક્ષ્યો,ભોજ્યો અને રત્નોથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો,એ રાજાને સર્વ રાજાઓમાં તેજસ્વી,યશસ્વી અને અધિક તરીકે વર્ણવતા હતા.રાજસૂય યજ્ઞના પ્રભાવથી જ તે રાજા ઇન્દ્રની સભામાં વિરાજે છે (18)


હે ભરતસિંહ,જે બીજા રાજાઓ રાજસૂય મહાયજ્ઞ કરે છે,તેઓ પણ ઇન્દ્રની સાથે પરમ આનંદ ભોગવે છે.

વળી,જેઓ સંગ્રામમાં પૂંઠ બતાવ્યા વિના મરણને ભેટે છે તેઓ પણ ઇંદ્રલોકમાં જઈને આનંદ પામે છે.

ને જેઓ તીવ્ર તપ વડે આ લોકમાં પોતાનું શરીર પાડી નાખે છે,તેઓ પણ ત્યાં સ્થાન પામે છે.

રાજા હરિશ્ચન્દ્રનું સ્થાન જોઈને વિસ્મય પામેલા તમારા પિતા પાંડુએ,મને મનુષ્યલોકમાં આવતો જોઈને 

એક સંદેશો આપ્યો હતો.કે -'તમે યુધિષ્ઠિરને એટલું કહેજો કે-તું પૃથ્વી જીતવા સમર્થ છે,તારા ભાઈઓ તારે વશ છે,

માટે તું રાજસૂય નામનો શ્રેષ્ઠ યજ્ઞ કર,કે જેથી હું હરિશ્ચન્દ્રની જેમ ઇન્દ્રની સભામાં આનંદ ભોગવીશ' (26)


હે પાંડવ,તમે તામર પિતાનો તે સંકલ્પ પૂરો કરો,એથી તમે પણ તમારા પૂર્વજોની સાથે ઇંદ્રલોકમાં જશો.

આ મહાન યજ્ઞમાં વિઘ્નો ઘણાં છે,યજ્ઞનો નાશ કરનારા બ્રહ્મરાક્ષસો એમાં છિદ્રો શોધ્યા જ કરે છે.

એ યજ્ઞ વખતે,પૃથ્વીનો ક્ષય લાવનારું અને ક્ષત્રિયોનો ઘાણ કાઢનારું યુદ્ધ પણ થાય છે.

આ બધું વિચારીને,જે કલ્યાણકારી હોય તે તમે કરો.ચારે વર્ણન રક્ષણમાં તમે જરા પણ પ્રમાદ વિના જાગ્રત રહો,તમે વૃદ્ધિ પામો,આનંદ પામો અને બ્રાહ્મણોને ધન સંપત્તિથી તૃપ્ત કરો.તમે મને જે પૂછ્યું,

તેનો મેં જવાબ આપ્યો હવે આપની રજા હોય તો હું દ્વારકા તરફ જાઉં (33)


વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી તે નારદ ત્યાંથી ચાલ્યા ગયા પછી યુધિષ્ઠિરે 

પોતાના ભાઈઓ સાથે બેસીને રાજસૂય મહાયજ્ઞ વિષે મંત્રણા કરી (35)

અધ્યાય-12-સમાપ્ત 

(નોંધ-સંતુષ્ટ થયેલા દાનવોના રાજા મયે,યુધિષ્ઠિરને પૃથ્વીની અદ્ભૂત સભા બનાવી આપી,પણ તે સભાથી સો ગણી શ્રેષ્ઠ દેવોની સભા  છે ને તેનાથી સો ગણી શ્રેષ્ઠ સભા વિષ્ણુના યજ્ઞ-પૂજનથી મળે છે,એમ કહીને નારદે રાજસૂય યજ્ઞમાં પ્રવૃત્તિ કરાવી-અનિલ)

લોકપાલ સભાખ્યાન પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE